<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

રાજકોટના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા પ૦ કરોડના ખર્ચે બનાવાશે કન્‍વેન્‍શન સેન્‍ટર

ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના અથાગ પ્રયત્‍નોને સફળતા

રાજકોટ તા. ર૪ :..  રાજકોટ અને આજુબાજુના વિસ્‍તારમાં અંદાજે એક લાખ જેટલા MSME ઉદ્યોગો કાર્યરત છે. તે ઔદ્યોગીક એકમો દ્વારા વિશ્વભરના લગભગ તમામ દેશોમાં ડીફેન્‍શ, એરોસ્‍પેસ, એન્‍જીનીયરીંગ આઈટમો, મશીન ટૂલ્‍સ, બેરીંગ, ઓટો પાર્ટસ વગેરે પ્રોડકસના નિકાસમાં ભારતમાં રાજકોટ અગ્રેસર છે. અને ભારત સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આવે છે. તેમજ લાખોની સંખ્‍યામાં રોજગારી પૂરી પાડે છે.આવા ઔદ્યોગીક એકમોને પોતાની પ્રોડક્‍ટસ વિશ્વભરના દેશોમાં ડીસ્‍પ્‍લે કરવા માટેના પ્‍લેટફોર્મની ખાસ જરૂર હતી. જે માટે શાપર વેરાવળ એન્‍જીનીયરીંગ એશોસીયેશનના ચેરમેન અને ૭૦-રાજકોટના ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા છેલ્લા બે-ત્રણ વર્ષથી સક્રિય રહી રજૂઆતો કરતા હતા. તેમજ ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષમાં બજેટમાં આ યોજના માટે સમાવેશ કરવાની રજૂઆત કરતા સરકારશ્રીએ આ વિસ્‍તારની ઔદ્યોગીક પ્રગતિ અને  વિકાસને ધ્‍યાને લઈ રૂ. ૫૦ કરોડનું બજેટ ફાળવી કન્‍વેન્‍શન સેન્‍ટર મંજૂર કરેલ છે. જ આ માટે હાલ યોગ્‍ય સ્‍થળ પસંદગીની પ્રક્રિયા ચાલુ કરેલ છે. આ બાબતે ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા એ ગુજરાત સરકારના  મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, નાણામંત્રીશ્રી  કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતનો આભાર માનેલ છે.

(4:11 PM IST)