News of Thursday, 27th February 2025
એસ.ટી. બસ પોર્ટની બાજુમાં ખડકાયેલ ગંદકીના ગંજ
અંગે તંત્રનો કાન આમળાતા તુરંત સફાઇ કાર્ય હાથ ધરાયુ :એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિની રજુઆતના પગલે તુરંત કાર્યવાહી

રાજકોટ તા. ૨૭ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, એસ. પી રાજાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જયંતીભાઈ હિરપરા, જીજ્ઞેશ વાગડિયાની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે શહેરના દરેક વોર્ડમાં ન્યુસન્સ પોઇન્ટ જોવા મળે છે. ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટ મુખ્ય ગેટ પાસે છાસવાલા દુકાનની આગળના ર્પાકિંગ પોઇન્ટમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળતા અને આ ગેટ પાસેથી રાજકોટના બબ્બે ડેપો મેનેજરો અને હજારો મુસાફરો બહારગામથી અવર-જવર કરતા હોય ત્યારે આ ઢગલા અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડાને આ ગંદકી બાબતે ધ્યાન દોરી સાફ-સફાઈ કરાવવા અપીલ કરી હતી. બાદમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરને અને વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર એચ. એન. ગોહિલને રજુઆત કરી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા માંગણી ઉઠાવાઇ હતી. મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં પણ ૨૫૦૬૩૫૭૩ થી ફરિયાદ કરવામાં આવ્યા બાદ તુરંત તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને કચરાના ગંજ બદલ દુકાનદારોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી અને કાર્યવાહી હાથ ધરતા ગણતરીની કલાકોમાં જ આ ન્યુસન્સ પોઇન્ટ દૂર થયો હતો. મુસાફરો વતી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓનો મુસાફર હિત રક્ષક સમિતિના આગેવાનોએ આભાર વ્યક્ત કરેલ. (૧૬.૨)
(4:19 PM IST)










