તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરી પરત રાજકોટ આવી રહેલા કારખાનેદાર પ્રવિણસિંહ પઢીયારનું હાર્ટએટેકથી મૃત્યુ
પત્નિ, વેવાઇ-વેવાણ સાથે ગયા બુધવારે પ્રયાગ રવાના થયા બાદ ગઇકાલે શ્રીનાથદ્વારા રોકાણ કર્યુ ત્યારે ઢળી પડયાઃ રાજકોટના રાજુભાઇ ઝુંઝા સહિતે પોસ્ટમોર્ટમ કરાવડાવી એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરાવી આપી

રાજકોટ તા. ૨૪: શહેરના એક કારખાનેદારે કુંભમાં ધર્મપત્નિ, વેવાઇ, વેવાણ સાથે સ્નાન કર્યા બાદ પરત રાજકોટ આવતાં હતાં ત્યારે શ્રીનાથદ્વારા ખાતે રોકાણ કર્યુ તે દરમિયાન તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. જાવણા મળ્યા મુજબ કોઠારીયા રોડ પર નંદા હોલ નજીક જુના સુભાષનગર-૬ નવનીત હોલ પાછળ રહેતાં પ્રવિણસિંહ નારૂભા પઢીયાર (ઉ.વ.૬૪) નામના ગુર્જર રાજપૂત કારખાનેદાર પ્રયાગરાજ ખાતે કુંભ સ્નાન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા ત્યારે ગત રાતે શ્રીનાથદ્વારા ખાતે રોકાણ વખતે હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જુના સુભાષનગરમાં પ્રવિણસિંહ પઢીયાર ગયા બુધવારે પોતાના ધર્મપત્નિ નનકુબા, વેવાઇ સિધ્ધરાજસિંહ પરમાર, વેવાણ નીતાબા સાથે પોતાની કારમાં પ્રયાગરાજ કુંભ સ્નાન કરવા ગયા હતાં. સ્નાન કરી ચારેય ત્યાંથી ગઇકાલે પરત આવતી વખતે શ્રીનાથદ્વારા પટેલ સમાજ ખાતે રોકાયા હતાં. આજે સવારે તેઓ પરત રાજકોટ આવવા નીકળવાના હતાં. રાતે નવેક વાગ્યે રાજકોટ પરિવારજનો સાથે વાત પણ કરી હતી. એ પછી અચાનક બેભાન થઇ ઢળી પડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવને પગલે પટેલ સમાજમાં જ રોકાયેલા અને કુંભ સ્નાન કરી પરત આવી રહેલા રાજકોટના સેવાભાવી માલધારી સમાજના આગેવાન રાજુભાઇ ઝુંઝા, ચનાભાઇ ગોહેલ, મછાભાઇ ગોહેલ સહિતના મદદે દોડી ગયા હતાં. મૃતકના પરિવારજનોએ મદદરૂપ થયા હતાં અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવડાવી, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરાવી મદદરૂપ થયા હતાં.
મૃત્યુ પામનાર પ્રવિણસિંહ પઢીયાર ચાર ભાઇમાં ત્રીજા હતાં અને અટીકામાં વોચકેસનું કારખાનુ ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૯)
(2:57 PM IST)










