તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 21st February 2025
છ વર્ષની દિવ્યાંગ દિકરીનું ધ્યાન રાખવાનું કહી પતિએ ઠપકો દેતાં પત્નિનો આપઘાત
મહિકાના પાટીયા પાસે બનાવઃ મુળ યુપીની પરિણીતા શીયા દરજી કામની દુકાન ચલાવતી હોઇ પતિએ કામધંધાને બદલે દિકરી પર ધ્યાન દેવા કહ્યું હતું: બે દિકરી મા વિહોણી થઇ

રાજકોટ તા. ૨૦: શહેરના રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે શક્તિ મારબલ નજીક રહેતી શીયાબેન અખિલેશ સોનકર (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ સવારે ઘરે રૂમમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
શીયાબેને આ પગલુ ભરતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. આપઘાત કરનાર શીયાબેનના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતાં. તેનો પતિ મારબલના કારખાનામાં મજૂરી કરે છે. શીયાબેન પોતે માંડા ડુંગર પાસે દરજી કામ કરતી હતી. તેણીને બે દિકરી છે જેમાં એક છ વર્ષની દિકરી માનસિક દિવ્યાંગ છે. પતિએ તેણીને સિલાઇ કામના ધંધાને બદલે દિવ્યાંગ દિકરીનું ધ્યાન રાખવાનું કહી ઠપકો આપતાં તેણીને માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ લીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યાવહી કરી હતી. (૧૪.૧૦)
(4:04 PM IST)










