<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જ્ઞાનપ્રકાશ વિરપુર આવીને માફી ન માંગે તો જલદ આંદોલનઃ રાજુભાઇ પોબારૂ-ડો. નિશાંત ચોટાઇ

પૂ. જલારામ બાપા વિશે બફાટ કરનાર સામે રાજકોટ લોહાણા મહાજન આકરા પાણીએ આવા લંપટ-વિકૃત મનોવૃતિવાળા તત્‍વોને કારણે સમગ્ર સ્‍વામીનારાયણ સંપ્રદાય બદનામ થતો હોવાનું આગેવાનોએ જણાવ્‍યું: બુધ્‍ધિનું પ્રદર્શન કરનાર સદંતર અજ્ઞાની જ્ઞાનપ્રકાશને સ્‍વામીનારાયણનો સાધુ કોને બનાવી દીધો? તેવો પણ અણીયારો સવાલ સમાજમાં ઉઠી રહ્યો છે

 

રાજકોટ, તા. ૪: વિશ્વ વંદનીય પૂજ્‍ય શ્રી જલારામ બાપા વિશે મનઘડત સ્‍ટોરી બનાવનાર સ્‍વામિનારાયણ સંપ્રદાયનો સ્‍વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવી પૂજય જલારામ બાપાની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં જલદ આંદોલનાત્‍મક પગલાં લેવા રાજકોટ લોહાણા મહાજને એલાન કર્યું છે.

આ અંગે વિશ્વના સૌથી મોટા શ્રી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ તથા કારોબારી પ્રમુખ શ્રી નિશાંતભાઈ ચોટાઈએ એક સંયુક્‍ત નિવેદનમાં જાહેર કર્યું છે કે, સુરતના અમરોલી ખાતે આવેલ સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍વામી જ્ઞાનપ્રકાશએ તાજેતરમાં એક સભામાં પૂજ્‍ય જલારામબાપાનું સદાવ્રત ગુણાતીતાનંદ સ્‍વામીના આશીર્વાદથી ચાલતું હોવાની સદંતર વાહિયાત વાત ઊભી કરી સમાજને ગેરમાર્ગે દોરવાનો નિરર્થક પ્રયત્‍ન કરેલ હોઈ એવા સંજોગમાં પૂજ્‍ય બાપા વિશે આવા વાણી વિલાસ સબબ જ્ઞાનપ્રકાશ તાત્‍કાલિક વીરપુર આવી પૂજય જલારામ બાપાની માફી નહીં માંગે તો રાજકોટ લોહાણા મહાજન આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે.

વિશેષમાં પોબારૂ - ચોટાઈએ એવું પણ જણાવેલ છે કે, આવા સદંતર અજ્ઞાની અને વિકળત મનોવળત્તિ ધરાવતી વ્‍યક્‍તિને સ્‍વામી નારાયણ સંપ્રદાયનો સાધુ કોણે બનાવ્‍યો એ પણ સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે ચિંતનનો વિષય છે. આવા લંપટ સ્‍વામીઓ ના કારણે સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાયને બદનામી વ્‍હોરવી પડે છે જે અત્‍યંત દુઃખદ છે.

તદ્‌ઉપરાંત પોબારૂ - ચોટાઈએ એમ પણ જણાવ્‍યું છે કે પૂજ્‍ય જલારામબાપા એ માત્ર લોહાણા જ્ઞાતિ જ નહીં પણ તમામ જ્ઞાતિ તથા ધર્મના લોકોમાં પૂજનીય છે ત્‍યારે આવા ધુતારા સ્‍વામી જ્ઞાનપ્રકાશના પૂજ્‍ય બાપા વિશેના લવારા સમાજ કોઈપણ સંજોગોમાં સહન નહીં કરી શકે.

અંતમાં રાજુભાઈ પોબારૂ અને ડો. નિશાંતભાઈ ચોટાઈએ જણાવ્‍યું છે કે, વીરપુર પૂજય જલારામબાપાના પરિવાર વતી જે કઈ નિર્ણય આ સંદર્ભે લેવામાં આવશે એમાં પણ રાજકોટ લોહાણા મહાજન પૂજય બાપાનો આદેશ સમજી અગ્ર ભાગ ભજવશે અને જો જ્ઞાનપ્રકાશ વીરપુર આવી પૂજય બાપાની માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં રાજકોટ લોહાણા મહાજન તમામ જ્ઞાતિના જલારામ ભક્‍તોને સાથે રાખી જલદ આંદોલન કરશે.

(11:43 AM IST)