News of Tuesday, 18th February 2025
ગોકુલધામ આવાસોનું રૂ.૫.૫૦ કરોડના ખર્ચે રિનોવેશન થશે
શહેરના પીડીએમ વિસ્તારમાં વર્ષો પહેલા બીએસયુપી ૩ પ્રકારના હાઉસીંગ સ્કીમ હેઠળ ૬૦૦ જેટલા ફલેટ નિર્માણ કરાયેલઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ તસ્વીરઃ અશોક બગથરીયા

રાજકોટઃ તા. ૧૮: શહેરના પીડીએમ પાસેના બીએસયુપી ૩ પ્રકારના હાઉસીંગ સ્કીમના આવાસોની સોસાયટી ગોકુલધામનું રૂા. ૫.૫૦ કરોડના ખર્ચે રિનોવેશન કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ભયજનક મકાનો તેમજ સરકારી કચેરીઓ અને આવાસોનું રિપેરીંગ કામ હાથ ઉપર લીધું છે જે અંતર્ગત વર્ષો પહેલા કળષ્ણનગર મેઈન રોડ ઉપર વોર્ડ નં. ૧૩માં બનેલ બીએસયુપી ૩ હાઉસીંગ સ્કીમના ૬૦૦થી વધુ ત્રણ માળિયા આવાસ યોજના ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી ભીતી હોવાથી સરકારની સુચના મુજબ મહાનગરપાલિકા હવે તમામ આવાસોનું રિનોવેશન કરશે જેના માટે રૂા. ૫.૫૧ કરોડનું મેન્ટેનન્સ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ હાઉસીંગ બોર્ડના આવાસો જર્જરીત હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હાઉસીંગ બોર્ડના આવાસોનું રિપેરીંગ કરવા માટે હાલ કચેરી કાર્યરત ન હોવાથી હાઉસીંગ બોર્ડમાં રહેતા પરિવારોમાં ચીંતા વ્યાપી ગઈ છે. અગાઉ ફક્ત ત્રણ માળના બનાવવામાં આવેલા બીમ કોલમ વગરના આવાસો ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતી ઉભી રહેતી હોય છે. જેથી મહાનગરપાલિકાએ હવે શહેરની મધ્યમાં આવેલા હાઉસીંગ બોર્ડના આવાસો રિપેર કરવા માટે તૈયારીઓ આરંભી છે.
જે અંતર્ગત વોર્ડ નં. ૧૩માં કળષ્ણનગર મેઈન રોડ ઉપર વર્ષો પહેલા બનાવવામાં આવેલ બીએસયુપી ૩ હાઉસીંગ સ્કીમ ટીપીએસ નં. ૨૪ ફાઈનલ પ્લોટ નં. ૧૭ એ પાર્ટ અને ૧૭ બી પ્રકારના આવાસો જર્જરીત હાલતમાં હોય તેનું મેન્ટેનન્સ કરવાનો નિર્ણય લઈ રૂા. ૫.૫૧ કરોડનું એસ્ટીમેટ વાળુ ટેન્ડરપ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અગાઉ આ આવાસ યોજનાનું પીપીપી ધોરણે નવીની કરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ જાણવા મળેલ છે.
પરંતુ હવે ચોમાસા પહેલા આ આવાસ યોજનાનું મેન્ટેનન્સ કામ ફરજિયાત કરવું પડે તેમ હોય બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી ચોમાસા પહેલા તમામ આવાસોનું હાઉસીંગ બોર્ડના બાંધકામના નિયમ મુજબ રિપેરીંગ કામ કરવામાં આવશેનું જાણવા મળેલ છે
(3:51 PM IST)










