News of Thursday, 27th February 2025
‘અમે પ્રકાશના માણસો છીએ, તારા દિકરા રાજેશને કહેજે ૧૦ લાખ દઇ જાય' કહી વૃધ્ધાને પછાડી વાહનોમાં તોડફોડ
હોમગાર્ડ જવાનને માર મારી લૂંટ ચલાવનારાઓએ પહેલા ભગવતીપરા-ગણેશનગરમાં ધમાલ મચાવી હતીઃ ધરપકડ બાદ વધુ એક ગુનો નોંધાયો :ભગવતીપરામાં રહેતાં જુના ટાયરના વેપારી રાજેશભાઇ મકવાણાની ગાડીમાં તોડફોડ બાદ ગણેશનગરમાં રહેતાં તેના ભાઇ હિતેશભાઇ મકવાણાના ઘરે પથ્થરમારો કરી વૃધ્ધ માતાને ધમકાવ્યા'તાઃ બી-ડિવીઝન પોલીસે મોહિત સહિતના સામે અલગથી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૭: શહેરના પારેવડી ચોકથી ભગવતીપરા જવાના ઓવરબ્રીજ નીચે હોમગાર્ડ જવાનને ધમકી દઇ મારકુટ કરી રોકડ પડાવી લેવાના ગુનામાં ઝડપાયેલા ગણેશનગરના મોહિત ગોહેલ સહિત બે જણાએ આ ગુનો આચર્યો એ પહેલા રાતે દોઢેક વાગ્યે ભગવતીપરામાં જુના ટાયરના ધંધાર્થીની બોલેરોમાં પથ્થરમારો કરી બધા કાચ ફોડી નાંખી બાદમાં ગણેશનગરમાં રહેતાં આ વેપારીના ભાઇના ઘરે જઇ તેના ઘર બહાર પણ ટુવ્હીલરોમાં તોડફોડ કરી તેના વૃધ્ધ માતાને ધક્કો દઇ પછાડી દઇ ‘અમે પ્રકાશ સાગઠીયાના માણસો છીએ, તારા રાજેશને કહી દેજે ૧૦ લાખ આપી દે, નહિતર એ બહાર નીકળશે તો મારી નાખશું' તેવી ધમકી આપી ધમાલ મચાવી હતી. હોમગાર્ડ પર હુમલાના ગુનામાં રિમાન્ડ પુરા થતાં હવે મોહિત સહિત બંનેની આ નવા ગુનામાં ધરપકડની કાર્યવાહી થશે.
જાણવા મળ્યા મુજબ બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા-૧૬/૨૧ના ખુણે આહિ સમાજની વાડી પાસે ભાડેથી રહેતાં અને મોરબી રોડ ગણેશનગર-૪માં પણ મકાન ધરાવતાં રાજેશભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ડોન બનીને હોમગાર્ડ પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં પકડાયેલા ગણેશનગરના મોહિત ચમનભાઇ ગોહેલ તથા અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાજેશભાઇ મકવાણા કુવાડવા રોડ માલિયાસણ ગામે જુના ટાયર લે-વેંચનો ધંધો કરે. તેની પાસે માલિકીની બોલેરો જીજે૩૬વી-૫૯૮૧ છે. રાજેશભાઇએ જણાવ્યું હતું કે ૨૪/૧/૨૫ના હું મારા કામથી બહાર હતો અને રાતે દોઢેક વાગ્યે મારા ઘર પાછળ રહેતાં અમારા સગા બહેન લક્ષ્મીબેન મહેન્દ્રભાઇ ઝાલાએ મને ફોન કરી કહેલુ કે તમારી બોલેરોમાં બે શખ્સ છુટા પાણાના ઘા કરી તોડફોડ કરે છે, જેમાં એક શખ્સ ગણેશનગરમાં રહેતો મોહીત ચમનભાઇ ગોહેલ છે. આ શખ્સો ‘અમે પ્રકાશ સાગઠીયાના માણસો છીએ' એવું બોલી રહ્યા છે. લક્ષ્મીબેને આ વાત કરતાં હું તાત્કાલીક મારા ઘર પાસે પહોંચ્યો હતો.
અમારા ઘર પાસે આહિર સમાજની વાડી છે તેના ગેઇટ સામે ખાલી પ્લોટમાં સોસાયટીના લોકો વાહનો પાર્ક કરે છે, મારી બોલેરો પણ અહિ જ રાખી હતી. તેમાં બધા કાચ પથ્થર મારી તોડી નખાયેલા જોવા મળ્યા હતાં તેમજ બોનેટમાં પણ નુકસાની થઇ હતી. ત્રીસેક હજારની નુકસાની થયાનું જણાયું હતું. બાદમાં હું મારા બહેનના ઘરે જતાં તેણે મને કહેલુ કે પથ્થરના ઘા કરનારો મોહિત ગોહેલ ગણેશનગરમાં જ રહે છે. તેની સાથે એક બીજો શખ્સ પણ હતો. આ શખ્સે રાતે દોઢેક વાગ્યે વાહનોમાં નુકસાની કરી તેમજ મારા ઘરની ડેલીમાં પણ પથ્થરમારો કરી નુકસાન કર્યુ હતું.
આ ઉપરાં મારા માસીના દિકરા અમિતભાઇ વિરજીભાઇ ચાવડાના ઘર ઉપર પણ પથ્થરમારો કરી લેમ્પ, બાથરૂમના દરવાજામાં નુકસાન કર્યુ હતું. આ પછી આ બંને ત્યાંથી નીકળી ગણેશનગર-૪માં ક્રિષ્ના ડેરી પાસે પહોંચ્યા હતાં. જ્યાં મારા મોટાભાઇ હરેશભાઇ બચુભાઇ મકવાણાના ઘર પાસે તેણે પાર્ક કરહેલા એક્સેસ જીજે૦૨એમએન-૮૮૭૫માં, હોન્ડા નં. જીજે૦૩એલએચ-૦૮૩૨માં પથ્થર ફટકારી નુકસાન કર્યુ હતું. તેમજ ઘરની ડેલીમાં પણ છુટા ઘા મારતાં નુકસાની થઇ હતી. મારા માતા રાજીબેન (ઉ.વ.૭૫) જાગી જતાં મોહિતે ડેલી અંદર તેમને ધક્કો દઇ પછાડી દેતાં કોણીમાં ઇજા થઇ હતી. મોહિતે મારા માતાને પણ ગાળો દઇ કહેલું કે-તારા રાજેશને કહી દેજે અમે પ્રકાશ સાગઠીયાના માણસો છીએ, પ્રકાશને દસ લાખ રૂપિયા નહિ આપે તો તમારા બધા વાહનો તોડી નાખશુ, રાજેશ બહાર નીકળશે તો તેને પણ મારી નાખશું કહી ભાગી ગયા હતાં. ઉલ્લેખનિય છે કે આ બંનેએ ભગવતીપરા, ગણેશમાં ઉપરોક્ત ધમાલ મચાવી પછી પારેવડી ચોકથી ભગવતીપરા જવાના ઓવરબ્રીજ નીચે હોમગાર્ડ જવાન સાથે માથાકુટ કરી પોલીસને અહિ આવવું નહિ, હું ગણેશનગરનો ડોન મોહિત છું કહી માર મારી રોકડ પડાવી લીધી હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે મોહિત સહિત બે જણાને પકડી બી-ડિવીઝન પોલીસને સોંપતા આ બંનેએ આચરેલો અન્ય ગુનો પણ સામે આવતાં અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઇ એસ. એસ. રાણે અને ડી. સ્ટાફ ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૯)
(2:59 PM IST)










