તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
શહેરના ‘લિવેબલીટી ઇન્ડેકસ'માં વધારો કરવા શાસકો કટીબદ્ધ : ઠાકર
‘અભી તો મંઝીલ પાના બાકી હૈ, બહેતર સે બહેતર કી તલાશ કરો... અભી તો ઈરાદો કા ઇમ્તિહાન બાકી હૈ, મિલ જાયે નદી તો સમંદર કી તલાશ કરો !' : સ્ટે. ચેરમેનનો શેરો-શાયરીથી વિપક્ષને જડબાતોડ જવાબ : ડો. અલ્પેશ મોરઝરીયા, ડો. પ્રદિપ ડવ, મનીષ રાડીયા, જીતુભાઇ કાટોળીયા, કેતન પટેલ, ડો. રાજેશ્વરીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, સોનલબેન સહિતના કોર્પોરેટરોએ બજેટને વખાણ્યું

ગણતરીની મિનીટોમાં બજેટ મંજુર.. મંજુર.. મંજુર..: રાજકોટઃ વર્ષ ૨૦૨૫-૨૬ના મનપાના બજેટને આજે જનરલ બોર્ડમાં મંજુર કરાયુ તે વખતની તસ્વીરમાં સભા અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા વગેરે ડાયસ પર બેઠેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં સ્ટેન્ડિગકમિટી ચેરમેન જયમીન ઠાકર બજેટની વિગતો રજૂ કરી રહેલા દર્શાય છે તથા સભાસદમાં સભ્ય વશરામભાઈ, મનીષભાઈ, પ્રદિપભાઈ, કેતન પટેલ, જયોત્સનાબેન ટીલાળા, ડો.અલ્પેશભાઈ મોરઝરીયા, ડો.રાજશ્રીબેન, જીતુભાઈ કાટોળીયા, સોનલબેન, વિનુભાઈ ધવા, સહિતના સભ્યોએ બજેટની પ્રતિક્રિયા આપી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧૯ : મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ ર૦રપ-ર૬નું ૩૧૧૮.૦૭ કરોડનું લોકઉપયોગી અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુર કરી, આજે જનરલ બોર્ડમાં રજૂ કર્યુ છે. શહેરીજનો માટે જુદી જુદી નવી સુવિધાઓમાં ઉમેરો કરી ‘લિવેબીલીટી ઇન્ડેક્ષ'માં વધારો કરવા શાસકો કટીબદ્ધ છે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
સ્ટે. ચેરમેન દ્વારા મનપાના બજેટને જનરલ બોર્ડમાં રજૂ કરાતા પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, કોર્પોરેટર કેતન પટેલ, ડો. અલ્પેશ મોરઝરીયા, જીતુભાઇ કાટોળીયા, ડો. રાજેશ્વરીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, સોનલબેન સહિતનાએ વધારવી વખાવ્યું હતું.
શ્રી ઠાકરે બજેટના લેખા-જોખા રજુ કરતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ.૩૧૧૨.૨૮ કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ. જે બજેટમાં મહેસુલ ખર્ચને પહોંચી વળવા કુલ અંદાજીત રૂ.૧૫૦ કરોડનો કરબોજ સૂચવેલ.
ભારતીય જનતા પાર્ટીના શાસનની વર્ષ ૨૦૨૧-૨૬ની બીજી ટર્મ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રનો પુરતો અભ્યાસ અને ગહન વિચાર વિમર્શને અંતે શહેરીજનો પર એક પણ રૂપિયાનો વધારાનો કરબોજ નાખવાને બદલે, રાજકોટ મહાનગરપાલિકાના હાલના આવકનાસ્ત્રોતોને વધુ મજબૂત કરવા. આવકના નવાસ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂરી કાપ મૂકવો વિગેરે આયામો લક્ષમાં લઈ, મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સુચવેલ કરબોજમાં વધારા તથા નવા કરબોજ અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે ૅનામંજુરૅ કરી, રાજકોટની પ્રજાને કોઈપણ નવા કરબોજમાંથી મુક્તિ આપેલ છે. સ્થાયી સમિતિ દ્વારા કમિશનરશ્રીએ રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂ.૬ કરોડનો વધારો કરી, રૂ.૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી, કુલ રૂ.૩૧૧૮.૦૭ કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરેલ છે.
રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશનનું રૂ.૩૧૧૮.૦૭ કરોડનું લોકોપયોગી અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટી મારફત આજે જનરલ બોર્ડમાં રજુ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના સુશાસન, લોકો માટેની સુવિધાઓને વધુ વિકસિત કરવાની નેમ સાથે નવા નાણાંકીય વર્ષમાં મહાનગરને વધુ ને વધુ હરિયાળું, સ્વચ્છ, સુવિધાસભર અને બનાવી, ‘લિવેબલીટી ઇન્ડેક્સ' વધારવાનો સંકલ્પ આ બજેટમાં છે.
બોર્ડમાં ૧૦ સભ્યો ગેરહાજર
રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં ભાજપના ૬૬ પૈકી પ૭, કોંગ્રેસના તમામ ૪ તથા અન્ય ર પૈકી ૧ સભ્યો ઉપસ્થિત રહેતા ભાજપના ૯ સભ્યો અને અન્ય ૧ સહિત કુલ ૧૦ સભ્યો ગેરહાજર રહયા હતાં.
સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ભાજપની જીતને વધાવતું જનરલ બોર્ડઃ અભિનંદન પાઠવ્યા
રાજકોટ : ગુજરાત રાજયની સ્થાનિક સ્વરાજયની સંસથાઓ નગરપાલિકા, મહાનગરપાલિકાની યોજાયેલ સામાન્ય તથા પેટા ચુંટણીઓનું પરિણામ જાહેર થયેલ છે. ગુજરાત રાજયના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ આ ચુંટણીઓમાં જવલંત વિજય પ્રાપ્ત કરેલ છે. જે બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા તેમની સમગ્ર ટીમને આજની આ સામાન્ય સભામાં અભિનંદન ઠરાવ પાઠવ્યો હતો. જેની દરખાસ્ત વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર ચેતનભાઇ સુરેજાએ મુકેલ જેને વોર્ડ નં. ૧૩ ના નગર સેવક નિતીનભાઇ રામાણીએ ટેકો આપેલ હતો.
એક રાષ્ટ્ર-એક ચુંટણી પ્રસ્તાવ જનરલ બોર્ડમાં પસારઃ સમય, સંસાધન, ખર્ચ બચશે
રાજકોટ, તા. ૧૯: મહાનગરપાલિકાના સદસ્ય, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની અવધારણાના સમર્થનમાં એક પ્રસ્તાવ વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા પ્રસ્તુત કરાયેલ, જેનો ઉદ્દેશ્ય ભારતના લોકતાંત્રિક માળખાને વધુ પ્રભાવી, પારદર્શી અને આર્થિક રૂપથી સુદૃઢ બનાવવાનો છે.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે, જેથી સમય, સંસાધન, અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસકાર્યોમાં નિરંતરતા બની રહે.
સંસદમાં રજૂ કરાયેલા બિલને પસાર કરીને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે. ચૂંટણી પંચ પાસે જરૂરી તકનીકી અને વહીવટી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે.દરેક રાજકીય પક્ષોએ સર્વસંમતિ બનાવીને આગળ વધવું જોઈએ. તેમપણ પ્રસ્તાવમાં જણાવાયું હતું.
આ પ્રસ્તાવને વોર્ડ નં. ૧૪ ના મહિલા કોર્પોરેટ ભારતીબેન મકવાણાએ ટેકો આપતા જણાવેલ કે, આથી, અમે આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને તેના અમલીકરણની દિશામાં નક્કર પગલાં લેવાની ભલામણ કરીએ છીએ. આમ આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો.
(3:36 PM IST)










