News of Tuesday, 18th February 2025
રવીન કાનપરાએ વૃધ્ધ જનેતા અને બહેનને માર માર્યોઃ માતાનું આંગળીનું હાડકુ ખસી ગયું
માતાની દવાના પૈસા ચુકવવાનુ઼ બહેને કહેતાં ભાઇને ન ગમ્યુ઼ઃ કોટેચા ચોક પાસે નૂતનનગર રોડ પર બ્લોક નં. ૪૧માં બનાવઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ નૂતનનગરમાં રહેતાં એક વ્યક્તિએ પોતાના જ વૃધ્ધ માતા અને બહેનને દવાના પૈસા પ્રશ્ને ઢીકાથી માર મારી તેમજ બાથરૂમના વાઇપરથી બહેનને માર મારી વૃધ્ધ જનેતાનો હાથ મરડી નાંખી વચલી આંગળીનું હાડકુ ખેસવી નાંખતા ફરિયાદ થઇ છે. આ બનાવમાં કાલાવડ રોડ કોટેચા ચોક પાસે નૂતનનગર મેઇન રોડ બ્લોક નં. ૪૧માં રહેતાં નિર્મળાબેન કિશોરભાઇ કાનપરા (ઉ.વ.૭૨) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી તેમના જ દિકરા રવિન કિશોરભાઇ કાનપરા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
નિર્મળાબેને જણાવ્યું છે કે હુ઼ નિવૃત જીવન જીવુ છું અને મારે સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. દિકરી સોનલબેન (ઉ.વ.૪૯) અપરિણીત છે અને મારી સાથે રહે છે. મોટો દિકરો વિપુલભાઇ અલગ રહે છે. તેનાથી નાનો રવિન (ઉ.વ.૪૩) પણ અલગ તેના પત્નિ, બાળકો સાથે રહે છે. પંદરમી તારીખે બપોરે હું અને મારી દિકરી ઘરે હતાં તયારે દિકરો રવિન આવ્યો હતો. આ વખતે મારી દિકરી સોનલે મારી સારવારની દવા મંગાવી હોઇ તેના બિલની ચુકવણી કરવાનું કહેતાં રવિને કોઇ જવાબ આપ્યો નહોતો. જેથી ફરીથી મારી દિકરીએ દવાના બિલની ચુકવણી બાબતે ભાઇ રવિનને કહેતાં તેને સારુ ન લાગતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઉંચા અવાજે બોલવા માંડયો હતો. જેથી મેં તેને શાંતિ રાખવાનું કહેતાં તે વધુ ઉંચા અવાજે બોલી સોનલ સાથે ઝપાઝપી કરવા માંડયો હતો. તેમજ તેણીને હાથથી મારકુટ કરીહતી. હું વચ્ચે પડતાં મારા ડાબા હાથનો પંજો પકડી મરડી નાંખ્યો હતો.
મને હાથમાં દુઃખાવો થતાં હું રાડારાડી કરવા માંડતાં રવિન બાથરૂમમાં ગયો હતો અને વાઇપર ઉપાડી મારી દિકરીને આડેધડ મારવા માંડયો હતો. તેમજ તમને હું કહું તેમજ તમારે રહેવાનું છે, તેમ કહી દિકરો રવિન રૂમમાં જતો રહ્યો હતો. મને અને દિકરીને ઇજા થઇ હોઇ દુઃખાવો થતો હોઇ સારવાર માટે ગયા હતાં. મારા ડાબા હાથની વચલી આંગળીનું હાડકુ ખસી ગયાનું ડોક્ટરે કહ્યું હતું. આ કારણે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં વૃધ્ધાએ કહેતાં હેડકોન્સ. એ. વી. ચાવડાએ ગુનો નોંધ્યો હતો.
(2:58 PM IST)










