તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
કેન્દ્રીય બજેટ વિકાસનો રોડ મેપ અને વિકસિત ભારતનું વિઝનઃ માંડવીયા
એક્ષપોર્ટ અને પાસપોર્ટ વધુ મજબુત બનશેઃ રાજકોટમાં બજેટનું મહત્વ વર્ણવતા કેન્દ્રીય મંત્રી : મોંઘવારી ઘટાડનારૂ બજેટઃ અનઅધિકૃત નાગરિકોને દુર કરવાનો જે તે દેશનો અધિકારઃ ૨૦૩૬માં ઓલોમ્પિક ભારતમાં થાય તેવા પ્રયાસો

રાજકોટ ખાતે આજે સવારે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે સ્થાનિક આગેવાનો પરસોતમ રૂપાલા, રામભાઇ મોકરિયા, નયનાબેન પેઢડિયા, દર્શિતાબેન શાહ, મુકેશ દોશી, રાજુભાઇ ધ્રુવ, મોહનભાઇ કુંડારિયા, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલિયા, પ્રદીપ ડવ, મયુર શાહ વગેરે ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૧૯)
રાજકોટ તા.૧: ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા પ્રવૃતિઓ અને રમત-ગમત વિભાગના મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ આ વખતના કેન્દ્રીય બજેટને ૧ વર્ષના વિકાસનો રોડમેપ અને લાંબા ગાળાનું (વિકસિત ભારત) વિઝન ગણાવેલ છે. તેમણે અમેરિકાથી અનઅધિકૃત ગુજરાતીઓને પરત મોકલી દેવાના ટ્રમ્પના પગલાને તે દેશની વ્યુહરચના અને અધિકાર ગણાવી તેના પર વધુ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું. ૨૦૩૬માં વૈશ્વિક સ્તરને ઓલોમ્પિક ભારતમાં યોજવા દરખાસ્ત અને માળખાકીય સુવિધાની શરૂઆત કરી દેવામાં આવ્યાનું જણાવ્યું હતું. તેમના મતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ એકધારો વિકાસ માર્ગે આગળ વધી રહયાનું ઉમેર્યું હતું.
ભાજપના વિભાગય પ્રવકતા રાજુભાઇ ધ્રુવે સ્વાગત પ્રવચન કર્યા બાદ કેન્દ્રીય મંત્રીએ બજેટના લાભનું વર્ણન કર્યું હતું.
શ્રી મનસુખ માંડવિયાએ પત્રકારોને જણાવેલ કે દેશમાં એક સમય હતો કે જયારે બજેટમાં માત્ર જાહેરાતો થતી પણ અમલનો પ્રશ્ન રહેતો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસકામાં બદલાવ આવ્યો છે. હવે બજેટ માત્ર ઘોષણાપાત્ર નહિ પણ ૧ વર્ષના વિકાસનો રોડમેપ અને વિકસીત ભારત માટેનું લાંબા ગાળાનું વિઝન છે. ૨૦૧૪માં ભારત સરકારનું બજેટ ૧૭ લાખ કરોડ હતુ તે ૨૦૨૪માં ૫૦ લાખ કરોડે પહોંચ્યું છે. ૨૦૪૭ના વર્ષ સુધીમાં વિકસીત ભારતને ઘડનારુ બજેટ છે. ૧ વર્ષનો વિકાસનો રોડમેપ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકાસનો દ્રષ્ટિકોણ છે. દર વર્ષે આંતરમાળખાકીય સુવિધા વધારવા માટે ૧૫ લાખ કરોડ રૂપિયા ખર્ચાનો એક્ષપોર્ટ અને પાસપોર્ટ મજબુત બનશે.
કેન્દ્રીય મંત્રીએ કહયું કે શ્રી રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે દેશને ૨૧મી સદીમાં લઇ જવાની વાત કરેલ પણ માત્ર વાત થઇ, તેને અનુરૂપ આયોજન ન થયું. અમારી સરકાર જે જાહેરાત કરે છે તેને અનુરૂ, આયોજન કરે છે. ૧૨ લાખ સુધી આવકવુેરામાં મુકિત આપવામાં આવી છે. તેનાથી મધ્યમવર્ગને દર વર્ષે રૂા૧.૨૦ લાખની બચત થશે. તે બાબત મોંધવારી સામે રાહતરૂપ બનશે. નવા ભારતનું નિર્માણ થઇ રહયું છે.
શ્રી માંડવિયાએ ગુજરાત સરકારના બજેટને પણ વિકાસલક્ષી ગણાવી માધવપુર ઘેડ પંથકમાં ચોમાસામાં પુરથી સર્જતી પરિસ્થિતિનું નિવારણ લાવવા ૧૫૦૦ કરોડની જોગવાઇને આવકારી છે.
એઇમ્સ પૂર્ણ રીતે કાર્યરત થતા પાંચ વર્ષ લાગશે
રાજકોટ તા.૧: શહેરની ભાગોળે આરોગ્ય ક્ષેત્રની અદ્યતન એઇમ્સનું ઉદઘાટન થઇ ગયું છે. એઇમ્સને અનુરૂપ સુવિધા કયારે મળશે? તેવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પત્રકારોને જણાવેલ કે સામાન્ય રીતે એઇમ્સને પૂર્ણ રીતે કાર્યરત થતા (મોટી સર્જરી સહિત) પાંચ વર્ષ જેટલો સમય લાગતો હોય છે. તે મુજબ તબક્કાવાર સુવિધા વધતી જશે.(૨.૧૯)
(11:39 AM IST)










