News of Thursday, 27th February 2025
રાજકોટમાં ફોટાવાળી ચોકલેટ બનાવતા એકમાત્ર કલાકાર પૂજાબેન માણેક
૧૬ વર્ષથી પણ વધુ સમયથી હેન્ડીક્રાફટ આઇટમો અને ખાઇ શકાય તેવી ફોટાવાળી ચોકલેટ ઘરે બનાવવામાં છે માસ્ટરી : અંજીર અને ખજુરમાંથી સુગર ફ્રિ ચોકલેટ, રસમલાઇ ફજ ખુબ જ ફેમસ : ચોકલેટમાં કોઇજ પ્રિઝર્વેટીવ નાંખતા નથી કે એસન્સનો પણ ઉપયોગ કરતા નથી : ઓર્ડરથી ફ્રેશજ વસ્તુ બનાવી આપે છે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂજાબેન માણેક, જગદીશભાઇ માણેક અને ભાવિનભાઇ ખખ્ખર તસ્વીરમાં નજરે પડે છે
સાસુ લકવાગ્રસ્ત થઇ જતા સાસુની સેવા કરવા અને નાના બાળકો તથા ઘરનું ધ્યાન રાખવા બુટિક બંધ કરી ઘરેથી જ પૂજાબેને હસ્તકલા શરૂ કરી
અકિલાના મોભીની પણ ફોટો ચોકલેટ..
અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને તેમના ફોટા સાથે પૂજાબેન માણેકે અદભૂત ફોટો ચોકલેટ બનાવી આપી હતી. જેમ અમિતાભ બચ્ચનના ફોટા સાથે ચોકલેટ બનાવી હતી એજ રીતે અકિલાના મોભી પૂજય શ્રી કિરીટકાકાના ફોટા સાથેની ચોકલેટ પૂજાબેને બનાવી હતી. આ ચોકલેટની ખાસીયત એ છે કે, તેને ફોટા સાથે ખાઇ શકાય છે. ફોટામાં ચોખાના લોટ અને અમૂલનુ મટીરિયલ હોય છે. જેને ખાવાથી કોઇજ નુક્સાન થતુ નથી. આ ચોકલેટ બનાવતા એક થી દોઢ કલાક જેટલો સમય થાય છે. રાજકોટમાં એકમાત્ર પૂજાબેન ફોટો ચોકલેટ બનાવી જાણે છે.
અમિતાભ બચ્ચનને
દાઢે વળગી પૂજાબેને
બનાવેલ ફોટો ચોકલેટ
કૌન બનેગા કરોડપતી શો માં રાજકોટના પૂજાબેન માણેકે બનાવેલ ચોકલેટની નોંધ લેવાઇ હતી. પૂજાબેનના રાજકોટના સંબંધી તાજેતરમાં કેબીસીમાં ઓડિયન્સમા ગયા હતા. તેઓએ પૂજાબેન પાસે અમિતાભ બચ્ચનના ફોટાવાળી ચોકલેટ તૈયાર કરાવી. જે કસ્ટમાઇઝડ ફોટો ચોકલેટ બનાવી હતી તે અમિતાભ બચ્ચનને ભેટ આપતા તેઓ ખુશ થઇ ગયા હતા. તેમણે તે ચોકલેટ ખાધી અને ખુબ ભાવી હતી.
બીગબીએ ચોકલેટ બાબત તે પરિવાર સાથે અડધી કલાક વાત કરી હતી. ખુબ સરસ ફોટાવાળી ચોકલેટથી તેઓ પ્રભાવીત થયેલ અને આ કલા બદલ પૂજાબેનને અભિનંદન આપેલ. તેમની સાથે સેલ્ફી લઇ બહુમાન આપ્યુ હતુ. પૂજાબેન એડીબલ ફોટો ચોકલેટ ચોખાના લોટની સ્પેશ્યલ અને અમૂલના મટીરિયલ યુઝ કરી બનાવે છે.
રાજકોટ, તા.૨૬ : શૂન્યમાંથી સર્જન કરે તે કલાકાર. કલાકારો ઘણીવાર તેમના કાર્ય દ્વારા તેમની સર્જનાત્મકતા અને લાગણીઓને વ્યક્ત કરે છે. પછી તે કોઇપણ કલા હોય કલાકાર પોતાની કલાના સર્જનમાં વ્યસ્ત રહી સમાજને પોતાની કલાથી અનોખી ભેટ આપે છે. રાજકોટમાં આવાજ એક કલાકાર છે પૂજાબેન જયદીપભાઇ માણેક કે જેઓ ૧૬ વર્ષથી પણ વધુ સમયથી હેન્ડીક્રાફટ આઇટમો અને રાજકોટમાં એકમાત્ર ફોટાવાળી ચોકલેટ જે ખાઇ શકાય તેવી ઘરે બનાવે છે જેમાં તેમની માસ્ટરી છે.
