<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

તબલીગી જમાતમાં સામેલ હોવાની શંકાએ ભગવતીપરાના ફરકુન પર કેવડાવાડીમાં ત્રણ કુટુંબીઓનો છરીથી હુમલો

મુળ સોમનાથ વેરાવળનો યુવાન બે મહિનાથી રાજકોટ રહી રેડીમેઇડ કપડાના સેલ્‍સમેન તરીકે કામ કરે છે : ચાલુ બાઇકમાં મહંમદ અને મોઇને આંતરી છરી ઝીંકતા પડી ગયોઃ યુનુસ પણ બૂલેટ લઇને આવ્‍યોઃ ફરકુન ઉભો થઇ ભાગવા જતાં ફરી હુમલો કર્યોઃ રાજકોટમાં શું કામ આવ્‍યો? આજે તો બચી ગયો, હવે પછી જીવતો નહિ છોડીએ કહી ધમકી દીધાની ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૧: મુળ સોમનાથ વેરાવળના વતની અને બે મહિનાથી રાજકોટ ભગવતીપરામાં રહી રેડીમેઇડ કપડાના સેલ્‍સમેન તરીકે નોકરી કરતાં યુવાનને સાંજે તે કેવડાવાડીમાં હતો ત્‍યારે તેના જ ત્રણ કુટુંબી સગાએ ધસી આવી ચાલુ બાઇકે છરીનો ઘા મારી પછાડી દીધા બાદ બીજો ઘા મારી દઇ ઢીકાપાટુનો માર મારી તું અહિ રાજકોટ શું કામ આવ્‍યો? આજે તો જવા દીધો છે, હવે પછી બચીશ નહિ, મારી જ નાંખશું તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ યુવાન સુન્‍ની મુસ્‍લિમ ધર્મ પાળે છે, પણ હુમલો કરનારા તેના સગાને એવુ લાગે છે કે તે તબલીગી જમાતમાં માને છે. આ કારણે ચાલતાં મનદુઃખમાં આ ડખ્‍ખો થયો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભગવતીપરા નંદનવન સોસાયટી શેરી નં. ૨ હુશેની ચોક સાજીદભાઇના મકાનમાં ભાડેથી રહેતાં મુળ સોમનાથ ગીર વેરાવળના ફુરકાન હુશેનભાઇ તાઇ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી મહમદ અબ્‍દુલભાઇ તાઇ, મોઇન યાસીનભાઇ તાઇ અને યુનુસ ઇકબાલભાઇ તાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફુરકાને જણાવ્‍યું છે કે હું હાલ રાજકોટમાં બે મહિનાથી રહી સેલ્‍સમેન તરીકે કામ કરુ છું અને અલગ અલગ દુકાનોમાં વેપારીઓને રેડીમેઇડ કપડા બતાવી ઓર્ડર લઉ છું. તેમજ હું સુન્‍ની મુસ્‍લિમ ધર્મ પાળુ છું. જ્‍યારે સામે મારા કુટુંબી સગા એવા મહંમદ અબ્‍દુલભાઇ તાઇ સહિતનાને એવુ લાગે છે કે હું તબલીગી જમાતમાં માનુ છું, આ વાતને લઇને મારે મારા આ કુટુંબી સગાઓ સાથે છએક મહિનાથી મનદુઃખ ચાલે છે. ગુરૂવારે સવારે સાડા દસેક વાગ્‍યે હું બાઇક લઇને શહેરના અલગ અલગ વેપારીઓ પાસે કપડાના ઓર્ડર લેવા ગયો હતો. સાંજે હું ગુંદાવાડીમાં વેપારીઓને કપડા બતાવીને કેવડાવાડી રોડ થઇ સોરઠીયા વાડી સર્કલ તરફ જતો હતો.

આ વખતે કેવડાવાડી રોડ સપના કોલ્‍ડ્રીંક્‍સ પાસે પહોંચ્‍યો ત્‍યારે મારી પાછળ ડબલ સવારીમાં બાઇક પર મારા કુટુંબી સગા મહંમદ અબ્‍દુલભાઇ અને મોઇન યાસીનભાઇ આવ્‍યા હતાં. જેમાં પાછળ બેઠેલા મહમદે મને છરીનો ઘા મારતાં ડબાબ બાવડા પર ઇજા થતાં હું બાઇક પરથી પડી ગયો હતો. આ વખતે યુનુસ ઇકબાલ તેનું બૂલેટ લઇને આવ્‍યો હતો. હું બચવા માટે દોડીને ભાગવા જતાં ત્રણેયએ મને પકડી લીધો હતો અને ગાળો દઇ મહંમદ છરીનો બીજો ઘા મારવા જતાં મેં હાથ આડો રાખતા ડાબી કોણી નીચે ઘા લાગી ગયો હતો.

આ પછી મોઇને-તું અહિ રાજકોટ શું કામ આવ્‍યો છો? કહી ફરીથી ઢીકાપાટુ માર્યા હતાં અને ધમકી આપી હતી કે-આજે તો બચી ગયો છો, હવે પછી જીવતો નહિ રહે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. ત્‍યારબાદ લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. બાદમાં મેં મારા મોટાભાઇ સુલતાનને જાણ કરતાં તે આવી ગયા હતાં અને મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ડાબા હાથની કલાઇમાં બાર ટાંકા આવ્‍યા હતાં. હું સુન્‍ની મુસ્‍લિમ ધર્મ પાળુ છું અને હુમલો કરનારા મારા કુટુંબી સગાને એમ લાગે છે કે હું તબલીગી જમાતમાં છું. જેના કારણે છએક માસથી મારી સાથે માથાકુટ કરે છે. આ કારણે ખાર રાખી કેવડાવાડીમાં મને આંતરી છરીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમ વધુમાં ફુરકાને કહેતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડે ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(2:47 PM IST)