News of Thursday, 27th February 2025
હોમી દસ્તુર માર્ગ સામેના અંડરપાસનું કામ કાચબા ગતીએઃ માત્ર ખોખુ તૈયાર
૨૦૨૩માં આ નાલુ બનાવવા કામનો પ્રારંભ થયેલઃ હવે ૪.૧૮ કરોડના ખર્ચે બનશેઃ બન્ને સાઇડ એપ્રોચ કામ બાકીઃ બે-ત્રણ મહિના બાદ ખુલવાની શકયતા

બે વર્ષે પણ કામ અધુરૂ....:શહેરના યાજ્ઞીક રોડની ડો.હોમી દસ્તુર માર્ગથી ટાગોર માર્ગ સામેના અંડરપાસ બનાવવા વર્ષ ૨૦૨૩માં કામનો પ્રારંભ થયો હતો. બે વર્ષ જેટલા સમયાં માત્ર આ નાલાના બોકસ તૈયાર થયા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (ત.અશોક બગથરીયા) (૨.૨૫)
રાજકોટ તા.૨૭ : શહેરના યાજ્ઞીક રોડથી ડો. હોમી દસ્તુર માર્ગથી ટાગોર માર્ગ સામે ૪.૧૮ કરોડના ખર્ચે કાચબા ગતીએ ચાલતા અન્ડરપાસ કામના બન્ને બોક્ષ ફીટ થયા છે. આ નાલુ હવે ટુંક સમયમાં ખુલવાની શકયતા જોવા મળી રહી છે.
શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સતત પ્રયત્નશીલ છે. આ માટે રેલવે ટ્રેક સુધીના એપ્રોચ રોડ પર વધુ એક અન્ડરપાસ બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોના ભાગરૂપે ગત૨૦૨૩માં અન્ય મુદ્દાઓની સાથે શહેરની ટ્રાફિકની સરળતા માટે હયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં ડો. હોમી દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવેલ.
મહાનગરપાલિકા દ્વારા આ અંગેનુ આયોજન કરી પ્રાથમિક મંજુરી માટે તા. ૪ માર્ચ ૨૦૨૩ ના રોજ રેલવે વિભાગની મંજુરી માંગવામાં આવેલ, અને જરૂરી પ્રશ્નોની ચર્ચા અને સંકલન માટે તા.૧૭ માર્ચ ૨૦૨૩ ના રોજ બંન્ને વિભાગોની સંયુક્ત મીટિંગ મળેલ. ત્યારબાદ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયાસોથી રેલવે વિભાગ દ્વારા ઉક્ત પ્રોજેક્ટને પ્રાથમિક મંજુરી મળી ગયેલ છે, જેમાં રૂ.ર.૮ કરોડની અંદાજીત ખર્ચની રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગને ચુકવવામાં આવી હતી. ત્યારબાદ આ કામે રેલ્વે વિભાગ દ્વારા મનપામાં ફરી ર કરોડ ખર્ચ વધુ હોવાનું જણાવેલ તે પણ મનપા તંત્ર દ્વારા ભરવામાં આવ્યા બાદ ઘણા સમયથી બંધ નાલાનું કામ ફરી રેલ્વે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું.
હવે આજની પરીસ્થીતીએ બન્ને નાલા બન્યા છે અને એપ્રોચ રોડનુ કામ બાકી હોય આગામી ૨-૩ મહિનામાં આ નાલુ ખુલ્લાવાની શકયતા જોવા મળી રહી છે.
આ કામ અંતર્ગત ૨.૫ મીટર ઉંચાઇ, ૪-૪ મીટરના બે ગાળા અને ૧૮ મીટર લંબાઇ ધરાવતો અન્ડરપાસ એ.વી.પી.ટી. દિવાલ દસ્તુર માર્ગની સામે હયાત એસ્ટ્રોન નાલા પાસે બનાવવામાં આવશે, સાથોસાથ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજની હોસ્ટેલ તરફની દિવાલ કાઢી, રસ્તો પણ પહોળો કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.(૨.૨૫)
અન્ડરપાસ કેવો બનશે : ટેકનીકલ માહિતી
૨.૫ મીટર ઉંચાઇ
૪-૪ મીટરના બે ગાળા
૧૮ મીટર લંબાઇ
(4:10 PM IST)










