News of Thursday, 27th February 2025
મહાશિવરાત્રીએ મંદિરે ડીજેના તાલ પર નાચી રહેલા મનસુખભાઇ એકાએક ઢળી પડયાઃ મોત
જુની મામલતદાર કચેરી પાસે આવેલા મંદિર ખાતે બનાવ પીડબલ્યુડીના કર્મચારી હતાં: બે મહિના બાદ નિવૃત થવાના હતાં: ભગવતીપરાના ચાવડા પરિવારમાં શોક લક્ષ્મણ ટાઉનશીપમાં અરૂણાબેન વ્યાસનું અને મેહુલનગરમાં જયંતભાઇ ખેરડીયાનું પણ હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટ તા. ૨૭: હાર્ટએટેકથી મૃત્યુના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં પીડબલ્યુડીના કર્મચારી વૃધ્ધ ગત સાંજે મહાશિવરાત્રી નિમીતે જુની મામલતદાર કચેરીએ દર્શને ગયા ત્યાં ડીજેના તાલે ધૂન વાગતી હોઇ તેમાં નાચતાં નાચતાં એકાએક બેભાન થઇ જતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અન્ય બનાવમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં મહિલાનું પણ હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે મેહુલનગરના વૃધ્ધનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા-૨૨માં રહેતાં મનસુખભાઇ દેવશીભાઇ ચાવડા (ઉ.વ.૬૦) સાંજે છએક વાગ્યે મહાશિવરાત્રી નિમીતે જુની મામલતદાર કચેરી પાસેના મંદિરે દર્શન કરવા ગયા હતાં. જ્યાં ડીજે પર ધૂન વાગતી હોઇ તેઓ નાચવા માંડયા હતાં. એ પછી અચાનક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મનસુખભાઇ પીડબલ્યુડીમાં પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. બે મહિના બાદ વય મર્યાદાને કારણે નોકરીમાંથી નિવૃત થવાના હતાં. એ પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતાં અરૂણાબેન રવિભાઇ વ્યાસ (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ રાજકોટ જીમખાનામાં નોકરી કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ મેહુલનગર મેઇન રોડ પર રહેતાં જયંતભાઇ ગોવિંદભાઇ ખેરડીયા (ઉ.વ.૬૦)નું પણ હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ દરજી કામ કરતાં હતાં અને એક બહેન તથા બે ભાઇમાં બીજા હતાં.
(2:50 PM IST)










