News of Tuesday, 18th February 2025
બિહારી ટ્રકચાલકનું અપહરણ કરી લૂંટ કરનાર ઇમરાન ઉર્ફ ઇમલો ઝડપાયો
બેડી ચોકડી પાસે બનેલી ઘટનાનો બી-ડિવીઝન પોલીસે કલાકોમાં ભેદ ખોલ્યો પેંડાગેંગનો સાગરીત રહી ચુક્યો હતોઃ ભાડાની કારથી લૂંટ કરી હતીઃ રિમાન્ડની તજવીજઃ હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, હાર્દિકભાઇ ગાજીપરા, વિનોદભાઇ પરમારની બાતમી

રાજકોટ તા. ૧૮: બેડી સર્કલ નજીક બિહારના ટ્રક ચાલકને કારથી આંતરી તે મારી કારમાં નુકશાન કર્યું છે, પૈસા આપવા પડશે કહી છરી બતાવી ધમકી આપી અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાનો ભેદ બી ડિવિઝન પોલીસે કલાકોમાં ઉકેલી અગાઉ પણ આવા ગુના આચરી ચૂકેલા શખ્સને ઇમરાન ઉર્ફ ઇમલો હાસમભાઇ કાદરી (ઉ.વ.૨૪-રહે. હુડકો ચોકડી પાસે રાધામીરા હોટલ પાછળ પાણીના ટાંકા નજીક આવાસ ક્વાર્ટર બી-વીંગ-૨૦૦, ભાડેથી)ને પકડી લઇ કાર, છરી કબ્જે લેવા તજવીજ કરી હતી. ઇમરાન ઉર્ફ ઇમલો પેંડાગેંગનો સાગરીત રહી ચુક્યાનું પોલીસે કહ્યું હતું. તેના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.
મુળ બિહારના સતેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ.-૨૮ રહે-જીંદાપુર ગામ થાના-કરપી જી.અરવાલ રાજ્ય-બિહાર) ટ્રક લઈને બેડી ચોકડીથી માલીયાસણ બાજુ જતા હતા ત્યારે બ્રીજ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારના ચાલકે ટ્રકને આંતરી કેબીનમાં બેસી જઇ તે મારી કારમાં નુકસાન કરેલ છેૅ તેવી ખોટી વિગત જણાવી પૈસાની માંગણી કરી પૈસા માંગી બાદમાં છરીએ અણીએ અપહરણ કરી ગૂગલ પેથી ૧૬ હજાર ઉપાડી લઇ લૂંટ કરી હતી. આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને દરેક ટીમને અલગ અલગ દિશામાં આરોપીની શોધખોળની કામગીરી સોપવામા આવેલ. જેમાંથી એક ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ આધારે આરોપી ગુનો આચર્યા બાદ કઈ દિશામાં વાહન લઈને ગયેલ છે તથા બીજી ટીમ દ્વારા આવા -કારની એમ.ઓ. ધરાવતા આરોપીની તપાસમાં તથા ત્રીજી ટીમ દ્વારા બનાવવાળી જગ્યાના ટાવર ડમ્પ મેળવી એનાલીસીસ કરી શંકાસ્પદ મોબાઈલ નંબર બાબતે તપાસમાં હતા તે દરમ્યાન હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા કોન્સ. હાર્દિકભાઈ ગાજીપરા તથા વિનોદભાઈ પરમારને મળેલી બાતમી ઈમરાન ઉર્ફે ઈમલોને ઝડપી લેવાયો હતો. તે અગાઉ રાજકોટમાં ચોરી, લૂંટમાં અને અમદાવાદમાં લૂટમાં સંડોવાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર.એસ.બારીઆની રાહબરીમાં પીઆઇ એસ.એસ.રાણે, પીએસઆઇ જે.આર.સોલંકી, એએસઆઇ અનિલસિંહ ગોહિલ, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, લાલજીભાઈ હાડગડા, કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, વિનોદભાઈ પરમાર, રાજદિપભાઈ પટગીર, મનજીભાઈ ડાંગર, હાર્દિકભાઈ ગાજીપરા તથા નરેશભાઈ ચાવડાએ આ કામગીરી કરી હતી. ઇમરાન ભાડાની કાર લાવીને લૂંટ કરી હતી.
(4:11 PM IST)










