<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

બેંકર્સ રિક્રીએશન કલબના નવનિર્મિત ભવનનું ભવ્‍ય ઉદઘાટન : બહોળી સંખ્‍યામાં બેંકર્સ ઉમટયા

બે માળનું બિલ્‍ડીંગ : દરેક માળ પર ૩૫૦/૪૦૦ની બેઠક ક્ષમતા : પ્રથમ માળ એસી સમાજ અગ્રણી મધુસુદન ભટ્ટના હસ્‍તે ઉદ્‌ઘાટન : વૃક્ષારોપણ કરાયું : ‘એક ઋણાનુબંધ' નામની પુસ્‍તિકાનું લોકાર્પણ

રાજકોટ, તા.૧૮: વસંતપંચમીના પાવન દિવસે ૨ ફેબ્રુઆરીએ નવી કલેકટર ઓફિસ નજીક નવનિર્મિત બેકર્સ રિક્રીએશન ભવનનં ભવ્‍ય ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટની વિવિધ બેંકોનાં કર્મચારીઓએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ભાગ લીધો હતો.

આજથી ૭૮ વર્ષ પૂર્વે ૧૯૪૬માં અંગ્રેજના શાસન દરમ્‍યાન બેંકનાં કર્મચારીઓની સ્‍પોટ્‍સ તથા કલ્‍ચરલ પ્રવૃત્તિ માટે જમીન ફાળવવામાં આવી હતી. કાળક્રમે સરકારશ્રીને જરૂરત હોય, આ જમીન જિલ્લા સેવા સદન ૧ (નવી કલેકટર ઓફિસ) બનાવવા માટે સરકારશ્રીને સોંપવામાં આવી હતી. જે પૈકી ૯૫૬ વાર જમીન બેંક કર્મચારીઓની પ્રવૃત્તિઓ માટે કલબને ફાળવવામાં આવી હતી. આ જમીન ઉપર બે માળના બિલ્‍ડીંગમાં દરેક માળ ઉપર ૩૫૦/૪૦૦ની બેઠક ક્ષમતા છે. તથા ફર્સ્‍ટ ફલોર એરકંડીશન્‍ડ છે.

આ નવનિર્મિત ભવનનું ઉદ્‌ઘાટન રીબીન કાપીને કલબના ટ્રસ્‍ટ, જીવન કોમ. બેંકનાં નિવૃત્ત મેનેજર તથા કલબ માટે સૌથી વધુ અનુદાન પ્રેરિત કરનાર સમાજ અગ્રણી શ્રી મધુસૂદન ભટ્ટના હસ્‍તે કરવામાં આવ્‍યું. મુખ્‍ય મહેમાનપદે રોલેકસ રિંગ્‍સ લી.ના એમ.ડી. તથા મુખ્‍ય દાતા શ્રી મનીષભાઈ મદેકા ઉપસ્‍થિત રહી ન શકતાં રોલેકસ પરિવારના સી.એ. શ્રી હિરેનભાઈ દોશી ઉપસ્‍થિત રહયા હતા.

દીપ પ્રાગટય દ્વારા આ ભવનને બેંક સ્‍ટાફની વિવિધ પ્રવૃત્તિઓ માટે અર્પણ કરવામાં આવ્‍યું હતું. એચ જે ઈન્‍ડસ્‍ટ્રીઝના સિનિયર જનરલ મેનેજર (ફાઈનાન્‍સ) શ્રી ભરતભાઈ દોશીએ પણ ઉપસ્‍થિત રહીને પોતાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કલબ - ટ્રસ્‍ટનાં સ્‍થાપક પ્રમુખ તથા ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી શ્રી કે. પી. અંતાણી, વર્તમાન પ્રમુખશ્રી નવનીતભાઈ જડીયા ઉપપ્રમુખ શ્રી જયંત જોશી, સેક્રેટરી શ્રી એન. કે. આહીર, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી અલકેશ રાજવીર, ખજાનચી શ્રી કે. બી. ગાંધી, શ્રી ડી. વી. મહેતા (ટ્રસ્‍ટીશ્રી તથા ચેરમેન, સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એસોસીએશન, રાજકોટ) શ્રી જતીનભાઈ ધોળકીયા (જોઈન્‍ટ સેક્રેટરી AIBEA) તથા ટ્રસ્‍ટીશ્રીઓ શ્રી પ્રકાશભાઈ વાછરાજાની, શ્રી બકુલભાઈ અંતાણી, શ્રી વિદ્યુતભાઈ વાછરાજાની, શ્રી નરેન્‍દ્રભાઈ અનડકટ તથા શ્રી અનિલભાઈ પરમાર મંચ ઉપર ઉપસ્‍થિત રહયા હતા.