પૂજાબેને અકિલા ખાતે પોતાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, હું હેન્ડીક્રાફટ આઇટમ્સ, દિવાળીના શુભ-લાભ, તોરણ, રંગોળી, પગલા, સાથિયા, છાબ ડેકોરેશન, રાખડી અને ચોકલેટ્સ આ બધુંજ મારા હાથે ઘરેજ બનાવું છુ. ચોકલેટમાં ફોટો ચોકલેટ મારી સ્પેશ્યાલિટી છે. ચોકલેટમાં ફોટો હોય તેને ખાય પણ શકાય છે જેને એડીબલ ફોટો ચોકલેટ કહેવાય છે. બધા ફોટો કેક બનાવતા હોય છે જયારે મારા પતિએ મને ફોટો ચોકલેટ બનાવવાનો વિચાર આપ્યો. જેથી મેં મારા બાળકોની ફોટો ચોકલેટ બનાવી જેનાથી મને બીજા લોકોનો પણ સારો પ્રતિભાવ મળ્યો. ફોટો ચોકલેટના ઓર્ડર મળવા લાગ્યા. ફોટો ચોકલેટમાં ઘણી બધી રેન્જ બનાવી. જેમકે અંજીર અને ખજુરમાંથી સુગર ફ્રિ ચોકલેટ, જેમાં ડ્રાયફ્રુટ-ઓટ્સ-સીડ્સ હોય, રસમલાઇ ફજ પણ મારી ખુબ ફેમસ છે. એટલે કે રસમલાઇ મીઠાઇનીજ ચોકલેટ બનાવું છુ. વિવિધ ડ્રાયફ્રુટમાંથી મિલ્કવાળી ચોકલેટ તૈયાર કરું છુ.
હેન્ડીફ્રાફટ અને ચોકલેટ બનાવવાનું શરૂ કરવાનો વિચાર કઇ રીતે આવ્યો? પૂજાબેન માણેક કહે છે, ૧૬ વર્ષ પહેલા હું મારૂ બુટિક ચલાવતી. એ વખતે મારા બાળકો નાના, મારા સસરા ડાયાલીસીસ પર હતા અને મારા સાસુ લકવાગ્રસ્ત થઇ જતા તેમનું ધ્યાન રાખવા અને નાના બાળકો માટે થઇ ઘર સંભાળવા બુટિક બંધ કર્યું. ઘરની બહાર જવાનું શક્ય નહોય ઘરે રહી હેન્ડીફ્રાફટ આઇટમો અને ફોટો ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું. લોકોના ઓર્ડર આવવા લાગ્યા. જેથી ચોકલેટમાં ફજ, ડેરીમિલ્ક બાઇટ્સ, સુગર ફ્રિ અને હવે ગ્લુટન ફ્રિ અને કેક પણ ઘરે બનાવું છુ. સાથે સાથે ઘરે રહી ડેકોરેશનનું કામ પણ વધાર્યું.
આ ફોટો ચોકલેટ બર્થડે ગિફટ, રીટર્ન ગીફટ અને સ્પોન્સર તરીકે લોકો લઇ જાય છે. રાજકોટમાં ચાલતા લેડીઝ ક્લબમાં પૂજાબેન છેલ્લા ત્રણ વર્ષથી જજ તરીકે પણ સેવા આપી રહ્યા છે. ચોકલેટ સ્પર્ધા, ડેકોરેશન સ્પર્ધામાં તેઓ નિર્ણાયક તરીકે ફરજ બજાવે છે. તેઓ બાળકો અને ગૃહીણીઓ માટેની સ્પર્ધાઓમાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી ચુકયા છે. ચીફ ગેસ્ટ તરીકે પણ અનેક કાર્યક્રમોમાં જાય છે. અનેકવાર પૂજાબેનની કલામાટે સન્માન મળી ચુક્યા છે. કરૂણા ફાઉન્ડેશન તરફથી તેમને વુમન એમ્પાવરનું પ્રમાણપત્ર પણ મળ્યું છે.
