<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

બજેટ દિશાહીન, બેરોજગાર યુવાનો પ્રત્‍યે સરકાર રસહીન : બહેનોને બહુ અન્‍યાય

સરકારને આડે હાથ લેતા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ડીઝલના ભાડા વધ્‍યા ત્‍યારે એસ.ટી. બસ ભાડા વધારો કરેલ તે પાછો ખેંચો

રાજકોટ તા. ૨૧ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલ બજેટને ચીલાચાલુ અને દિશાહીન ગણાવ્‍યુ છે. તેઓએ જણાવ્‍યુ છે કે ગુજરાતની સાડા છ કરોડની જનતાના અરમાનો અને અચ્‍છે દિનના સપનાઓ ચકનનાચૂર થયા છે. રોજગાર લક્ષી કોઈ મોટી જાહેરાતો થઈ નથી. ફિક્‍સ પગાર અને આઉટર્સોસિંગ બંધ થવું જોઈએ તે અંગે કોઈ જાહેરાત નથી. યુવાનોને રોજગારીની આશા હતી જે ઠગારી નીવડી છે.

સરકારને આડેહાથ લેતા તેઓએ જણાવ્‍યુ છે કે મધ્‍યપ્રદેશમાં ભાજપ સરકાર લાડલી બહેનોને રૂ.૩૦૦૦ પેન્‍શન આપે છે તો ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોય તો બહેનો લાડલી નથી? ગુજરાતમાં તો વિધવા બહેનોને જે પેન્‍શન વધારવાની આજે મોંઘવારીના કપડાં કાળમાં ફક્‍ત ૧૨૫૦ રૂપિયા મળે છે તે વધારવાની લેખિત રજૂઆત થઇ હતી. છતા વિધવા પેન્‍શન માં એક ફદીયાનો વધારો કરવામાં આવ્‍યો નથી. નારી શક્‍તિ અને નારી સુરક્ષા અને બેટી બચાવોની વાતો વચ્‍ચે વિધવા બહેનોને હળાહળ અન્‍યાય ગુજરાત સરકારના બજેટમાં થયો છે.

     વર્ષોથી જે નર્મદા કેનાલનું નેટવર્ક મળતું નથી અને અનેક વિસ્‍તારોમાં આ અંગે વધુ નાણાં ફાળવવા બાબતે કોઈ નવી યોજનાઓ છે નહીં. નવા જીઆઇડીસીના યુનિટો બનાવી રોજગારી ઊભી કરવા અંગે પણ કોઈ જાહેરાત છે નહીં. રાજ્‍ય સરકારના પેપરલેસ બજેટના દાવા વચ્‍ચે ધારાસભ્‍યો કાગળ વાંચતા નજરે પડતા હતા એટલે પેપર લેશ બજેટ નો દાવો પોકળ અને હળાહળ જૂઠાણું સાબિત થયો છે. ગુજરાતની જનતા માટે બજેટ છેતરામણુ સાબિત થયું છે.

     ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (એસ.ટી) માં જ્‍યારે ડીઝલનો ભાવ વધારો આવેલ ત્‍યારે ૨૫% નો તોતિંગ ભાડા વધારો કરવામાં આવેલ હતો હવે જયારે ડીઝલમાં ભાડા ઘટાડો થયો તેમ છતાં ભાડા ઘટાડયા નથી. નવા બજેટમાં એસટીના ભાડા ઘટવાની આશા ઠગારી નીવડી છે અને રોજિંદી એસટીમાં અવરજવર કરતા ગરીબ અને મધ્‍યમ વર્ગના લાખો ગુજરાતી મુસાફરોને કોઈ રાહત આપવામાં આવી નથી. તેમ અંતમાં બજેટ અંગે પ્રતિભાવ આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(2:59 PM IST)