News of Thursday, 27th February 2025
રાજકોટમાં ભાંગ પીધા બાદ દંપતિ સહિત છ લોકોની હાલત બગડતાં હોસ્પિટલે દોડવું પડયું
રૈયાધારના યુવાન, તેના પત્નિ, સાઢુભાઇ, ગીતાનગરના વૃધ્ધ, વેલનાથપરાના યુવાન અને મોચીબજારના યુવાનને ભાંગ પીધા બાદ ચક્કર અને અંધારા આવ્યાઃ પોલીસે નિવેદન નોંધ્યા

રાજકોટ તા. ૨૭: દેવાધીદેવ મહાદેવના ભક્તોએ ગઇકાલે મહાશીવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરી હતી. મંદિરોમાં અલગ અલગ પ્રસાદ સાથે ભોળાનાથને પ્રીય ભાંગનો પ્રસાદ પણ અપાયો હતો. જો કે અમુક લોકોને અલગ અલગ રીતે બનાવાયેલી ભાંગ પીધા બાદ તબીયત બગડતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. રાજકોટમાં એક દંપતિ સહિત છ લોકોને ભાંગની અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રૈયાધાર પર શાંતિનગરમાં રહેતાં ધર્મેન્દ્રભાઇ ગોવિંદભાઇ વિંઝુડા (ઉ.વ.૪૦), તેના પત્નિ પુષ્પાબેન (ઉ.વ.૩૫) અને ધર્મેન્દ્રભાઇના સાઢુભાઇ અરવિંદભાઇ વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૪૦)ને ભાંગ પીધા બાદ ચક્કર આવવા સહિતની તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ભાંગ અરવિંદભાઇ લાવ્યાનું જણાવાયું હતું.
જ્યારે ગીતાનગર-૬માં રહેતાં અને દરજીકામ કરતાં કિરીટભાઇ ગોવિંદભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૨) ભક્તિનગર સર્કલ પાસે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે કોઇ ભક્તે તેને ભાંગ આપતાં તે પીધા બાદ ચક્કર આવતાં અંધારા આવી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
ઉપરાંત મોરબી રોડ વેલનાથપરા-૧૦માં રહેતો કમલેશ શીવાભાઇ કાનાણી (ઉ.વ.૨૨) ઘર નજીક નાયરાના પંપ પાસે હનુમાનજી, શીવજીના મંદિરે હતો ત્યારે ભાંગ પીધા બાદ તબીયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના કહેવા મુજબ વરીયાળી, તીખા નાખીને ભાંગ બનાવાઇ હતી તે પીધી હતી.
છઠ્ઠા બનાવમાં મોચી બજાર-૩માં રહેતાં વિમલ પ્રકાશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૫)ને સાંજે આઠેક વાગ્યે ભાંગ પીધા બાદ હાલત બગડતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો. જો કે આ ભાગ તેના ઘરના બીજા સભ્યોએ પણ પીધી હતી, તેમને કોઇને અસર થઇ નહોતી. તમામ બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ ધરાવી હતી.
(12:04 PM IST)










