<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th February 2025

રાજકોટની પાયલ મેટરનિટી નહીં દેશની અન્ય હોસ્પિટલના CCTV પણ હેક થયાની આશંકા : ફૂટેજ વેચનારા 3 વિદેશી હેકર્સના સંપર્કમાં

યુ-ટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર વીડિયો ફરતો કરનારા બે આરોપીઓને મહારાષ્ટ્ર અને એકને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી દબોચ્યા : સાયબર ક્રાઈમની ટીમે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો

રાજકોટના રૈયા સર્કલ પર આવેલ પાયલ મેટરનિટી હોમમાં સારવાર લેવા આવતી મહિલાઓની તપાસના વીડિયો યુ-ટ્યૂબ અને ટેલિગ્રામની ચેનલો પર વાયરલ થયા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે FIR દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આ મોટું રેકેટ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ મહિલા દર્દીની ટ્રીટમેન્ટના લીક વીડિયોમાં પાયલ હોસ્પિટલના કર્મચારીની સંડોવણી ના હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે પોલીસે મહારાષ્ટ્રથી બે અને ઉત્તર પ્રદેશની એક મળીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કેટલીક યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર કેટલાક આપત્તિજનક વીડિયો વાયરલ થયા હતા. જે અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમના ધ્યાને આવતા તપાસ હાથ ધરવામાં આી હતી. જેમાં આ વીડિયો રાજકોટ સ્થિત પાયલ મેટરનિટી હોમના હોવાનું ધ્યાને આવ્યું હતુ. આથી રાજકોટ શહેર પોલીસની મદદથી જ્યાંથી CCTV કેમેરાનો લૉગ જનરેટ થાય છે, તેના 3 મહિનાનો ડેટા લેવામાં આવ્યો હતો.

અમારી ટીમે લૉગના તમામ ડેટા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થયેલા વીડિયોનું ટેક્નિકલ એનાલિસિસ કરતા આ યુ-ટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી ચલાવવામાં આવતી હોવાનું માલૂમ પડ્યું હતુ. આ સંદર્ભે અમારી અલગ-અલગ ટીમ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના સાંગલી અને લાતુર પહોંચી હતી. જ્યાં સ્થાનિક પોલીસની મદદથી 3 આરોપીઓને પકડી પાડ્યા છે.

આ ત્રણેય આરોપીઓની ઓળખ પ્રજવલ્લ અશોક તૈલી (રહે. લાતુર, મહારાષ્ટ્ર), રાજેન્દ્ર પાટીલ (રહે. સાંગલી, મહારાષ્ટ્ર) અને ફૂલચંદ પ્રકાશરાજ (રહે. પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. જે પૈકી ધોરણ 12 પાસ પ્રજવલ્લ આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. જે છેલ્લા એક વર્ષથી યુટયુબ ચેનલ મેઘા MBBS અને ટેલિગ્રામ ચેનલ મેઘા ડિમોઝ પર આવા વીડિયો અપલોડ કરતો હતો. જ્યારે તેનો સાગરિત રાજેન્દ્ર પાટીલ ટેલિગ્રામ ચેમલ પર વીડિયો ખરીદવા માંગતા હોય, તો તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ કરતો હતો. આવી જ રીતે પ્રયાગ રાજમાં રહેતો ચંદ્રપ્રકાશ ફૂલચંદ PTC પાસ છે, જે CP MONDA નામે ચેનલ ચલાવતો હતો, જેમાં પણ વીડિયો અપલોડ થતા હતા.

પ્રાથમિક પૂછપરછમાં, આ ત્રણેય આરોપીઓ રોમાનિયા અને અમેરિકાના એટલાન્ટાના હેકર્સ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. આ હેકર્સે માત્ર રાજકોટ જ નહીં, પરંતુ દેશની અલગ-અલગ હોસ્પિટલના CCTV હેક કર્યાં છે.

અત્યાર સુધીની તપાસમાં પાયલ મેટરનિટી હોમના સ્ટાફનીસંડોવણી સામે નથી આવી. હાલ અમારી ટીમ તમામ આરોપીઓના મોબાઈલ ડેટા, EDR અને IPDR એનલાઈઝ કરી રહ્યા છીએ. હવે તેમની પાસે કઈ હોસ્પિટલના કેવા CCTV ફૂટેજ છે, તેઓ કેવી રીતે ફૂટેજ મેળવતા અને કોને આપતા તે તમામ માહિતી આવતીકાલે તેઓ અહીં આવે તે પછી જાણવા મળશે.

(12:10 AM IST)