News of Wednesday, 19th February 2025
પડકારો વચ્ચે દીકરીના ઉછેર માટે મથતી માતાની લાગણીઓને જીવંત બનાવતી વેબ સીરીઝ 'સીસ્કીયાં'
હંગામા ઓટીટી પર ધૂમ : મોટાભાગનુ શુટીંગ રાજકોટમાં : અભિનયના ઓજસ પાથરતા કબીરસિંઘ, પુજા જૈસ્વાલ, લલિત દવેરા, ડીરેકટર કિરણકુમાર વાળા અને એસો.ડીરેકટર અનુજકુમારની 'અકિલા' સાથે રસપ્રદ મુલાકાત

રાજકોટ તા. ૧૯ : પતિનો સહારો પણ ન હોય તેવી સ્થિતિમાં અનેક પડકારો વચ્ચે દીકરીનો યોગ્ય ઉછેર કરી તેને લાયક બનાવતી માતાની લાગણીઓને જીવંત કરતી વેબસીરીઝ 'સીસ્કીયાં' હંગામા ઓટીટી પર ધુમ મચાવી રહી છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા 'સીસ્કીયાં'ની ટીમે જણાવ્યુ હતુ કે હાલ છ એપીસોડમાં તૈયાર થયેલ આ સીરીઝમાં સંઘર્ષની વાત છે તો સાથે પ્રણય કથા પણ છે. કોલેજના યુવા વર્ગને નશાના માર્ગે જતા અટકાવવાનો મુક સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે. અનેક પડકારોનો સામનો કરીને દીકરીને ડોકટર તરીકે ઉજવણ કારકીર્દીની ભેટ આપતી માતાની વાત ખુબ સરસ રીતે રજુ થઇ છે.
'અંજલી'નો લીડ રોલ કરનાર પૂજા જૈસ્વાલે જણાવ્યુ હતુ કે આમા ટીનેજર યુવતીની સ્ટ્રગલ લાઇફ બતાવવામાં આવી છે. અંત ખુબ રોચક છે. એક સીંગર સાથે પ્રણય થયા પછી દીકરીનો જન્મ અને તેના ઉછેરની વાત રજુ થઇ છે. આ પહેલા મે ૬ થી ૭ મરાઠી ફિલ્મો કરી છે. તેમજ સીરીયલ 'વીર શિવાજી' અને 'રાવણ' તથા 'બદલાવ' જેવી વેબસીરીઝો કરી છે. પણ આ 'સીસ્કીયાં'માં મને ખુબ અલગ જ સારો કહી શકાય તેવો અનુભવ થયો છે.
'પ્રિતમ'ના પાત્રને ન્યાય આપનાર કબીરસિંઘે જણાવેલ કે હું પણ પ થી ૬ શોર્ટ ફિલ્મ, 'ક્રાઇમ લવ સ્ટોરી' જેવી વેબ સીરીઝ કરી ચુકયો છુ અને આગામી દિવસોમાં મારૃ હિન્દી ફિલ્મ 'સુપર મેન ઓફ મલેગાવ' આવી રહ્યુ છે. આ વેબસીરીઝ 'સીસ્કીયાં'માં હું એક સાયન્ટીસ્ટ સ્ટુડન્ટના પાત્રમાં છુ. ડોકટર બનવાના સ્વપ્ન સેવુ છુ. છેલ્લે પારીવારિક મિલન માટે મારી મુખ્ય ભુમિકા પુરવાર થાય છે.
વિલન 'સમીર'ના પાત્રને ન્યાય આપનાર લલિત દવેરાએ જણાવેલ કે આ વેબસીરીઝમાં મારો રોલ ડ્રગ્સ સપ્લાયરનો છે. ધીરે ધીરે ગર્લ્સ સપ્લાયર સુધી આ શોખ પહોંચે છે.
છેલ્લે પોલીસના હાથમાં આવી જતા બધા જ કારસ્તાન ખુલ્લા પડી જાય છે. ટુંકમાં ગેરમાર્ગે જતા યુવાધનને લાલબત્તી બતાવવનો સંદેશ આ વેબસીરીઝમાં રજુ થયો છે.
ડીરેકટર કિરણકુમાર વાળા અને એસો.ડીરેકટર અનુજકુમારે જણાવ્યુ હતુ કે આ વેબસીરીઝનું મોટાભાગનું શુટીંગ અમે રાજકોટમાં જ પૂર્ણ કર્યુ છે. દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહીતના દ્રશ્યો કંડારેલ છે. એક ગઝલ કેશવ રાઠોડની લખેલી ખુબ જમાવટ કરે છે. આ વેબસીરીઝમાં શાહીલ સાબીયાલ, યાતના ધર્માણી, શૈફાલી ચૌહાણ, સુમિત ક્રિષ્ના, જેનીશા ભંડેરી, રાજ સીંધાનીયા સહીતની ટીમે ખુબ સરસ કામ કર્યુ છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા 'સીસ્કીયાં'ના કલાકારો કબીરસીંઘ, પૂજા જૈસ્વાલ, લલિત દવેરા, ડીરેકટર કિરણકુમાર વાળા, એસો.ડીરેકટર અનુજકુમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)
(3:24 PM IST)










