News of Saturday, 22nd February 2025
મચ્છરોનું આક્રમણ ખાળવામાં મનપા તંત્ર ઘોર નિંદ્રામાં : કોંગ્રેસ
સ્માર્ટ સીટી બન્યુ મચ્છરનગરી આ સમસ્યા તાકિદે હલ કરો : આંદોલનની ચીમકી ઉચ્ચારતા અતુલ રાજાણી

રાજકોટ, તા. રર : શહેરને હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની અને સ્માર્ટ સિટીની વાતો કરનારા શાસકો રાજકોટમાં કહેવાતા સ્માર્ટ સિટી માં મચ્છરો નુ આક્રમણ ખાળવામાં ના કામિયાબ પુરવાર થયા છે. રાજકોટ મચ્છર નગરી બની ગયું છે. અગાઉ રાજકોટ શહેરને આજી નદીમાં રીવર ફ્રન્ટના સપનાઓ બતાવી હથેળીમાં ચાંદ બતાવ્યો હતો. પરંતુ ત્યાર પછી આજી રિવરફ્રન્ટ ના નામે અનેક બેઠકો થઈ અને લાખોના કન્સલ્ટન્સી ના નામે પ્રજાના નાણા નો ધુમાડો થયો. અને હાલ નવા નાણાકીય વર્ષમાં આજી રિવરફ્રન્ટ ની યોજનાનો છેદ ઉડાડી દેવાયો છે. આજી નદી રિવરફ્રન્ટ ને બદલે અનેક વોર્ડમાંથી પસાર થતી આ નદી મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની છે. ત્યારે આ અંગે યોગ્ય કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ માંગ કરી છે.
વધુમાં શ્રી રાજાણીએ જણાવ્યુંહતું કે આજી નદીમાં બેસુમાર ગંદકી અને ગાંડી વેલે જ્યારે ભરડો લીધો છે ત્યારે આ વેલમાં અનેક ઝેરી જીવજંતુઓ અને મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. જિલ્લા કલેકટર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની કચેરીઓ વચ્ચે સંકલનના અભાવે બેડી ગામ અને રાજકોટ ના વોર્ડમાંથી પસાર થતી આ નદીમાં જે વેલ છે. તેની આજુબાજુમાં સાંજે મચ્છરોના ઝુંડ ઉડી રહ્યા હોય છે અને નદીની આસપાસ તેમજ શહેરમાં રહેતા પ્રજાજનો નું આરોગ્ય જોખમાય તે પ્રકારે મચ્છરોનો આક્રમણ વધી ગયું છે. આરોગ્ય તંત્ર ૪૫ વર્ષ પહેલાંનું સેટઅપ છે પૂરતો સ્ટાફ ન હોય તો તાત્કાલિક ભરતી કરી અથવા જિલ્લા કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કમિશનર કચેરી વચ્ચે સંકલન કરી આજી નદીની ગાંડી વેલ અને મચ્છરોના ઉત્પાદન કેન્દ્ર ને તાત્કાલિક હટાવવા બાબતે જો દાનત હોય તો તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી પણ કામ કરી શકાય છે. તેમ અંતમાં અતુલ રાજાણી એ મેલેરિયા અને અન્ય જીવજંતુઓના કારણે થતા રોગો વધે અને રોગચાળો ફાટી નીકળે એ પહેલા જો તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે નહીં તો આગામી ૧૫ દિવસમાં આ અંગે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો નદીના આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારોને લઈ મહાનગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(4:09 PM IST)










