News of Monday, 24th February 2025
મવડીમાં દક્ષિણ મામલતદાર ઝાલાનું ઓપરેશન ૪પ કાચા-પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
વર્ષોથી દબાણ હતું: ૧૭ કરોડની જમીન ખુલ્લી કરાવાઇઃ લોકોના ટોળેટોળા

રાજકોટ, તા. ર૪: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રણવ જોષીની સુચના બાદ આજે સવારે ૧૧ વાગ્યાથી દક્ષિણ વિસ્તારના ઇન્ચાર્જ મામલતદાર પોતાના સ્ટાફ તથા સધન પોલીસ બંદોબસ્ત અને જીઇબીની ટીમ સાથે ત્રાટકયા હતા અને મવડી સર્વે નં. ૧૯૪ ની ર૦ કરોડની રપ૦૦ ચો.મી. જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇ ૧૭ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી, કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે, જમીન ફરતે ફેન્સીંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અધીકારી સુત્રોએ જણાવેલ કે મવડી સર્વે નં. ૧૯૪ ની રપ૦૦ ચો.મી. જમીન ઉપર વર્ષોથી ૪પ થી પ૦ જેટલા કાચા-પાકા તથા પતરાવાળા મકાનો ઉભા થઇ ગયા હતા, તેના ઉપર બુલડોઝર ફેરવી દઇ જમીન ખુલ્લી કરાવી છે. આ દબાણ પુષ્પ વાટિકાની સામેની બાજુએ આવેલ હતું, જીઇબીની ટીમોએ કનેકશન કાપી નાખ્યા હતા, આ કાર્યવાહીમાં સ્ટાફના ધવલભાઇ ડાંગર, ડાભીભાઇ વિગેરે જોડાયા હતા.
આ દબાણની કાર્યવાહી અંગે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. મામલતદાર એલ.બી. ઝાલા, નાયબ મામલતદાર ધવલ પરમાર, તલાટી સી.બી. કાનગડ, જે.એમ. ડાભી, બી.એમ. ઝાલા, તાલુકા-પોલીસ સ્ટાફ, રાજકોટ મ્યુ. કોર્પોરેશન સ્ટાફ વિગેરે જોડાયા હતા. મવડી ગામમાં પુષ્ટિવાટિકા પાસે ૮૦ ફુટ રોડ ઉપર અંદાજે ૧૭ થી ર૦ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.(૬.૧૬)
(2:57 PM IST)










