<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ચકચાર: રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી યુ ટ્યુબ, ટેલિગ્રામ પર અપલોડ થયા: અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ: હોસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું ફૂટેજ કોઈએ હેક કર્યા છે: તપાસનો ધમધમાટ

રાજકોટઃ શહેરની પાયલ મેટરનિટી હોમ હોસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ જતાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાને આવતા તપાસ થતા જે વિડીયો અપલોડ થયા તે હોસ્પિટલ રાજકોટની હોવાનું સામે આવ્યુ હતું. અમદાવાદ સાયબર ક્રાઈમે આ બાબતે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ રાજકોટની હોસ્પિટલના ડાયરેક્ટરે સીસીટીવી હેક થયા હોવાનું કહી પોતે પોલીસ તપાસમાં તમામ સહકાર આપશે.

પાયલ હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયના વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાન પર આવતાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમના હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ટેલિગ્રામનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. આ ગ્રુપમાં કોઈને જોડાવું હોય તો એ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાઇરલ થાય એ મહિલાની પ્રાઈવેસીનો ભંગ છે. એ બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન રાજકોટની પાયલ મેટરનિટી હોમના ડાયરેક્ટર ડો. સંજય દેસાઈએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલ સાથે ઘણા ગાયનેક ડોક્ટર જોડાયેલા છે. આ બધું અમારી જાણ બહાર હતું. અમારા સીસીટીવી કોઈએ હેક કર્યા છે. અમે ફરિયાદ કરવાના છીએ. મહિલાઓને ઈન્જેક્શન મારવાના રૂમમાં સીસીટીવીને લઈ સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી કારણોસર ત્યાં કેમેરા રાખ્યા છે, પણ ક્યાંય ડિસ્પ્લે કરતા નથી.

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમના ધ્યાને યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ ધ્યાનમાં આવી છે, જેમાં આ પ્રકારનો વીડિયો વાઈરલ થયા છે. આ વીડિયોનું કન્ટેન્ટ શું છે એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ૬ઠ્ઠી જાન્યુઆરીએ યુટ્યૂબ પર અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બનાવીને આ વીડિયો વાઈરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો કોણે અને કયા ઉદ્દેશથી વાયરલ કર્યા એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ આઇટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ થશે. હાલ આ ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે.

(8:58 PM IST)