તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
સગીરાને નેપાળ લઇ જાય એ પહેલા સાહિલ ઉર્ફ શાયર ઝડપાયોઃ તેનો કુટુંબી સમીર સંઘાર પણ બીજી અપહૃત સગીરા સાથે હતો!
રાજકોટથી સગીરાને ભગાડયા બાદ બિન્દાસ્ત સોશિયલ મિડીયામાં વિડીયો વહેતા કરી પોતે નિર્દોષ હોવાના ગાણા ગાતો હતો પ્ર.નગર પીઆઇ વસાવા, પીએસઆઇ બેલીમની ટીમ પેગેરૂ શોધતી યુપીની ગોરખપુર બોર્ડરે પહોંચી ત્યારે સાહિલની સાથે તેનો કુટુંબી સમીર સંઘાર પણ મળ્યોઃ બાલાચડીના સમીર વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ગુનો દાખલ થયો હતો પોલીસે ઝડપી લીધેલા સમીર અલીભાઇ સંઘાર અને શાયર ઉર્ફ સાહિલ અકબરભાઇ સંઘાર નજરે પડે છે ભોગ બનનારને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છેઃ બળાત્કાર, પોક્સોનો ગુનો નોંધાયોઃ સાહિલને મદદ કરનાર શખ્સનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છેઃ એસીપી રાધિકા ભારાઇ

રાજકોટ તા. ૩: શહેરના એક વિસ્તારમાંથી ૧૫ વર્ષની સગીરાને રેલનગર વિસ્તારમાં ભાડેથી રહેતો વિધર્મી શખ્સ સાહીલ ઉર્ફ શાયર અકબરભાઇ સંઘાર (ઉ.વ.૨૨) અપહરણ કરી ભગાડી જતાં પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ શખ્સ સગીરાને લઇ છેક યુપીની નેપાળ બોર્ડર સુધી પહોંચી ગયો હોઇ અને ત્યાંથી નેપાળ ભાગી જવાની પેરવીમાં હોઇ પગેરૂ દબાવતી પોલીસની ટીમે ત્યાંથી તેને દબોચી લીધો હતો. સાથે સાથે થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલા અન્ય સગીરાના અપહરણનો આરોપી એવો સાહિલનો કુટુંબી ભાઇ જોડીયાના બાલાચડીમાં રહેતો સમીર અલીભાઇ સંઘાર (ઉ.વ.૨૩) પણ બીજી સગીરા સાથે ઝડપાયો હતો. આ બંનેએ બે સગીરાને ઉઠાવી હતી અને નેપાળ ભાગી જવાની પેરવીમાં હતાં.
શહેરમાં રાજકોટના એક વિસ્તારમાંથી વિધર્મી શખ્સ સગીરાનું અપહરણ કરી ગયાની સગીરાની માતાની ફરિયાદ બાદ સગીરા અને શખ્સે આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ કર્યો હતો. બનાવને પગલે પ્ર.નગર પોલીસે માહિતીને આધારે સગીરાનું અપહરણ કરી નાસી જનાર પડધરીના શખ્સ સાથે તેના પિતરાઇ ભાઇને પણ પકડી લઇ બે સગીરાને મુક્ત કરાવી રાજકોટ લાવી બન્નેની ધરપકડ કરી આરોપી સામે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મુજબ રાજકોટના એક વિસ્તારમાંથી સગીરાનું મુળ પડધરીનો હાલ રાજકોટ રેલનગર શ્રીનાથજી ચોક કર્ણાવતી સ્કૂલ પાસે રમેશભાઇના મકાનમાં ભાડેથી રહેતો શાયર ઉર્ફ સાહિલ સંઘાર અપહરણ કરી ગયો હતો. સગીરાની માતાએ આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં તેના સગીરાના મામા સાથે કામ કરતો શખ્સ સાહિલ ઉર્ફ શાયર અવારનવાર ઘેર આવતો હોઇ પરિચય થયો હતો. બાદમાં ઘેરથી નીકળી સગીરાએ હું સાહિલ સાથે ખુશ છું તેવો માતાને ફોનમાં મેસેજ કર્યો હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
એક તરફ પોલીસ સાહિલને શોધી રહી હતી તો બીજી તરફ તે વિડીયો વહેતા કરતો હતો. જેમાં સગીરા પણ પોતે જાતે જ ગયાનું કહેતી હતી. જો કે પ્ર.નગર પોલીસની ટીમ પગેરૂ દબાવતી છેક યુપીના ગોરખપુર નજીક નેપાળ બોર્ડર પાસે પહોંચી હતી અને શાયર ઉર્ફ સાહિલ સંઘારને દબોચી સગીરાને મુક્ત કરાવી હતી. સાહિલ સાથે તેનો કુટુંબી ભાઇ સમીર સંઘાર પણ હતો. તે બાલાચડીનો વતની છે તેની સાથે થોરાળા વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરા હતી. આ મામલે થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો હતો. બંને કુટુંબી ભાઇ એવા સાહિલ ઉર્ફ શાયર અને સમીર સંઘારે રાજકોટની બે સગીરાને ફસાવી હતી અને અપહરણ કરી લીધું હતું. આ બંનેને આ બંને ભાઇઓ નેપાળ તરફ લઇ જવાની પેરવીમાં હતાં. ત્યાં સાહિલના કોઇ સગા રહેતા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
અપહરણની સાથે દૂષ્કર્મની કલમ ઉમેરવા તજવીજ થઇ રહી છે. સમીર સંઘારને બી-ડિવીઝન પોલીસને સોંપાયો છે. જ્યારે સાહિલ ઉર્ફ શાયરની પ્ર.નગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ, એએસઆઇ દિનેશભાઇ ખાંભલા, એએસઆઇ શીતલબેન ઝોરા, હેડકોન્સ. જયંતિભાઇ વાવડીયા, કોન્સ. મયુરરાજસિંહ જાડેજા, કોન્સ. ચાંપરાજભાઇ ખવડ, રીયાઝભાઇ ભીપોત્રા, કોન્સ. રવિભાઇ ચાવડા, વનરાજભાઇ બોરીચા, તોૈફિકભાઇ મંધરાએ આ કામગીરી કરી હતી.
ઉલ્લેખનિય છે કે શાયર ઉર્ફ સાહિલ સગીરાને ભગાડી ગયા પછી તેણે સગીરાની માતા, મામા સહિતના વિરૂધ્ધ આક્ષેપો કરતો વિડીયો વહેતો કર્યો હતો, એટલુ જ નહિ ખુદ સગીરાએ પણ પોતાની માતા વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. આ વચ્ચે સાહિલ ઉર્ફ શાયરને એક પ્રેમિકા પણ મિડીયા સામે આવી હતી અને પોતાને પણ શાયરે ફસાવી શોષણ કર્યાના આક્ષેપો કર્યા હતાં. દરમિયાન તે ચોૈદ વર્ષની સગીરા સાથે નેપાળ બોર્ડરથી પકડાઇ ગયો હતો.
એસીપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે હાલ ભોગ બનનાર બાળાને નારી સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી છે અને આ ગુનામાં પોક્સો, બળાત્કારની કલમનો ઉમેરો કરાયો છે. સાહિલ ઉર્ફ શાયરને મદદ કરનાર શખ્સની પણ શોધખોળ થઇ રહી છે
(3:59 PM IST)










