<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

વિરોધ બાદ મનપાએ ભુલ સુધારીઃ કતલખાના સાથે માંસ, મટન, મચ્‍છી અને ચિકનના વેંચાણ-સ્‍ટોરેજ ઉપર કાલે પ્રતિબંધ

મહાનગરપાલીકા દ્વારા મહાશિવરાત્રી માટે નવું જાહેરનામુ બહાર પડાયું : સ્‍ટે. ચેરમેનની સૂચના બાદ સોલીડ વેસ્‍ટ શાખા પાસેથી જાહેરનામાની સત્તા પરત લઇ આરોગ્‍ય વિભાગને સોંપાઇ

રાજકોટ તા.રપઃ મનપા દ્વારા કાલના મહાશિવરાત્રીના પાવન પર્વે કતલખાના બંધ રાખવાની સાથે માંસ, મટન, મચ્‍છી અને ચિકનના વેંચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ ફરમાવતું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. અગાઉના જાહેરનામા સંદર્ભે ભાજપના ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા મનપાના વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ મ્‍યુ.કમિશનરને રજુઆત કરી હતી.

મનપા દ્વારા અગાઉ જાહેરનામા અંગે સોલીડ વેસ્‍ટ શાખાની જવાબદારી હતી તેના બદલે હવે આરોગ્‍ય શાખા જાહેરનામાના અમલ ઉપર નજર રાખનાર છે.

મનપાના જાહેરનામા મુજબ ઉકત સંદર્ભે અન્‍વયે આગામી ‘‘મહાશિવરાત્રી'' નિમિતે તા.૨૬ (દિવસ-૦૧)ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમાા પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચીકનનું વેંચાણ  કે સ્‍ટોર કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબધકર્તા સર્વેએ આ જાહેર સુચનાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેર સુચનાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા મનપાના આરોગ્‍ય અધિકારીએ જાહેરનામુ બહાર પાડયું છે.

જાહેરનામામાં સુધારા બદલ ભુપેન્‍દ્રભાઇનો આભાર માનતા ડો.દર્શીતાબેન શાહ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી મહાશિવરાત્રી સંદર્ભ શહેરમાં આવેલ કતલખાના બંધ રાખવા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ. આ જાહેરનામામા માસ,મટન,મચ્‍છી,ચિકન નું વેચાણ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નહીં.આ બાબત ધ્‍યાને આવતા ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ દ્વારા આ અંગે મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા મ્‍યુનિસિપલ કમિશનરને ધ્‍યાન દોરેલ. મુખ્‍યમંત્રી દ્વારા આ અંગે તાત્‍કાલિક કાર્યવાહી કરેલ અને જાહેરનામામાં સુધારો કરવામાં આવેલ.તેમજ મહાશિવરાત્રી નિમિત્તે કતલખાના બંધ રાખવા.તેમજ માસ, મટન, મચ્‍છી અને ચિકનનું વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તાત્‍કાલિક નિર્ણય લેવા બદલ ધારાસભ્‍યડો. દર્શિતા શાહ દ્વારા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો આભાર માની મહાશિવરાત્રીના પાવન પવિત્ર દિવસે તમામ શહેરીજનોને શુભેચ્‍છા પાઠવી છે.

કોંગ્રેસની જાહેરનામામાં ફેરફારની રજુઆત  ફળીઃ રાજાણી સાગઠીયા

શહેર કોંગ્રેસ પ્રમુખ અનુલ રાજાણી તથા મનપાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ મનપાના મહાશિવરાત્રીએ બહાર પાડવામાં આવેલ કતલખાના બંધ રાખવાના જાહેરનામામાં સુધારો કરવા ગઇકાલે મ્‍યુ. કમિશનરને રજુઆત કરી હતી જે અન્‍વયે આજે તંત્ર દ્વારા કતલખાના ઉપરાંત માંસ, મટન, મચ્‍છી અને ચીકનના વેચાણ-સંગ્રહ કરવા ઉપર પ્રતિબંધ  લગાવતું નવું જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું.

(3:07 PM IST)