<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં બુકાનીધારી ચોર ત્રાટક્‍યોઃ દાનપેટીઓ, રૂમમાંથી રોકડ ચોરી ગયો

ચોૈધરી હાઇસ્‍કૂલ સામે બનાવઃ બાજુના અવાવરૂ મકાનમાંથી રાતે સવા બે વાગ્‍યે ચોર ઘૂસ્‍યોઃ સીસીટીવીમાં દેખાયો ચોકીદાર મનસુખલાલ જાગી જતાં હાકલા પડકારા કરતાં ચોર તેના પર દાનપેટીનો ઘા કરી ભાગી ગયો : ત્રીકમ અને ધાબળો લઇને આવ્‍યો હતોઃ અગાઉ વ્‍હોરા સમાજના કબ્રસ્‍તાનમાં જે ચોર ઘુસ્‍યો તે પણ ત્રીકમ લઇને આવ્‍યો હતો

બુકાનીધારી ચોર દેરાસરમાં ત્રિકમ સાથે ઘુસ્‍યો હતો તે જોઇ શકાય છે. એક મંદિરમાં તેણે લાઇટ ચાલુ કરી મુકુટ સોનાનો છે કે કેમ? તેની ખાત્રી કરી હતી પછી લાઇટ બંધ કરી દરવાજો બંધ કરી દીધો હતો. બેખોફ બનીને તે દેરાસરમાં આટાફેરા કરી દાનપેટીઓ તોડી ચોરી કરીને જતો રહ્યો હતો

રાજકોટ તા. ૨૭: શહરેમાં ધર્મસ્‍થાનોમાં ચોરીના બનાવ અવાર-નવાર બની રહ્યા છે. તાજેતરમાં ભાવનગર રોડ પર પટેલ વાડી સામે દાઉદી વ્‍હોરા સમાજના કબ્રસ્‍તાનમાં ઘુસી મઝાર પાસે દૂઆ-બંદગી કર્યા બાદ ત્રીકમથી દાનપેટી તોડી રોકડ પરચુરણની ચોરી એક બુકાનીધારી ચોર કરી ગયો હતો. દરમિયાન હવે ધરમ સિનેમાથી આગળ ચોૈધરી હાઇસ્‍કૂલ સામે આવેલા શ્રીચિંતામણી પાર્શ્વનાથ જીનાલય (દેરાસર)માં ચોરીનો બનાવ બન્‍યો છે. રાતે  સવા બે વાગ્‍યા આસપાસ દેરાસરની બાજુના અવાવરૂ મકાનમાંથી બુકાનીધારી ચોર ત્રિકમ અને ધાબળા સાથે આવ્‍યો હતો. દાનપેટીઓ, પુજારીનો રૂમ, માતાજીની ડેરીના તાળા તોડી તે રોકડ-પરચુરણ ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. ચોકીદાર જાગી જતાં તેણે હાકલા પડકારા કરતાં ચોર ચોકીદાર પર દાનપેટીનો ઘા કરી ભાગી ગયો હતો. જાણવા મળ્‍યા મુજબ ચોૈધરી હાઇસ્‍કૂલ સામે આવેલા શ્રીચિંતામણી પાર્શ્વનાથ જીનાલયમાં ચોરી થયાની જાણ થતાં દર્શનાર્થીઓમાં ચકચાર મચી ગઇ હતી. ચોરીના બનાવની જાણ થતાં પ્રમુખ જીતુભાઇ દેસાઇ, ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી, સેક્રેટરી કિરીટભાઇ સંઘવી, કન્‍વીનર અરૂણભાઇ દોશી સહિતના દોડી ગયા હતાં. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં રાતે સવા બે વાગ્‍યા આસપાસ દેરાસરની બાજુમાં આવેલા જુના પડતર મકાનમાંથી એક બુકાનીધારી ચોર ઘુસ્‍યાનું જણાયું હતું. આ ચોર પોતાની સાથે ત્રિકમ અને ધાબળો લઇને આવ્‍યો હતો, મોઢે રૂમાલ બાંધેલો હતો. તેણે પહેલા તો આખા દેરાસરમાં આંટાફેરા કર્યા હતાં. બાદમાં અલગ અલ દાનપેટીઓ તોડી અને પુજારી વિષ્‍ણુભાઇનો રૂમના તાળા તોડયા હતાં. આ ઉપરાંત માતાજીની દેરીનું તાળુ તોડી નાંખ્‍યું હતું. તમામ દાનપેટીઓમાંથી આશરે પંદરેક હજારની રોકડ પરચુરણ મળતાં તેણે ચોરી લીધા હતાં. અવાજ થતાં ચોકીદાર મનસુખાલાલ જાગી જતાં તેણે હાકલા પડકારા કરતાં ચોર તેમના પર દાનપેટીનો ઘા કર્યો હતો, સામે મનસુખલાલે લાકડીનો ઘા કરતાં ચોર ભાગી ગયો હતો.

 આ બનાવ અંગે જો કે પોલીસને જાણ કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાવનગર રોડ પર વ્‍હોરા સમાજના કબ્રસ્‍તાનમાં ચોર ઘુસ્‍યો હતો તે પણ ત્રિકમ લઇને બુકાની બાંધીને આવ્‍યો હતો. તેણે મઝાર પાસે દૂઆ બંદગી કર્યા બાદ દાનપેટી તોડી ચોરી કરી હતી. ત્‍યાં અહિ દેરાસરમાં ઘુસેલા ચોર પાસે પણ ત્રિકમ હતું. આ બનાવે ચકચાર જગાવી છે.

(2:54 PM IST)