News of Tuesday, 18th February 2025
કોઠારીયા સોલવન્ટમાં કાલી અને કલ્પેશની ઓરડીમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું: ૪ પકડાયા
સુરત અને બંગાળની બે લલના પાસે દેહના વેપલા કરાવાતાં હતાં: ગ્રાહકો પાસેથી એક હજાર લેતાં હતાં: સુત્રધાર કાલી અને કલ્પેશની શોધખોળઃ એએચટીયુ શાખાનો ડમીસ ગ્રાહક મોકલી દરોડો : ઝડપાયેલામાં ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનો સમાવેશ

રાજકોટ તા. ૧૮: શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં એક ઓરડીમાં કૂટણખાનુ ચલાવવામાં આવતું હોવાની બાતમી પરથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડી ચાર ગ્રાહકોને પકડી લીધા હતાં. અંદર બે લલના હતી તેને સાહેદ બનાવાઇ હતી. આ કૂટણખાનુ કાલી અને કલ્પેશે ભાડાની ઓરડીમાં ચાલુ કર્યુ હતું. જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટમાં એક મકાનમાં કૂટણખાનુ ચાલતુ હોવાની બાતમી મળતાં એએચટીયુ શાખાએ ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. પોલીસે કૂટણખાનામાંથી ૪ શખ્સો સંજય વિનુભાઇ ડાભી, કિશન હિમતભાઇ મકવાણા, શૈલેષ ભરતભાઇ ગોહેલ અને વિરેન્દ્ર મહિપતભાઇ સિંધવને ઝડપી લીધા હતાં. એક રૂમમાં સુરતની યુવતિ અને બીજા રૂમમાં બંગાળની યુવતિ સાથે બે ગ્રાહકો કઢંતી હાલતમાં મળી આવ્યા હતાં. આ બધા ૧-૧ હજાર રૂપિયા ચુકવી દેહસુખ માણવા આવ્યા હતાં. સંજય, કિશન અને શૈલેષ અહિ નોકરી કરતાં હતાં. જ્યારે વિરેન્દ્ર ગ્રાહક હતો. આ કૂટણખાનુ કાલી અને કલ્પેશ નામના શખ્સો ચલાવતાં હતાં. જે હાજર ન હોઇ શોધખોળ થઇ રહી છે. પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, હેડકોન્સ. ધીરેનભાઇ ગઢવી, એએસઆઇ બાદલભાઇ દવે, હરપાલસિંહ ઝાલા, મહમદઆરીફ અંસારી, કોન્સ. ભુમિકાબેન ઠાકર સહિતે આ કામગીરી કરી હતી. કાલી અને કલ્પેશ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઇ પાંચસો પોતે રાખતા હતાં અને પાંચસો લલનાને આપતાં હતાં. પોલીસને રૂમમાંથી લુબ્રીકેન્ટ જેલ, કોન્ડોમના પેકેટ સહિતની ચીજવસ્તુ મળી આવી હતી. કોઇ ચીજવસ્તુ કબ્જે કરેલી નથી
(3:55 PM IST)










