News of Monday, 24th February 2025
લોકસભામાં સંસ્કૃતનો વિરોધ કરનાર દયાનિધિ સામે જબરો ઉહાપોહ : અધ્યક્ષે તતડાવી નાખતા કહ્યું ‘‘કયા દેશમાં રહો છો?''
દેશભરની સંસ્કૃત સંસ્થાઓમાં રોષઃ મારન સામે પત્ર ઝુંબેશનો પ્રારંભ

છેલ્લા ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો બહુ વાયરલ થયો છે જેમાં દ્રમુકના સાંસદ શ્રી દયાનિધિ મારનને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા તતડાવી રહ્યા દેખાય છે, અને ઠપકો આપતા કહે છે કે ‘‘તમે કયા દેશમાં રહો છો? સંસ્કૃતનો વિરોધ શા માટે કરો છો? તમને હિન્દી સામે વિરોધ છે બીજી ભાષા સામે વિરોધ છે, શા માટે ?સંસ્કૃત ભાષા આ દેશની મૂળ ભાષા છે તેમાંથી જ અન્ય ભાષાઓ ઉત્પન્નથઈ છે'' વગેરે વગેરે .
મૂળ વાત એ છે કે ગયા સપ્તાહે લોકસભામાં સંસદની ચર્ચાનો દેશની અન્ય ભાષામાં અનુવાદ કરવો એવો ઠરાવ મંજૂર થયો ત્યારે બિરલાજીએ કહ્યું કે દેશની ૨૨ જેટલી પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે તેમાં આ સર્વે ભાષાઓની માતા સંસ્કૃત ભાષાનો પણ સમાવેશ થાય છે. દયાનિધિને બીજી બધી ભાષા નહીં પરંતુ માત્ર સંસ્કૃત ભાષા સામે જ વિરોધ શા માટે ?
દયાનીધિના આક્ષેપોં
સંસદમાં જયારે અધ્યક્ષ શ્રી બિરલાજીએ દયાનીધીને બોલવાની મંજૂરી આપી એટલે એમણે તો આક્રમક શૈલીમાં ઊંચા અવાજે એક સાથે છ જેટલા આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે માત્ર ૭૩ હજાર લોકો જ સંસ્કૃત બોલે છે ,બીજું કોઈ પણ રાજયની સત્તાવાર ભાષા સંસ્કૃત નથી,ત્રીજુ કરવેરાના નાણાનો દુરુપયોગ થાય છે,ચોથું સંવિધાનનો અનુવાદ કરવાથી શું લાભ છે , પાંચમું આ તો આર.એસ.એસ.ની આઇડીયોલોજી છે અને છઠુ સંસ્કૃત માં અનુવાદ નહીં થાય તો શું નુકસાન થઈ જવાનું છે? તેમના આ વિધાનોથી સંસદમાં ભારે વિરોધ થયો અને અધ્યક્ષ શ્રી એ પણ તેમને કઠોર શૈલીમાં વાસ્તવિકતા સમજાવી બેસાડી દીધા. બિચારા દયાનિધિની સ્થિતિ દયનીય બની ગઈ.
ભારતભરમાં વિરોધ
સંસદની ચર્ચાનો ચર્ચા ના દ્રશ્યો જોઈને તેની સતાવાર માહિતી મેળવીને સંસ્કૃતભારતી જેવી સંસ્કૃત સંલગ્ન સંસ્થાઓએ દેશભરમાં ભારે વિરોધ કર્યો છે અને દયાનિધિ મારનને પત્ર ઝુંબેશ દ્વારા વ્યક્તિગત પત્રો લખીને તેમના જૂઠાણાને ખુલ્લું પાડ્યું છે. મારન કહે છે કે કોઈ રાજયની સત્તાવાર ભાષા સંસ્કૃત નથી પરંતુ હકીકત એ છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એ બંને રાજયોમાં દ્વિતીય સત્તાવાર ભાષા સંસ્કૃત છે જ. એ ઉપરાંત સંસ્કૃતભારતી જેવી સંસ્થાઓ ભારતભરમાં શૈક્ષણિક પ્રશિક્ષણ વર્ગો ચલાવે છેઓનલાઇન શિક્ષણ આપે છે અને દિલ્હી તથા વારાણસીમાં તો કાયમી ધોરણે દર ૧૫ દિવસે એમ મહિનામાં બે વાર નવા નવા સમૂહને માત્ર રૂપિયા ૧૧૦૦/માં રહેવા જમવાની સગવડ સાથે સંસ્કૃત બોલતા શીખવાડે છે. ગુજરાતમાં વેરાવળમાં સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી છે અને અન્ય સ્વનિર્ભર વિદ્યાલયો પણ સંસ્કૃત શિક્ષણ આપે છે. જૈન સંપ્રદાય ખાસ પાઠશાળાઓ ચલાવે છે. રાજકોટમાં પ્રણવાનંદ સંસ્કૃત ભવન છેલ્લી અડધી સદીથી સંસ્કૃતનો પ્રચાર પ્રસાર અને કાર્યક્રમો યોજે છે. આવું ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાર્ય ચાલે છે.
વૈજ્ઞાનિક ભાષા
સામાન્યજનમાં એવી છાપ છે કે સંસ્કૃતથી નોકરી ધંધા ના મળે. સંસ્કૃત તો ધાર્મિક ગ્રંથો અને આધ્યાત્મિક જ્ઞાન માટે જ હોય. છે પરંતુ હકીકતમાં સંસ્કૃત જાણનારા લોકોની વિદેશમાં પણ બહુ મોટી માંગ છે સંસ્કૃતના વિદ્વાન બ્રાહ્મણો વિદેશમાં કર્મકાંડમાં જ અઢળક ધન કમાય છે. દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ શિક્ષકોની જરૂર હોય જ છે. બીજી બાજુ ઈસરો અને નાસા જેવી અવકાશ શિક્ષણ આપતી સંસ્થાઓ સંસ્કૃત જાણનાર યુવાનોને જ પસંદ કરે છે અને તેના માટેના વર્ગો પણ ચલાવે છે એટલે માત્ર ધાર્મિક સંસ્થાઓ નહીં પણ ટોચની વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ તેમાં રસ ધરાવે છે .કોમ્પ્યુટર વિજ્ઞાન સંપૂર્ણપણે સંસ્કૃત આધારિત જ છે એમ કહી શકાય. આ ઉપરાંત જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ , ચાર્વાક એ બધાનું સાહિત્ય પણ સંસ્કૃતમાં જ મળે છે ત્યારે તેની અવગણના કરવી મૂર્ખતા છે .
નટવરસિંહ ચૌહાણ
મંત્રી આર્ય સમાજ રાજકોટ મધ્ય મોઃ૯૮૨૪૮ ૪૦૯૧૭
(4:59 PM IST)










