<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

મોબાઈલમાં કંકોત્રી આવી અને બેંક એકાઉન્ટ સાફ

રાજકોટના ગામડાઓમાં ચિંતાજનક સ્થિતિઃગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મોબાઈલમાં ડિજીટલ કંકોત્રી આવે અને પછી તેમના એકાઉન્ટમાંથી રૃપિયા કપાવા લાગે છે

રાજકોટ,તા.૨૧

 જો તમારા ફોનમાં લગ્નની કંકોત્રીનો મેસેજ કોઈ જાણીતા લોકોના ફોનમાંથી આવે છે તો પણ તરત ડાઉનલોડ ન કરતા પહેલા વિચારજો નહીંતર તમારો ફોન હેક થઈ જશે અને તમારી મહામૂલી રકમ ઉપડી જશે. આવું અમે નહીં પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો કહે છે. છેલ્લા થોડા દિવસોથી સાયબર માફિયાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોના ફોન હેક કરી તેમના ખાતાઓ સાફ કરી રહ્યા છે. લગ્નની કંકોત્રી મોબાઇલમાં આવે અને મનમાં હરખ જાગે. આ જ હરખ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને મોં પર માયુસી લાવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની કંકોત્રી આવતાની સાથે જ રૃપિયા ઉપડી જતા હોવાની વાત સામે આવી છે.

આ બાબતે વધુ માહિતી મેળવવા ન્યૂઝ ૧૮ની ટીમ રાજકોટ જિલ્લાના કોલીથડ ગામે પહોંચી હતી. જ્યાં અમને માહિતી મળી હતી કે આ જ ગામના રિયાઝ ગાળા નામના એક વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની વિગત અમને મળી હતી. અમારી ટીમે રિયાઝ ભાઈ ગાળાનો સંપર્ક કર્યો હતો. તેઓએ જે વિગત જણાવી તે માત્ર તેમના માટે નહીં પરંતુ દરેક લોકો માટે મોટી ચિંતા ઉપજાવનારી હતી. રિયાઝ ભાઈએ કહ્યું કે ગઈ ૧૪ ફેબ્રુઆરીના દિવસે તેમને તેમના જ એક સંબંધી ઈશાન ભાઈના ફોનમાંથી લગ્નની કંકોત્રીનો મેસેજ આવ્યો. આ મેસેજ પર લખ્યું હતું કે 'મેરી શાદી મે જરૃર આના'. આ મેસેજ મળતા તેઓ ખુશ થયા અને એ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી.

એ સમયે તો રિયાઝ ભાઈને ખ્યાલ પણ ન હતો કે તેમનો ફોન હેક થઈ ચૂક્યો છે. આ વ્યક્તિએ જ્યારે તેમના ફોનમાંથી અન્ય મોબાઇલ એપ્લિકેશન મારફતે જ્યારે આર્થિક વ્યવહાર કર્યો ત્યારબાદ તરત જ તેમને પહેલા એક રૃપિયો કપાયાનો મેસેજ આવ્યો. ત્યારબાદ થોડી થોડી વારે થોડી થોડી રકમ કપાવાની શરૃ થઈ ગઈ. ગણતરીની મિનિટોમાં જ ૭૫૦૦૦ રૃપિયા જેટલી મોટી રકમ તેમના એકાઉન્ટમાંથી કપાઈ ગઈ. આ જાણીને તેઓ ચિંતામાં મુકાઈ ગયા. ત્યારબાદ તેમને તેમનું એકાઉન્ટ બ્લોક પણ કરાવ્યું. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રિયાઝભાઈ નામના વ્યક્તિએ કહ્યું કે તેઓ કોલીથડ ગામમાં રહે છે, ગોંડલમાં ગેરેજ ચલાવે છે. તેઓ પોતાનું ગુજરાન ચલાવવા પોતાના ગ્રામ્ય વિસ્તારથી દૂર ગોંડલ જાય છે. અહીંયા તેઓ દિવસ દરમિયાન અલગ અલગ વાહનો રીપેર કરીને માંડ માંડ થોડા રૃપિયા ભેગા કર્યા હતા. જેમાંથી ૭૫ હજાર રૃપિયા જેવી રકમ ઉપડી જતા તેઓને ખૂબ દુઃખ થયું. ચિંતા પણ થઈ. તેઓએ કહ્યું હતું કે આટલી રકમ ભેગી કરતા એક વર્ષ સુધી તેઓ દ્વારા તનતોડ મહેનત કરાય છે ત્યારે માંડ આટલી રકમ ભેગી થતી હોય છે. તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે.

