<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

બે દિકરી જન્‍મી એ પતિને ન ગમ્‍યું, એને દિકરો જોઇતો'તો...પડોશણની ચઢામણીથી મારકુટ થતી

મીરાનગરમાં ભાઇના ઘરે રહેતાં ધર્મિષ્‍ઠાબેન માણેકની સાસરિયા વિરૂધ્‍ધ ફરિયાદ

દ્વારકા સાસરૂ ધરાવતી પરિણીતા દોઢેક વર્ષથી રાજકોટ માવતરે બે દિકરીઓ સાથે રહે છેઃ મહિલા પોલીસે દ્વારકા સ્‍થિત પતિ, દિયર, કાકીજી અને કાકીજીના બે દિકરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૨: દ્વારકા સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ દોઢેક વર્ષથી માવતરે રહેતી પરિણીતાએ દ્વારકા સ્‍થિત પતિ, દિયર, કાકીજી અને કાકીજીના બે દિકરા વિરૂધ્‍ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ બે દિકરીનો જન્‍મ થતાં પતિને ગમ્‍યું ન હોઇ અને તેને દિકરો જોઇતો હોઇ ત્રાસ શરૂ કર્યો હતો. તેમજ પતિને બીજીસ્ત્રી સાથે આડાસંબંધ હોઇ તેની ચઢામણીથી મારકુટ કરતાં હોવાનું અને છુટાછેડા આપી દેવાનું કહી ત્રાસ આપ્‍યાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા હાલ રાજકોટ રૈયા રોડ મિરાનગર સતવારા ભવન પાસે જાગૃતિદિપ એપાર્ટમેન્‍ટમાં રહેતાં ધર્મિષ્‍ઠાબેન જીતેશભાઇ માણેક (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી દ્વારકા ટીવી સ્‍ટેશન રોડ ઓખા બેટ હાઇવે પર રહેતાં તેણીના પતિ જીતેશભાઇ મેપાભાઇ માણેક, દિયર વિરેન મેપાભાઇ માણેક, કાકીજી સાસુ હીરાબેન માનસીંગ માણેક, કાકીજીના દિકરા રાજેશ માનસીંગ માણેક અને ભરત માનસીંગ માણેક વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

ધર્મિષ્‍ઠાબેને જણાવ્‍યું છે કે મારા લગ્ન વર્ષ ૨૦૦૭માં દ્વારકાના મેપાભા રણમલભા માણેકના દિકરા જીતેશ સાથે થયા છે અને સંતાનમાં બે દિકરી છે જેમાં એક પંદર વર્ષની અને બીજી આઠ વર્ષની છે. હાલ હું રાજકોટ મારા મોટા ભાઇ દેવેન્‍દ્રસિંહ સાથે રહુ છું. મારા પતિ દ્વારકા રહે છે. મારા લગ્ન થયા બાદ મારે અને પતિને સારુ બનતું હતું પણ મારી બીજી દિકરીના જન્‍મ બાદ મારા પતિનું મારા પ્રત્‍યેનું વર્તન એકદમ બદલાઇ ગયું હતું. મેં બીજી દિકરીને જન્‍મ આપતાં પીતને ગમ્‍યું નહોતું. કારણ કે તેને પુત્રની ઇચ્‍છા હતી. અમારા પડોશમાં રહેતી કપિલા નામનીસ્ત્રી સાથે મારા પતિને આડાસંબંધ હોવાની મને ખબર પડી હતી. આ કપીલા મારા પતિને ચઢામણી કરતી હતી જેથી પતિ મને મારકુટ કરતાં હતાં. દારૂ પીને મોડી રાતે ઘરે આવે ત્‍યારે હું કંઇ પુછું તો કહેતા કે-તારે મને કંઇ પુછવાનું જ નહિ, અને ગમે ત્‍યારે હું આવું આ મારુ ઘર છે કહી મારકુટ કરતાં હતાં.

મારા દિયર વિરેશન પણ મને સંતાનમાં દિકરી હોવાથી મેણા મારતાં હતાં. કાકીજી હીરાબેન, તેના દિકરા રાજેશ અને ભરત પણ મારા પતિને ચઢામણી કરી છુટાછેડા લઇ લેવાનું કહેતાં હતાં. હું દોઢેક વર્ષથી મારા પિયર ખાતે એકલી મારી દિકરીઓ સાથે રહુ છું, દિકરીના ભવિષ્‍યને ધ્‍યાને રાખી અનેક વખત મેં સમાધાનના પ્રયાસ કર્યા હતાં. પરંતુ પતિ મને અને દિકરીઓને  સાથે રાખવા તૈયાર ન હોઇ અને છુટાછેડા આપી દેવાનું કહેતાં હોઇ જેથી મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ધર્મિષ્‍ઠાબેને કહેતાં પીઆઇ બી. ટી. અકબરીના માર્ગદર્શન હેઠળ હેડકોન્‍સ. કે. આર. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)