<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

જુના મનદુઃખમાં સફાઇ કામદાર વિજયભાઇ મકવાણા પર પડોશી માતા-પુત્રનો હુમલો

પેડક રોડ વાલ્‍મિકી આવાસ યોજના ક્‍વાર્ટરમાં બનાવ ઢીકાપાટુ મારી ગાળો દઇ લોખંડનું પાનુ ફટકારી લોહીલુહાણ કર્યાઃ બી-ડિવીઝન પોલીસે ઉષાબેન ગડીયલ અને તેના પુત્ર વિજય ગડીયલ સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૮: પેડક રોડ વાલ્‍મિકી આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં સફાઇ કામદાર યુવાન પર તેમના જ ક્‍વાર્ટરમાં ઉપરના માળે રહેતાં મા-દિકરાએ જુના મનદુઃખનો ખાર રાખી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી લોખંડના પાનાથી લોહીલુહાણ કરી નાંખતા ફરિયાદ થઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે પેડક રોડ વાલ્‍મિકી આવાસ યોજના ક્‍વાર્ટર નં. એલ-૪માં રહેતાં અને સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં વિજયભાઇ ભગવાનજીભાઇ મવકાણા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી તેના બિલ્‍ડીંગમાં ચોથા માળે રહેતાં વિજય હેમતભાઇ ગડીયલ અને ઉષાબેન હેમતભાઇ ગડીયલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. વિજયભાઇ મકવાણાએ કહ્યું હતું કે હું પત્‍નિ, બે દિકરા સાથે રહું છું. અમે પતિ-પત્‍નિ ગોકુલ હોસ્‍પિટલમાં સફાઇ કામદાર તરીકે કામ કરીએ છીએ. અમારી બિલ્‍ડીંગમાં ચોથા માળે રહેતાં ઉષાબેન ગડીયલ અને તેનો દિકરો વિજય રહે છે. તેમની સાથે મારા પત્‍નિના માસી અમારી જ બિલ્‍ડીંગમાં ત્રીજા માળે રહેતાં ભાવનાબેન ભુપતભાઇ રાઠોડના દિકરા મયુર તથા મારા સાળા શૈલેષભાઇ પરમાર સાથે છએક મહિના પહેલા ઝઘડો થયો હતો. બાદમાં તેનું સમાધાન થઇ ગયું હતુ.

આમ છતાં આ બાબતનો ખાર રાખી ઉષાબેન અને તેનો દિકરો વિજય અવાર-નવાર અમારી સાથે ઝઘડો કરતાં હતાં. સોમવારે હું અને મારો નાનો દિકરો ઘરે હતાં ત્‍યારે હું સુતો હતો અને દિકરો જે ચાર વર્ષનો છે તે રૂમ ખોલીને રમતો હતો ત્‍યારે વિજય ગડીયલ અને તેના માતા ઉષાબેન ઉપરથી નીચે ઉતરતા હોઇ મારા ઘરનો દરવાજો ખુલ્લો જોઇ જતાં હું સાંભળુ તેમ જોર જોરથી ગાળો બોલવા માંડયા હતાં. મેં ગાળો બોલવવાની ના પાડતાં બંને મા-દિકરાએ મારી સાથે મારામારી ચાલુ કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. એ દરમિયાન વિજયએ નેફામાંથી લોખંડનું પાનુ કાઢી મને કપાળ પર ફટકારી દેતાં લોહી નીકળવા માંડતા મા-દિકરો ભાગી ગયા હતાં અને હું ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. હેડકોન્‍સ. પુષ્‍પરાજસિંહ જાડેજાએ ગુનો નોંધ્‍યો હતો.

(4:36 PM IST)