News of Tuesday, 25th February 2025
ભારે થઇઃ ભગવતીપરા ઓવર બ્રીજ નીચે હોમગાર્ડને ‘હું ડોન છું' કહી મારકુટ કરી રોકડ લૂંટી લેવાઇ!
વિપુલ સોલંકી અને નિલેષ યાદવ નોકરી પર હતાં ત્યારે નિલેષ ચા પીવા જતાં બે શખ્સે ડખ્ખો કર્યો : ગણેશનગરના મોહિત ગોહેલ અને સાથેના અજાણ્યાની શોધખોળ

રાજકોટ તા. ૨૫: પારેવડી ચોકથી ભગવતીપરા તરફ જતાં પૂલ નીચે હોમગાર્ડ જવાન નાઇટ ડયુટીમાં હોઇ એક શખ્સે આવી હું ગણેશનગરનો ડોન મોહિત ગોહેલ, પોલીસે અહિ બેસવું નહિ કહી બીજા સાગ્રીતને બોલાવી હોમગાર્ડને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ ગુપ્તીના હાથાથી ફટકારી જે હોય તે આપી દેવાનું કહી ખિસ્સા ફંફોળી રૂા. ૪૦૦ લૂંટી લેતાં ચકચાર જાગી છે. બંને આરોપીને શોધી કાઢવા પોલીસ કામે લાગી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં વિપુલ ગીરધરભાઇ સોલંકી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી મોરબી રોડ ગણેશનગરમાં રહેતાં મોહિત ચમનભાઇ ગોહેલ અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ કરી છે.
હોમગાર્ડ વિપુલ સોલંકીએ જણાવ્યું છે કે તા. ૨૩થી ૨૪ના સવારના પાંચ સુધી મારી નોકરી હોઇ હું અને બીજા હોમગાર્ડ નિલેષ યાદવ પારેવડી ચોકથી ભગવતીપરા તરફ જતાં પૂલ નીચે રામાપીર મંદિર ચોક ખાતે ફિક્સ પોઇન્ટ પર હતાં. આજુબાજુના વિસ્તારમાં શંકાસ્પદ ગતીવિધી જણાય તો નાઇટ રાઉન્ડમાં રહેલા અધિકારીને જાણ કરવાની હોય છે. દરમિયાન રાતે ત્રણેક વાગ્યે અમે અમારા પોઇન્ટ પર હતાં ત્યારે સાથેના જવાન નિલેષ યાદવ ચા પીવા ગયેલ. આ વખતે એક શખ્સ મારી પાછળ ચાલીને આવ્યો હતો હતો અને ‘હું મોહિત ગોહેલ, ગણેશનગરનો ડોન, તું કેમ અહિ બેઠો છો? પોલીસે અહિ બેસવું નહિ' તેમ કહી મારી સાથે જીભાજોડી કરી હતી. મેં તેને આવુ બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ધારદાર ગુપ્ત કાઢી મને મારવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી મેં મારા રક્ષણ માટે મોટરસાઇકલમાંથી લાકડી કાઢી હતી. એ વખતે તેણે ઝપાઝપી ચાલુ કરહીત. એ દરમિયાન આ મોહિતે બૂમ પાડી કોઇને બોલાવતાં એક અજાણ્યો શખ્સ દોડી આવ્યો હતો. બાદમાં અજાણ્યાએ મને પાછળથી પકડી લીધો હતો અને મોહિતે ગુપ્તી બતાવી જે હોય તે આપી દે નહિતર મારી દઇશ કહી મારા ખિસ્સા ફંફોળી રૂા. ૪૦૦ કાઢી લીધા હતાં. તેમજ ગુપ્તીના હાથાના ચાર-પાંચ ઘા મને મારી ઢીકાપાટુ પણ માર્યા હતાં. એ દરમિયાન બીજા જવાન નિલેષ યાદવ આવી જતાં મેં તેને વાત કરી હતી. હુ ડરી ગયો હોવાથી પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ઘરે જતો રહ્યો હતો. બાદમાં તપાસ કરતાં આ શખ્સ ગેણશનગમાં રહેતો મોહિત ચમનભાઇ ગોહેલ હોવાની ખબર પડી હતી. પછી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં વિપુલ સોલંકીએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૭)
(2:26 PM IST)










