<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સંકલનમાં મજાક મસ્‍તી મુદ્દે બેઠક છોડી નારાજગી વ્‍યકત કરી

ફરી મહિલા મેયરનું ઘોર અપમાન : બેઠકમાં નયનાબેન પેઢડિયા સરકારનો અભિનંદન ઠરાવ વાંચતા હતા ત્‍યારે ભાજપના આગેવાનોએ હાંસી ઉડાવી? : રાજકોટના મહિલા આગેવાનની બધાની હાજરીમાં અવગણનાઃ ફરી શહેર ભાજપમાં ઉકળતો ચરુઃ શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતના સામે ભાજપ આગેવાનો અને કોર્પોરેટરોમાં ભારે રોષ

રાજકોટ તા. ૧૯: મનપાની લોબીમાં ચર્ચા મુજબ મેયર તરીકે નયનાબેનની નિમણુંક થતાં તેમની વિરુદ્ધ એક અલગ મોરચો ઉભો થયો હોય તેવું વાતાવરણ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. શાંત પ્રકૃતિના સંઘ પરિવારના નયનાબેન પેઢડિયાને મેયર પદનો અનુભવ ન હોય જેથી કેટલાક  હિતશત્રુઓ દ્વારા તેઓને ભીસમાં લેવાનો પ્રયત્‍નો થતાં હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

તાજેતરમાં પ્રયાગરાજ પ્રકરણ ખૂબ વધારે ગજાવવામાં આવ્‍યું હતું. અને હવે જનરલ બોર્ડમાં અધ્‍યક્ષ તરીકે બેઠેલા મેયર  અભિનંદન ઠરાવ વાંચતા હતા ત્‍યારે વરિષ્‍ઠ કોર્પોરેટરો દ્વારા તેમની મજાક ઉડાડાતી હોવાનું તેમના કાને આવતા તેઓ બોર્ડ પુરુ થતાં જ મુંગા મોઢે ગણગણાટ કરતા નિકળી જતા ભારે ચકચાર મચી ગઈ છે અને આ મુદ્દે કોર્પોરેશનમાં પણ ચર્ચાએ જોર પકડ્‍યું છે.

મેયર નયનાબેન પેઢડિયા કયારેય ચર્ચામાં આવ્‍યા નથી પરંતુ મેયરની નિમણુંક સમયે આ પદ મેળવવા માટે લોબીંગ કરનાર અમુક લોકોની મહેનત ઉપર પાણી ફરી વળ્‍યું હોય તેવો ઘાટ સર્જાયો હતો જેના લીધે તે સમયથી જ નયનાબેન પેઢડિયા સતત જુથવાદનો ભોગ બની રહ્યા  હોય તેવી વાત પણ  ચર્ચામાં છે. તાજેતરમાં પ્રયાગરાજ સરકારી કાર લઈને ગયા હતાં અને તે પણ કમિશનરની મંજુરી લઈને છતાં આ વિવાદને ભારે ચગાવવામાં આવેલ તેમજ પ્રતિ કિલો મીટર રૂા. બે નું ભાડુ વસુલવામાં આવે છે તેવું જાહેર કરી ભીડવવાનો પ્રયાસ પણ થયો હતો. પરંતુ મેયરે કોમર્શીયલ ભાડાના દર પેટે ભાડુ ચુકવી દેતા મામલો ઠંડો પડ્‍યો હતો. છતાં અમુક હિતશત્રુઓ દ્વારા સતત તેમની અવગણના થાય તે પ્રકારના ક્રુત્‍યો કરવાનું ચાલુ હોય તેમ આજે સંકલન બેઠકમાં અભિનંદન ઠરાવ મેયર દ્વારા રજૂ કરવામાં આવેલ.

 નયનાબેન  અભિનંદન ઠરાવ રજૂ કરતા હતા ત્‍યારે અમુક નગરસેવકો સહિતના દ્વારા તેમની ભાષા અથવા અન્‍ય બાબતે મજાક ઉડાવતા હોય તેવી વાત તેમના કાને આવી હોય કે અન્‍ય કારણોસર મેયર નારાજ થઇને સંકલન બેઠક પુર્ણ થયા પહેલા જ કોઈને કીધા વગર ગણગણાટ કરતા નિકળી જતાં કયા મુદ્દે મેયરને દુઃખ લાગ્‍યું તે બાબતે ફરી વખત કોર્પોરેશનમાં ચર્ચા જાગી છે. 

સામાન્‍ય રીતે સંકલન બેઠક બાદ જનરલ બોર્ડ માં જતા હોય છે. ત્‍યારે  મેયર પોતાની ચેમ્‍બરમાં જતા   રહેતા આ મુદ્દે કોર્પોરેશનમાં ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. જૂથવાદનો ભોગ બનેલા મેયર અમુક લોકોએ જણાવેલ કે, અભિનંદન ઠરાવ દરમિયાન સામાન્‍ય રીતે તમામ નગરસેવકો સહિતનાઓ શાંત બેઠા હોય છે પરંતુ ઠરાવ દરમિયાન અમુક નગરસેવકો મજાક મસ્‍તી કરતા હોવાનું બહાર આવ્‍યું છે અને તે દરમિયાન મેયરની બોલવાની રીત તેમજ તેમની કાર્યપ્રણાલીની મજાક ઉડાવાઇે હોય તેવું લાગતું હતું .

આથી આ વાત મેયરના કાને જતાં તેઓ  નિકળી ગયા હતા. અને સતત અવગણના કરવામાં આવી રહી છે અને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો ગણગણાટ કરતા હોય તેવુ પણ લોકોએ સાંભળ્‍યું હોવાનું જાણવા મળેલ છે. આથી આજના જનરલ બોર્ડ બાદ પણ મેયરને ફરી વખત જુથવાદનો ભોગ બનવાનો વારો આવ્‍યો હોય તેવું લાગી રહ્યું છે. (૯.ર૯)

 

(4:10 PM IST)