તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ગાળો બોલવાની ના પાડતાં દેવલ મકવાણાને ૭ શખ્સોએ ફટકાર્યોઃ તેના મામાના ઘરમાં તોડફોડ
એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બનાવઃ પત્નિ સાથે ચાલીને જતો હતો ત્યારે હિરેન, બિપીન, કૈલાસ ગાળો બોલતાં હોઇ ના પાડતાં બીજા ચારને બોલાવી ધમાલ મચાવી

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતો યુવાન રાતે તેના પત્નિ સાથે નજીકમાં રહેતાં મામાના ઘરેથી બેસીને પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ત્રણ શખ્સો ગાળો બોલતાં હોઇ ના પાડતાં તેણે છરીથી હુમલો કરી પ્લાસ્ટીકના પાઇપથી માર મારી ફોન કરી બીજા ચાર જણાને બોલાવી બાદમાં ગાળો દઇ ઢસડીને બેફામ માર મારતાં તેમજ આ યુવાનના મામા બચાવવા દોડી આવતાં તેના ઘરમાં ચાર જણાએ ઘુસી જઇ તોડફોડ કરી આતંક મચાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે આ બનાવમાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૨માં રહેતાં અને જાહેરાતના હોર્ડીંગ લગાવવાની મજૂરી કરતાં દેવલ લગધીરભાઇ મકવાણા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી આ વિસ્તારના જ હિરેન પરમાર, બીપીન ઉર્ફ અભી સોલંકી, કૈલાસ ઉર્ફ ગુગો પરમાર, ગટુ મકવાણા, અરૂણ બારોટ, વિનુ બારોટ અને બાબુ રાઠોડ વિરૂધ્ધ રાયોટીંગ હુમલાનો ગુનો નોંધ્યો છે.
દેવલ મકવાણાએ જણાવ્યું હતું કે હું મંગળવારે રાતે સાડા આઠેક વાગ્યે મારા પત્નિ પાયલ સાથે મારા મામા રણજીતભાઇ જેઓ અમારી આગળની શેરીમાં રહે છે તેના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી અમે પરત અમારી ઘરે આવતાં હતાં ત્યારે આંબેડકરનગર શેરી નં. ૫ અને ૧૨ની વચ્ચે પહોંચતા હિરેન પરમાર, બિપીન, કૈલાસ ઉભા હોઇ અમને જોઇને આ ત્રણેય ગાળો બોલવા માંડતા મેં તેને ગાળો નહિ બોલવા સમજાવતાં તેને સારુ લાગ્યું નહોતું. આ પછી કૈલાસ ઉર્ફ ગુગાએ છરી કાઢી મને મારવા હુમલો કરતાં મેં હાથ આડો રાખી દેતાં ડાબા હાથની હથેળીમાં ઇજા થઇ હતી. બાદમાં હિરેને બાજુની કેબીનમાંથી પ્લાસ્ટકીનો પાઇપ લઇ મને આડેધડ માર માર્યો હતો.
તેમજ બીપીન અઉર્ફ અભી આવી જતાં તેણે પણ ઢીકાપાટુ માર્યા હતાં. મેં રાડારાડી કરતાં આ ત્રણમાંથી કોઇએ તેના મિત્રને ફોન કરી દેતાં તેના મિત્રો ગટુ, અરૂણ, વિનુ, બાબુ પણ આવી ગયા હતાં. એ પછી મને વધુ ગાળો દઇ મને શેરીમાં ઢસડીને બેફામ માર માર્યો હતો. મેં રાડારાડી કરતાં મારા મામા રણજીતભાઇ નજીકમાં જ રહેતાં હોઇ તે દોડી આવ્યા હતાં અને મને છોડાવ્યો હતો. દરમિયાન આ શખ્સો મારા મામાના ઘરમાં પણ ઘુસી ગયા હતાં અને તેમનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને તોડફોડ કરી હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં મને સારવાર માટે ખસેડાયો હતો. હિરેન, બિપીન, કૈલાસને મેં ગાળો બોલવાની ના પાડતાં ટોળકી રચી હુમલો કર્યો હતો. તેમ વધુમાં દેવલે જણાવતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્સ. એ. વી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)
(4:46 PM IST)










