News of Thursday, 27th February 2025
યાત્રાની બસ લઇ માતા સાથે પ્રયાગ ગયેલા નવાગામના ૨૬ વર્ષના રાજેશનું કુંભ સ્નાન બાદ હૃદય બેસી ગયું
નવાગામ આણંદપરના બેબીબેન મકવાણા ૩૨ યાત્રાળુઓની બસ લઇને ગયા હતાં: યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીનીઃ કુટુંબીજનો, સ્વજનોએ પ્રયાગરાજ ખાતે પહોંચી ત્યાં જ અંતિમવિધી કરી

રાજકોટ તા. ૨૭: કાળા માથાના માનવીની જિંદગીની સફર ક્યાં ક્યારે અને કેવી રીતે સમાપ્ત થઇ જાય તે નક્કી હોતું નથી. રાજકોટના નવાગામ આણંદપરથી માતા સાથે યાત્રાની બસ લઇ કુંભ સ્નાન કરવા ગયેલા ૨૬ વર્ષના યુવાનનું ગઇકાલે કુંભ સ્નાન કર્યા બાદ હૃદય બેસી જવાથી મૃત્યુ નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. બાકીના સ્વજનો તાબડબોત ખાનગી વાહન મારફત પ્રયાગરાજ પહોંચ્યા હતાં અને ત્યાં જ અંતિમવિધી કરી હતી.
જાણવા મળ્યા મુજબ નવાગામ આણંદપર શેરી નં. ૨માં રહેતાં બેબીબેન બાબુભાઇ બાબરીયા ધાર્મિક યાત્રાઓની બસ કાઢતાં હોઇ બે દિવસ પહેલા તેઓ નવાગામથી ૩૨ યાત્રાળુઓની બસ લઇને પ્રયાગરાજ ખાતે કુંભ સ્નાન કરવા રવાના થયા હતાં. સાથે તેમનો દિકરો રાજેશભાઇ (ઉ.વ.૨૬) પણ જોડાયો હતો. ગઇકાલે સાંજે બધાએ કુંભ સ્નાન કર્યુ હતું. સ્નાન કર્યા બાદ બહાર નીકળતાં જ રાજેશભાઇ એકાએક બેહોશ થઇ ઢળી પડયો હતો. તેને નજીકના ટેન્ટમાં સારવાર માટે લઇ જવાયેલ. પણ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં રાજકોટથી અન્ય કુટુંબીજનો, પરિવારજનો ખાનગી વાહન ભાડે કરી તુરત પ્રયાગરાજ પહોંચવા રવાના થયા હતાં. આજે પ્રયાગરાજ ખાતે જ રાજેશભાઇની અંતિમવિધી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઇ ત્રણ ભાઇમાં બીજો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. આ બનાવથી પરિવારમાં અને યાત્રામાં સામેલ થયેલા લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૧૨)
(4:20 PM IST)










