News of Friday, 21st February 2025
રાજકોટમાં બોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલઃ કાલથી સૌરાષ્ટ્રના જિલ્લા વાઈઝ પ્રશ્નપત્રનું વિતરણ થશે
શિક્ષણ વિભાગ દ્વારા ઉતરવહીના મૂલ્યાંકન માટે 69 હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની પરીક્ષા ધો.10 અને ધો.12ની આગામી તા.27 ફેબ્રુઆરીથી પ્રારંભ થવાનો છે. જેની તૈયારીઓને બોડર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોર્ડ દ્વારા રાજકોટ ખાતે આજે પ્રશ્નપત્ર આવી ગયા હતા અને તેને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂપમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જયારે પરીક્ષા અગાઉ જ શિક્ષણ વિભાગ દ્વારા ઉતરવહીના મૂલ્યાંકન માટે 69 હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે તા.27મીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાની મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનના પેપરો રાજકોટ ખાતે બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યા છે. જેને ચૌધરી હાઇસ્કુલ ખાતે કાર્યરત સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા છે અને આવતીકાલે પંચની હાજરી અને શિક્ષણ વિભાગના નિમાયેલા ઓબ્જરવરના નિરીક્ષણમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં વિતરણ કરવામાં આવશે. હાલ ચૌધરી હાઇસ્કુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 65 કેન્દ્રો પર 2753 બ્લોકમાં 76312 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. હાલ હોલ ટીકીટ પણ બોર્ડની વેબસાઇટ પર મુકી દેવામાં આવી છે. જે છાત્રો ડાઉનલોડ કરી શકશે તેમજ પરીક્ષા દરમ્યાન મુંઝવણ હોય તો તેના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર અને સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. શિક્ષકોના મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ ઈશ્યૂ કરાયા છે. જેથી હવે શિક્ષકો પરીક્ષાની કામગીરી ચાલુ હશે તે સાથે જ મૂલ્યાંકનની કામગીરી પણ શરૂૂ કરી દેશે.મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો અને 89 માઈનોર વિષય મળી કુલ 119 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 69284 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે.
ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 214 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 35510 શિક્ષકો 9 મુખ્ય વિષયો અને 28 માઈનોર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 175 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા છે. સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યના 25092 શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. આ શિક્ષકો દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના 15 મુખ્ય વિષય અને 48 માઈનોર વિષય મળી કુલ 63 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરશે. જ્યારે ધો.12 સાયન્સમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. જ્યાં રાજ્યના 8682 શિક્ષકો 6 મુખ્ય વિષય અને 13 માઈનોર વિષય મળી કુલ 19 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. બોર્ડ દ્વારા વહેલા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના ભાગરૂૂપે અત્યારથી જ મૂલ્યાંકન કેન્દ્ર સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
(8:29 PM IST)










