<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ખનીજ ચોરી ઝડપી મેમો અપાતાં માઇન્‍સ સુપરવાઇઝરની ફરજમાં રૂકાવટ કરી ડમ્‍પર માથે ચડાવી દેવાની ધમકી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બંસલ પંપ નજીક બનાવઃ એરપોર્ટ પોલીસે હીરાસરના મનોજ સોલંકી, મહેશ સોલંકી સામે ગુનો દાખલ કર્યો : ડમ્‍પર ભગાવી મુક્‍યા પછી પોલીસ સ્‍ટેશને રેતી ભરેલા ડમ્‍પરને બદલે છાણીયા ખાતર સાથેનું ડમ્‍પર રજુ કરી દીધું!

 

રાજકોટ તા. ૨૫: રાજકોટ-અમદાવાદ હાઇવે પર બંસલ પંપ નજીક ખાણ ખનીજ ખાતાના માઇન્‍સ સુપરવાઇઝર અને તેની ટીમે રેતી ભરેલુ ડમ્‍પર અટકાવી મેમો આપતાં ડમ્‍પર ચાલક અને ડમ્‍પરના વહિવટ સંભાળતા શખ્‍સે ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી ડમ્‍પર લઇ ભાગી જઇ બાદમાં ડમ્‍પર માથે ચડાવી દેવાની ધમકી આપી તેમજ પોલીસ સ્‍ટેશનમાં રેતી ભરેલા ડમ્‍પરને બદલે છાણીયુ ખાતર ભરેલુ ડમ્‍પર રજુ કરી દેતા ફરિયાદ થઇ છે.

આ બનાવમાં એરપોર્ટ પોલીસે શહેરમાં માઇન્‍સ સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હિતેષભાઇ મેરૂભાઇ સોલંકીની ફરિયાદ પરથી હીરાસર ગામે રહેતાં મનોજ કડવાભાઇ સોલંકી અને મહેશ કડવાભાઇ સોલંકી વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટ, ડમ્‍પર માથે ચડાવી મારી નાખવાની ધમકી આપવાનો અને રેતી ભરેલુ ડમ્‍પર પોલીસ સ્‍ટેશને લાવવાને બદલે છાણીયુ ખાતર ભરેલુ ડમ્‍પર પોલીસ સ્‍ટેશનમાં રજૂ કરવાનો ગુનો દાખલ કર્યો છે.

હિતેષભાઇ સોલંકીએ જણાવ્‍યું હતું કે હું તથા અન્‍ય માઇન્‍સ સુપરવાઇઝર આશીષભાઇ પરમાર, સિક્‍યુરીટી ગાર્ડ પૃથ્‍વીરાજસિંહ ચોૈહાણ, ડ્રાઇવર કુલદીપભાઇ ખાચર, રોહીતભાઇ સાથે ખાનગી કાર જીજે૦૩બીવાય-૬૫૮૦માં અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગેરકાયદેસર ખનીજ વહન કરતાં શખ્‍સો વિરૂધ્‍ધ કાર્યવાહી માટે પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર બંસલ પંપ પાસે અમે ચોટીલા તરફથી આવતું રેતી ભરેલુ ડમ્‍પર હાથ ઉંચો કરી રોકવા માટે ઇશારો કરતાં ડમ્‍પરના ચાલકે ડમ્‍પર ભગાવી મુકતાં અમે અમારી કારથી તેનો પીછો કર્યો હતો અને અમે ખાણ ખનીજ વ્‍ભિાગના માણસો છીએ તમારુ ડમ્‍પર ઉભુ રાખો તેમ કહેતાં ચાલકે બામણબોર જીઆઇડીસી તરફ જવાના રસ્‍તે હીરાસર ગામ તફર ડમ્‍પર હંકારી ત્‍યાં આગળ રોડ પર ઉભુ રાખી દીધુ હતું.

અમે ડ્રાઇવરની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ મનોજ કડવાભાઇ સોલંકી જણાવ્‍યું હતું. તેમાં ૪૦ મેટ્રીક ટન રેતી ભરેલી હતી. ડમ્‍પરના નં. જીજે૧૩એએક્‍સ-૫૩૩૦ હતાં. જ્‍યારે ડમ્‍પરનો વહિવટ સંભાળતા શખ્‍સે પોતાનું નામ મહેશ કડવાભાઇ સોલંકી (રહે. હીરાસર) જણાવ્‍યું હતું. આ પછી અમે તેને વાહન જપ્‍તીનો ફોર્મ-જે (સીઝર મેમો) આપ્‍યો હતો. આ ડમ્‍પર સુરેન્‍દ્રનગરના વંતચરના જગદીશભાઇ સગરામભાઇ ખાંભલાનું હોઇ ડ્રાઇવરને મેમોમાં સહી કરવાનું કહેતાં તેણે સહી કરી નહોતી.

