<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કેકેવી હોલ પાસે કવરેજ કરવા ગયેલા કપિલ દાફડાને બાપ-દિકરાએ પાઇપના ઘા ફટકારી લોહીલુહાણ કર્યો

ટ્રાફિક ચોકી સામેની ગલીમાં દારૂ વેંચાય છે એવી બાતમી મળતાં ગયો હતો :અનિલના છોકરાએ ‘અહિ ગાળો કેમ બોલે છે?' કહી ઝઘડો કર્યો બાદ અનિલે આવી હુમલો કર્યો અને માથે જતાં ખૂનની ધમકી દીધી

રાજકોટ તા. ૨૫: કાલાવડ રોડ પુષ્‍કરધામ નજીક રહેતો યુવાન કેકેવી હોલ નજીક ટ્રાફિક પોલીસ ચોકીની સામેની ગલીમાં દારૂ વેંચાતો હોવાની માહિતી પરથી કવરેજ કરવા જતાં ત્‍યાં હાજર એક શખ્‍સે તું અહિ ગાળો કેમ બોલે છે? કહી પિતા-પુત્રએ મળી લોખંડના પાઇપથી માર મારી ગાળો દઇ હવે પછી અહિ આવીશ તો જાનથી મારી નાંખશું કહી ધમકી આપતાં યુવાન લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પહોંચ્‍યો હતો. આ બનાવમાં માલવીયાનગર પોલીસે પુષ્‍કરધામ રોડ નિલકંઠ પાર્ક-૧૪માં રહેતાં કપીલ હરેશભાઇ દાફડા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અનિલ અને અનીલના છોકરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કપિલ દાફડાએ પોલીસને જણાવ્‍યું છે કે  સવારે સાડા દસેક વાગ્‍યે ઘરેથી નીકળી કેકેવી હોલ પાસે ગયો હતો. મને ચારેક દિવસ પહેલા માહિતી મળી હતી કે કેકેવી હો પાસે ટ્રાફિક પોલીસ ચોકીની સામેની ગલીમાં અનિલ ગેરકાયદેસર રીતે દારૂનું વેંચાણ કરે છે. જેથી હું આ ગલીમાં કવરેજ કરવા માટે ગયો હતો. ત્‍યાં માણસો ભેગા થઇ ગયા હતાં અને થોડીવારમાં અનિલનો છોકરો આવીને મને કહેવા માંડયો હતો કે-તું અહિ ગાળો કેમ બોલે છે?, અહિ લેડીઝ પણ છે. જેથી મેં કહેલું કે હું ક્‍યાં ગાળો બોલુ છું. ત્‍યાં અનિલ પણ આવી ગયેલ. એ દરમિયાન અનિલના છોકરાએ મને લોખંડનો પાઇપ માથાના ભાગે ફટકારી દીધો હતો. તેમજ બીજો ઘા માથા પાછળ મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં.

આ ઉપરાંત અનિલે તેના છોકરાના હાથમાંથી પાઇપ લઇ મને ડાબા પગમાં અને સાથળમાં ઘા ફટકાર્યા હતાં. આ પછી આ બાપ-દિકરાએ મળી ગાળો દીધી હતી અને ‘હવે જો તું  અહિ આવીશ તો જાનથી મારી નાંખીશ' કહી ધમકી આપી હતી. મને લોહી નીકળતાં હોઇ વધુ માર મારશે એવુ લાગતાં હું જીવ બચાવી બહાર નીકળી ગયો હતો અને બહાર નીકળી ૧૦૮ને ફોન કરતાં ગાડી આવી જતાં સારવાર માટે હોસ્‍પિટલમાં પહોંચ્‍યો હતો. તબિબે માથામાં બે ત્રણ ટાંકા લીધા હતાં અને માથા પાછળના ભાગે તથા સાથળમાં મુંઢ ઇજા થઇ હતી.

મને માહિતી મળી હતી કે કેકેવી હોલ પાસે ટ્રાફિક પોલીસ ચોકીની સામેની ગલીમાં દારૂ વેંચાય છે જેથી કવરેજ કરવા જતાં અનિલ અને તેના છોકરાએ તું અહિ ગાળો કેમ બોલે છે? કહી પાઇપથી હુમલો કરી ગાળો દઇ મુંઢ મારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમ વધુમાં કપિલે જણાવતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કપિલ દાફડાએ પોતે ઇન્‍ડિયન ક્રાઇમ પ્રેસમાં નોકરી કરતો હોવાનું પોલીસને કહ્યું હતું.

(4:07 PM IST)