પૂજાબેન એકલાહાથે ઘરમાંજ હેન્ડીક્રાફટ ડેકોરેશન અને ફોટો ચોકલેટનું કાર્ય કરે છે. ઘરના કામ પતાવી સવારે ૧૦ થી ૧ તેઓ તેમની કલાને ફાળવે છે. પૂજાબેનના માતા ઇન્દુબેન ખખ્ખર પાસેથી તેઓ ડેકોરેશનનું કામ અને ચોકલેટ બનાવતા શિખ્યા. પૂજાબેન ડેકોરેશનમાં સગાઇ, લગ્નમાં નામવાળી-ફોટોવાળી છાબ ડેકોરેશન, પર્સનલાઇઝ ફોટાવાળી ટ્રે, ફોટોવાળી એન્ગેજમેન્ટ ટ્રે, ડ્રાયફ્રુટ ઢિંગલી, ચોકલેટ ઢિંગલી વગેરે ઓર્ડર મુજબ બનાવી આપે છે. ઘઉં અને મેંદો વિના ગ્લુટન ફ્રિ રેન્જ અને સુગર ફ્રિ કપ કેક, મિક્સ સીડ્સ નવી વેરાઇટી પણ બનાવી રહ્યા છે. ડેકોરેશનની વસ્તુઓ દિવાળી સમયે અમેરિકા એક્સપોર્ટ પણ કરે છે. પૂજાબેન ચોકલેટનું તમામ મટીરીયલ શુધ્ધ ઉપયોગ કરે છે. કોઇજ પ્રિઝર્વેટીવ નાંખતા નથી કે એસન્સનો પણ ઉપયોગ કરતા નથી. ઓર્ડરથી ફ્રેશજ વસ્તુ બનાવી આપે છે. ચોકલેટ એક અઠવાડિયું એકદમ ફ્રેશ રહે છે.
પૂ. મોરારીબાપુની શ્રીરામ કથા મહુવામાં હતી ત્યારે આરતીની થાળી બનાવવાનું કામ પૂજાબેન માણેકે કર્યું હતું. એક ડઝન આરતીની થાળી બનાવી હતી. પૂજાબેન કસ્ટમાઇઝડ ફોટો ચોકલેટ ઉપરાંત શ્રીનાથજી બાવાની ધજાનો શણગાર, લગ્નની છાબનું ડેકોરેશન, કસ્ટમાઇઝડ રાખડી, દીવાળી ડેકોરેશન જેવી અનેક હેન્ડીક્રાફટ વેરાઇટી બનાવે છે. શ્રીનાથજીની ધજાજી શણગાર, પીછવાઇ, આરતીની થાળી ડેકોરેશનની ઘણી જગ્યાએ તેઓ સેવા પણ કરે છે. પૂજાબેનના પતિ જયદીપભાઇ માણેકને અમૂલ અને નેસ્લેની એજન્સી છે. તેમના બે બાળકો કુશલ ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે જયારે અદિતી ચોથા ધોરણમાં ભણે છે. પૂજાબેન માણેક રાજકોટના જાણીતા શિવ સ્ટુડીયોના સંચાલક ભાવિનભાઇ ખખ્ખરના મોટાબેન થાય છે. પૂજાબેન માણેક દ્વારા બનાવેલ અદભૂત ડેકોરેશન અને હેન્ડીક્રાફટની વસ્તુઓ તેમજ રાજકોટની સૌપ્રથમ ટેસ્ટી ફોટો ચોકલેટની લાજવાબ વેરાઇટી અચૂલ માણવા જેવી અને લાભ લેવા જેવી છે. pooja creation (યુટ્યુબ), pooja_creation_india (ઇન્સ્ટાગ્રામ), pooja manek (ફેઇસબુક), pooja creations (પીન્ટરેસ્ટ) પેઇજ પર તેમની વિગતો જાણી શકાય છે. વધુ વિગત માટે પૂજાબેન માણેકનો ૯૪૨૭૬૩૦૩૭૭ પર સંપર્ક કરી શકાય છે.
બાળકો માટે વર્કશોપ પણ કરે છે પૂજાબેન..
આર્ટીસ્ટ પૂજાબેન માણેક પોતાની કલા બાળકોને પણ શિખવે છે. ગેસ ચાલુ કર્યા વિના છોકરાવને રેસીપી શિખવવી હોય તે માટે પૂજાબેને ખાસ વર્કશોપ ‘નો ફાયર' વર્કશોપ કર્યો હતો. જેના માટે તેમનું સન્માન પણ થયું હતું. ગ્લુટન ફ્રિ કેક બનાવતા શિખવી હતી. તેમણે અત્યાર સુધીમાં ૮ થી ૯ વર્કશોપ કર્યા છે. જો કોઇ આમંત્રણ આપે તો પૂજાબેન વર્કશોપ કરવા જાય પણ છે. દિવાળીની થાળી, દિવડા, જાર વાળી કેન્ડલ, રાખડી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા પૂજાબેન બાળકોને શિખવે છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને એ પણ લોટના બનાવતા શિખવે છે. જેથી ઘણીવખત છોકરાવ માટી મોઢામાં નાંખી દે તો નુક્સાન થાય જયારે લોટના ગણપતિ બનાવતા શિખવે છે જેથી મોઢામાં જાય તો નુક્સાન ન થાય. તેમાં હળદર, કંકુનો ઉપયોગ કરે છે.
(3:25 PM IST)