ડમ્‍પર માલિક હાજર ન હોઇ જેથી ડમ્‍પરનવ વહિવટ સંભાળતા મહેશ સોલંકીએ સીઝર મેમોમાં સહી કરી હતી અને ડમ્‍પર અમે તેને પોલીસ સ્‍ટેશને લઇ લેવાનું કહેતાં ડ્રાઇવર મનોજ અને સાથેના મહેશે ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. મને તથા સાથેના સ્‍ટાફને બેફામ ગાળો આપી હતી. તેમજ મહેશે ડ્રાઇવરની ગાડી લઇ જતાં રહેવાનું અને રેતી રસ્‍તામાં ઉલાળીને ખાલી કરી નાખવાનું કહેતાં મહેશ ડમ્‍પર લઇ ગામ તરફ ભાગી ગયો હતો. અમે ડમ્‍પરનો પીછો કરતાં મહેશ અમારી ગાડીમાં અડચણરૂપ થયેલ અને ડમ્‍પર ભગાડી દીધુ હતું.

આ પછી અમે હીરાસર ગામમાં જતાં મહેશના સગાવ્‍હાલા વચ્‍ચે પડેલા. મહેશે ત્‍યાં પણ જેમતેમ બોલી અહિથી જતા રહો નહિતર તમારા ઉપર ડમ્‍પર ચડાવી દઇ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમારી સાથે ગનમેન હોઇ હોઇ તેના ઉપર પણ હુમલો કરવાની કોશિષ કરી હતી અને અમારી કારના પાછળના દરવાજા પર મહેશે પાટા માર્યા હતાં. આથી અમે ત્‍યાંથી નીકળી ગયા હતાં અને એરપોર્ટ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. અહિ પાછળથી મહેશ પણ આવ્‍યો હતો અને પોતાની ભુલ સ્‍વીકારી ડમ્‍પર પોલીસ સ્‍ટેશને લાવવા રાજી થયો હતો. જો કે બાદમા મોડેથી તેણે ડમ્‍પર જીજે૧૩એએક્‍સ-૫૩૩૦ રજુ કર્યુ હતું. જેમાં ઉપર લાલી જાજમ બાંધેલી હતી અને અંદર રેતીના બદલે છાણીયુ ખાતર ભરી રજુ કર્યુ હતું. જો કે ડમ્‍પરના ટાયરના  વચ્‍ચેનાભાગમાં, બોડી લેવલના ઉપરના ભાગમાં અને સાઇડના પતરાની કિનારી પર સાદી રેતી ખનીજ જોવા મળી હતી. અમે સીઝર મેમો સાથે પોલીસ સ્‍ટેશનમાં ઇન્‍વર્ડ કરાવ્‍યું હતું અને મહેશ તથા મનોજ જતાં રહ્યાહતાં.

જો કે જતાં જતાં આ બંનેએ ધમકી આપી હતી કે અમારા વિરૂધ્‍ધ ખનીજ ચોરીનો દંડ કરશો કે ફરિયાદ કરશો તો તમારા વિરૂધ્‍ધ અમે ફરિયાદ કરશું તેમ કહી ધમકી આપી હતી. રોયલ્‍ટી વગર બંનેએ રેતી ભરી હોઇ અલગથી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. ડમ્‍પર ચાલક અને વહિવટ સંભાળનારને અમે રોયલ્‍ટી ચોરી અંગે અટકાવી મેમો આપતાં બંનેએ ઉશ્‍કેરાઇ જઇ ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી ડમ્‍પર ભગાવી મુકી તેમજ બાદમાં ડમ્‍પર અમારી માથે ચડાવી દેવાની ધમકી આપી છેલ્લે રેતી ખાલી કરી તેમાં છાણીયુ ખાતર ભરી આ ડમ્‍પર પોલીસ સ્‍ટેશને રજુ કર્યુ હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં ભુસ્‍તર વિજ્ઞાન અને ખનીજ કચેરીના માઇન્‍સ સુપરવાઇઝર એચ. એમ. સોલંકીએ જણાવતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એસ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(3:02 PM IST)