મુખ્‍ય મહેમાનોના હસ્‍તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિનાં સંદેશ સાથે ઉદ્દઘાટન સમારોહનો આરંભ કરાયો હતો. સંસ્‍થાનાં અગ્રણીઓ તથા ઉપસ્‍થિત મહાનુભાવો સર્વ શ્રી કે. પી. અંતાણી, શ્રી ડી. વી. મહેતા, શ્રી જતીનભાઈ ધોળકીયા, શ્રી મધુસૂદન ભટ્ટ તથા શ્રી હિરેનભાઈ દોશીએ પ્રસંગોચિત વકતવ્‍ય દ્વારા શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ સંસ્‍થાના સેક્રેટરી શ્રી એન. કે. આહીર લિખિત આ સંસ્‍થાના ઈતિહાસને આવરી લઈને નવા ભવનના ઉદ્દઘાટન સુધીના મહત્‍વના તબક્કાઓ આવરી લેતી ‘એક ઋણાનુબંધ' નામક સ્‍મૃતિ સંકલન સ્‍વરૂપે એક પુસ્‍તિકાનું લોકાર્પણ પણ કરવામાં આવ્‍યું હતું.

સર્વે મહાનુભાવો સાથે શ્રીમતી કાંતાબેન આહીર તથા શ્રીમતી આરતીબેન ભટ્ટ પણ લોકાર્પણમાં જોડાયાં હતાં. આ પુસ્‍તિકામાં માહિતીપ્રદ ઈતિહાસનું સંકલન સંક્ષિપ્‍તમાં આપવામાં આવેલ છે. એક વિશ્વસનીય દસ્‍તાવેજ સ્‍વરૂપે ભવિષ્‍યની પેઢીને માટે તે માર્ગદર્શક બની રહેશ. લોકાર્પણ બાદ કલબ બિલ્‍ડીંગના સ્‍વપ્નદષ્ટા શ્રી આહિરે કલબની વિવિધ પ્રવૃતિઓ વિશે વિસ્‍તૃત માહિતી પુરી પાડી હતી.

મંચસ્‍થ મેહમાનોના સમ્‍માન બાદ સંસ્‍થાના વર્તમાન પ્રમુખ તથા સંસ્‍થા માટે મોટું ભંડોળ એકઠું કરી આપનારશ્રી નવનીતભાઈ જડીયાએ ઉદબોધન આપ્‍યું હતું. નવા ભવનના નિર્માણમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનો અભાર માનીને બેંક સ્‍ટાફને યોગદાન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં સાથે જોડાવા અપીલ કરી હતી.

આ સંસ્‍થાનાં નવા ભવનના નિર્માણમાં સહકાર આપનાર આર્કિટેકટ શ્રી નિલેશભાઈ ભોજાણી, સ્‍ટ્રકચરલ એન્‍જીનીયર શ્રી અશ્વિનભાઈ લોઢીયા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ શ્રી જે. આર. મંકોડી તથા બિલ્‍ડિગના સુપરવાઈઝર એન્‍જીનીયર અને પ્રકળતિપ્રેમી શ્રી દિનેશભાઈ પટેલનો પણ આભાર માનવામાં આવ્‍યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું ઉત્‍કળષ્ટ સંચાલન પોતાની રસાળ શૈલીમાં શ્રી જયંત જોશીએ સંભાળ્‍યું હતું. સંસ્‍થાનાં ટ્રસ્‍ટીશ્રી બકુલભાઈ અંતાણીએ આભારદર્શન કર્યું હતું

(2:48 PM IST)