<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

પેંડાગેંગના પરેશ પર ફાયરીંગમાં તાલુકા પોલીસે વધુ ત્રણ દિનેશ, અકરમ અને ઇમ્‍તુડાને દબોચ્‍યા

જંગલેશ્વર ગેંગના મુર્ગો, નવાઝ અને ભાણો રિમાન્‍ડ પુરા થતાં કોર્ટહવાલે કારમાં આ ત્રણેય આરોપીઓ પણ સાથે હતાં: પીઆઇ ડી. એમ. હરીપરા અને ટીમ દ્વારા પુછતાછ

રાજકોટ તા. ૧૮: શહેરમાં ગોંડલ રોડ પાસેના પુનિતનગર રોડ પર પેંડાગેંગના સાગરીત પરેશ બળદા પર ફાયરીંગ કરી હત્‍યાનો પ્રયાસ કરવાના ગુનામાં એસઓજીએ જંગલેશ્વર ગેંગના ત્રણને દબોચી લીધા હતાં. આ ત્રણેયના આજે રિમાન્‍ડ પુરા થતાં કોર્ટહવાલે થયા હતાં. તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને પકડી લઇ પુછતાછ હાથ ધરી છે. આ ત્રણેય સુત્રધાર સમીર ઉર્ફ મુર્ગોના સાગરીત છે.

પુનિતનગર પાસેની કર્મચારી સોસાયટીમાં રહેતો અને પેંડાગેંગનો સાગરીત પરેશ રાજુભાઇ બળદા (ઉ.૨૪) શનિવારે સવારે તેના ઘર પાસે બેઠો હતો ત્‍યારે કારમાં ધસી આવેલા જંગલેશ્વરના સમીર ઉર્ફે મુર્ગો, સોહિલ ઉર્ફે ભાણો, નવાઝ શઉર્ફ શાહનવાઝ સહિતના શખ્‍સોએ ફાયરિંગ કરી નાસી જતા તેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરિપરા, ભાવીનભાઇ સહિતના સ્‍ટાફે પરેશની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ ગુનો આચરી આરોપીઓ યુપી ભાગી જાય એ પહેલા એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની ટીમે અને ક્રાઇમ બ્રાંચની ટીમે જંગલેશ્વર ગેંગના સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઇ પઠાણ (રહે. જંગલેશ્વર, એકતા સોસા.), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્‍તાકભાઇ વેતરણ (રહે. જંગલેશ્વર, હુસેની ચોક) અને સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઇ ચાનિયા (રહે. જંગલેશ્વર, હુસેની ચોક)ને ઝડપી લઇ તેની પાસેથી પિસ્‍તોલ, બે જીવતા કારતૂસ અને કાર કબજે કરી તેની આકરી પૂછતાછ કરી હતી.

આ ત્રણેયના એક દિવસના રિમાન્‍ડ મળ્‍યા હતાં. પુછપરછ થતાં આ ત્રણેયની સાથે કારમાં બીજા ત્રણ શખ્‍સો દિનેશ હકાભાઇ રીબડીયા (ઉ.વ.૨૮ ધંધો. મજુરી રહે.જંગલેヘર શેરી નંબર ૧, શાળા નંબર ૭૦ની બાજુમા,  અકરમ ઉર્ફે અપ્‍પુ ઇસુબભાઇ નાથાણી (ઉ.વ.૨૩ ધંધો.ઇંડાની રેકડીમા મજુરી રહે. ધાંચીવાડ શેરી નંબર ૭નો ખુણો સ્‍મશાનવાળી શેરી હુશેનભાઇના મકાનમા ભાડેથી જીલ્લા ગાર્ડન ચોક) અને ઇમ્‍તીયાઝ ઉર્ફે ઇમ્‍તુડો અલ્‍તાફભાઇ પરમાર ( ઉ.વ. ૨૫, ધંધો-મજુરી રહે. વિનોદનગર આવાસ યોજનાના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩ કવાર્ટર નં.૨૦૦૬ પાણીના ટાંકા પાસે કોઠારીયા રોડ)ના નામ ખુલતાં આ ત્રણેયને પણ પકડી લેવાયા છે. પીઆઇ ડી. એમ. હરીપરા, ભાવીનભાઇ, પીએસઆઇ બી. આર. ભરવાડ, હરપાલસિંહ જાડેજા, કોૈશેન્‍દ્રસિંહ સહિતની ટીમે વધુ પુછપરછ હાથ ધરી છે.

(4:36 PM IST)