કોલીથડ ગામમાં શૈલેષભાઈ સાવલિયા નામના વ્યક્તિના એકાઉન્ટમાંથી પણ આ જ રીતે રૃપિયા ઉપડી ગયા હોવાની વિગતો મળી હતી. અમારી ટીમ દ્વારા આ શૈલેષભાઈનો સંપર્ક કરાવતા તેઓના ખાતામાંથી પણ રૃપિયા ઉપડી ગયા હોવાની વાત અમને મળી હતી. શૈલેષભાઈ સાવલિયા નામના વ્યક્તિના એકાઉન્ટમાંથી ૨૪ હજાર રૃપિયા જેટલી રકમ ઉપડી ગઈ હતી. શૈલેષભાઈ ખેતીકામ કરે છે. જેથી અમારી ટીમ શૈલેષભાઈના ખેતર સુધી પહોંચી હતી. જ્યાં તેઓ ભર બપોરે કાળજાળ ગરમી વચ્ચે પોતાના ખેતરમાં કામ કરતા મળ્યા હતા. શૈલેષભાઈ નામના વ્યક્તિનું કહેવું છે કે તેમને પણ ૧૪ ફેબ્રુઆરીના દિવસે જ 'મેરી શાદી મે જરૃર આના' લખેલી કંકોત્રી તેમના જ એક સંબંધીના ફોનમાંથી આવી હતી જે તેમણે ડાઉનલોડ કરી હતી. બાદમાં તેમના એકાઉન્ટમાંથી થોડી થોડી રકમ કરીને ૨૪૦૦૦ રૃપિયા ઉપડી ગયા હતા.

શૈલેષભાઈ નામના આ વ્યક્તિએ કહ્યું હતું કે તેઓ ખેતીકામ કરે છે. શૈલેષભાઈએ આ વખતે તેમના ખેતરમાં મરચા સહિતના ખેતપાકનું વાવેતર કર્યું હતું. જોકે આ વર્ષે ખેતપાક પણ ખૂબ નબળો થયો હતો. જેથી તેઓ પહેલાથી જ રૃપિયાની ચિંતામાં હતા. એવામાં પણ આ રીતે રૃપિયા કપાઈ જતા તેમની સ્થિતિ ખરાબ બની છે. શૈલેષભાઈ નામના વ્યક્તિએ કહ્યું હતું કે તેમના દ્વારા દિવસ-રાત જોયા વગર ખેતરોમાં તનતોડ મહેનત કરવામાં આવે છે. આકરી મહેનત બાદ માંડ તેમના ખાતામાં થોડા રૃપિયા જમા થયા હતા જે પણ હવે સાફ થઈ જતા તેઓ માટે આર્થિક મુશ્કેલી વધુ ઘેરી બની છે.

