તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
પરસાણાનગરમાં રેલ્વેની પાણીની લાઇન લીકેજઃ ઉનાળામાં ચોમાસાનો ઘાટઃ મચ્છરનો ભારે ઉપદ્રવઃ કોંગ્રેસ
તુરંત લાઇન રિપેર કરાવવા રેલ્વેના ડીઆરએમ- મ્યુ.કમિશનરને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની રજુઆત

રાજકોટ તા.૧: શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વર્તાય રહયો છે. મનપા દ્વારા મશીન અને ડ્રોન દ્વારા દવા છંટકાવ કરાઇ રહયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પરસાણાનગર વિસ્તારમાં પાણીની લીકેજ લાઇન અંગે રેલ્વે અને મનપામાં રજુઆત કરાઇ છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ પરસાણાનગર ૭ રેલવે ટ્રેકની પાછળ રેલવેની હદમાંથી રેલવની ઘોર બેદરકારી અને લાપરવાહીને પગલે ડ્રેનેજની લાઇન તૂટી હોય કે અન્ય કોઈ પાણીની પાઇપલાઇન તૂટી હોવાને પગલે રેલવે વિસ્તારનું નીકળી રહેલ ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે અને લાંબા સમયથી આ પાણીને પગલે ભર ઉનાળે હાલ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંદા પાણીને હિસાબે બિનજરૂરી કાંટાળી વનસ્પતિ ઉગી નીકળી છે. પરસાણા નગર ના રહેવાસીઓની ફરિયાદ છે કે આ ઠેક ઠેકાણે તળાવ જેવા ભરાયેલા આ ગંદા પાણી ડંકીમાં પણ ઘૂસી ગયા છે. હાલ આ પાણીને પગલે મચ્છરનું આક્રમણ વધી ગયું છે અને ગંધાતા ગંદા પાણીના પગલે સમગ્ર પરસાણાનગર વિસ્તાર મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે. જીવજંતુ અને મચ્છરોની ત્રાસદાયક સમસ્યા ઊભી થઈ છે અને રોગચાળો ફાટી નીકળે એ પહેલા રાજકોટ મહાનગરપાલિકા અને રેલવેના તંત્રને જગાડવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવેના ડીઆરએમ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને ગંદા પાણી નીકળે છે તે બાબતે તાત્કાલિક મરામત કરી યોગ્ય કરવા ટેલીફોનિક અને લેખિત રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરવામાં આવી છે.(૨.૨૮)
(3:51 PM IST)