અમને કોલીથડ ગામમાં મહેશભાઈ ગરિયા નામના વ્યક્તિ પણ મળ્યા કે જેમનું એકાઉન્ટ પણ હેક થઈ ગયું હતું. જોકે તેઓએ તેમનો એકાઉન્ટ તરત બ્લોક કરાવી દેતા રૃપિયા ઉપાડતા બચી ગયા હતા. મહેશભાઈ ગરિયાએ કોલીથડ ગામ પાસે જ રોડ ઉપર નાની એવી કેબિન ધરાવે છે. તેઓએ કહ્યું હતું કે તેમના જ ફોનમાં તેમના જ એક સંબંધીમાંથી કંકોત્રીનો મેસેજ આવ્યો હતો જે તેમણે ડાઉનલોડ કરતા તેમનો ફોન પણ હેક થઈ ગયો હતો. આ વ્યક્તિએ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આખો દિવસ જ્યારે તેઓ પોતાની કેબિન પર બેસે છે ત્યારે માંડ સાંજ સુધીમાં થોડા રૃપિયા ભેગા થાય છે. એમાં પણ જો આવી રીતે પૈસા જતા રહે તો તેઓ ખાઈશું.

કોલીથડ ગામમાં આવા બે-ત્રણ વ્યક્તિઓના જ નહીં પરંતુ અનેક વ્યક્તિઓ છે કે જેમના ખાતામાંથી ?૨૫૦૦ થી લઈને ૭૫ હજાર રૃપિયા સુધીની રકમ કપાઈ ગઈ હોય. અમારી ટીમને આ ગામમાં વિગતો મળી હતી કે હેકર્સ દ્વારા પહેલા કોઈ એક વ્યક્તિનો ફોન હેક કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ એ જ ફોનમાં રહેલા કોન્ટેક નંબરનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિઓને લગ્નની કંકોત્રી નામની ફાઈલ બનાવીને મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજ મળતા જ અન્ય વ્યક્તિઓને સંબંધીના ફોનમાંથી કંકોત્રી આવી હોવાથી તેઓ વિશ્વાસમાં સરળતાથી આવી જાય છે અને તેને ડાઉનલોડ કરે છે. બસ આ ડાઉનલોડ થયા બાદ તેમના એકાઉન્ટમાંથી રૃપિયા ઉપડી જવાનું શરૃ થઈ જાય છે.

રાજકોટ જિલ્લાના માત્ર કોલીથડે જ નહીં પરંતુ આસપાસના અન્ય ગામોમાં પણ હેકર્સ દ્વારા અનેક લોકોના ફોન હેક કરાયા હોવાની વિગતો અમને મળી હતી. જેથી અમારી ટીમ રાજકોટ જિલ્લાના વેજાગામ ખાતે પહોંચી હતી. અહીંયા એક જ ગામના ૧૦ વ્યક્તિઓના ફોન હેક કરી નાખવામાં આવ્યા હતા. સૌપ્રથમ આ જ ગામના સરપંચ જીતુભાઈનો ફોન હેક કરી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના ફોનમાં રહેલા અન્ય સંપર્ક નંબરોમાં પણ કંકોત્રીનો મેસેજ મોકલી દેવામાં આવ્યો હતો અને અન્ય નવ લોકોને ફોન પણ હેક કરી દેવામાં આવ્યા હતા.

જોકે ગામના સરપંચે કહ્યું હતું કે પોતાનો ફોન હેક થયો હોવાનો ખ્યાલ આવી જતા તેઓએ તાત્કાલિક સતર્કતા વાપરી હતી. જે દિવસે તેમનો ફોન હેક થયો હતો એ જ દિવસે શનિ-રવિની જાહેર રજાઓ પણ બેંકોમાં હતી. આમ છતાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ઉચ્ચ અધિકારી અને ચેરમેન જયેશ રાદડિયાનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક રજાના દિવસે પણ બેંક ખોલાવીને જેટલા પણ લોકોના ફોન હેક થયા હતા એટલા લોકોના એકાઉન્ટ તાત્કાલિક ધોરણે બ્લોક કરાવી દીધા હતા. રજાનો દિવસ હોવાથી એકાઉન્ટ બ્લોક થશે કે કેમ તેમની પણ ચિંતા આ ગ્રામ્યજનોને હતી. જોકે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા તાત્કાલિક આ તમામ લોકોને એકાઉન્ટ બ્લોક કરી દેતા વેજા ગામના લોકોને મોટી નુકશાની આવતા બચી હતી

(9:27 PM IST)