<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રાજકોટમાં પેઢી ધરાવતાં રંગપરના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી અમદાવાદી શખ્‍સનો ૨૦.૧૭ લાખનો ધુંબો

રાજકોટના ૧૫૦ રીંગ રોડ આસ્‍થા એન્‍કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતાં વેપારીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અમદાવાદના શખ્‍સ વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ કરીઃ શરૂઆતમાં નાણા ચુકવી વિશ્વાસ જીત્‍યો, છેલ્લે જુનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી ભાગી ગયો

રાજકોટ તા. ૪: છેતરપીંડીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. પડધરીના રંગપર ગામે રહેતાં અને રાજકોટમાં ભાગીદારીમાં સોપારી તથા ઘરઘંટીનો વેપાર કરતાં યુવાન સાથે અમદાવાદનો શખ્‍સ વિશ્વાસ કેળવી જથ્‍થાબંધ સોપારી અને ઘરઘંટીનો માલ રૂા. ૨૩,૯૮,૩૪૫નો ખરીદી ગયા બાદ કટકે કટકે ૩,૩૧,૧૫૦ ચુકવી બાકીના ૨૦,૬૭,૧૯૫ ન ચુકવી ફોન બંધ કરી તેમજ જુનાગઢ, સુરતની ઓફિસો બંધ કરી છુમંતર થઇ જતાં  ગાંધીગ્રામ પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે પડધરીના રંગપર ગામે રહેતાં અને જેકેસી એન્‍ટરપ્રાઇઝના નામે ભાગીદાર વેપાર કરતાં પિયુષભાઇ જેન્‍તીભાઇ મુંગલપરા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી અમદાવાદ વષાાલમાં અર્પણ સ્‍કૂલ રોડ ગેલેક્‍સી ઓપેલ સામે માધવ હોમ્‍સ બ્‍લોક પી-૪૦૨ ખાતે રહેતાં જૈમીન દિનેશભાઇ પરમાર વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પિયુષભાઇ મુંગલપરા રાજકોટ દોઢસો ફુટ રીંગ રોડ સિનર્જી હોસ્‍પિટલ રોડ પર આસ્‍થા એન્‍કલેવ શોપ નં. ૩માં ઓફિસ ધરાવે છે. તેની સાથે ભાગીદારી પેઢીમાં રજનીકાંત દામજીભાઇ ઉંધાડ અને પ્રવિણભાઇ છગનભાઇ માલાણી છે. આ પેઢી હોલસેલ ભાવે સોપારી અને ઘરઘંટીનો વેપાર કરે છે. પિયુષભાઇએ જણાવ્‍યું છે કે ગત ૧૪/૩/૨૩ના રોજ અમારી ઓફિસે જેમીન પરમાર આવ્‍યો હતો. તેણે કહેલુ કે તે હોલસેલ ભાવે માલની ખરીદી કરે છે અને કમિશન-માર્જીન રાખી વેંચાણ કરે છે, તેની પેઢી જુનાગઢ ઝાંઝરડા રોડ પર બાબા કોમ્‍પલેક્ષમાં ગોપી એન્‍ટરપ્રાઇઝ નામે અને સુરતમાં કતાર ગામે છે.

જૈમીને જતે વખતે પોતાને સોપારીના માલની મોટા જથ્‍થામાં જરૂર હોઇ સેમ્‍પલ જુનાગઢની પેઢીએ મોકલવા કહ્યું હતું. આ પછી અમે તા. ૧૬/૩/૨૩ના રોજ સોપારીના બે પાર્સલ જુનાગઢ મોકલ્‍યા હતાં. જેની કિમત રૂા. ૪૨૩૧૫ થતી હતી. આ પછી જૈમીને કહેલુ કે તમારી સોપારીની ગુણવત્તા ખુબ જ સારી છે, મારે હજુ મોટા પાટે ખરીદી કરવી પડશે. પણ માર્કેટમાં હરીફાઇના કારણે અઠવાડીયા દસ દિવસ કસ્‍ટમર્સને બાકીમાં માલ દેવો પડે તેમ છે. જેમ જેમ મારે કસ્‍ટમર પાસેથી રૂપિયા આવતા જશે તેમ તેમ તમને પેમેન્‍ટ આપતો રહીશ. આ રીતે જૈમીને અમને ભરસો આપ્‍યો હતો. બાદમાં અમે તેને સોપારી મોકલવાનું ચાલુ કર્યુ હતું.

અમે જૈમીનની મીઠી વાણી અને વાકચાતુર્યમાં આવી જતાં ૧૬/૩/૨૩થી ૧૮/૪/૨૩ સુધીમાં કટકે કટકે રૂા. ૨૨,૫૮,૩૪૫ની સોપારી મોકલી હતી. અમે સોપારીની સાથે ઘરઘંટી પણ વેંચતા હોઇએ જૈમિને સોપારીની સાથે સાથે અમારી પાસેથી રૂા. ૧,૪૦,૦૦૦ની ઘરઘંટી પણ ખરીદી કરી હતી. આ રીતે તેણે અમારી પાસેથી કુલ રૂા. ૨૩,૯૮,૩૪૫નો માલ ખરીદ કર્યો હતો.

શરૂઆતમાં તેણે અમને વિશ્વાસમાં લેવા માટે રૂા. ૩,૩૧,૧૫૦ કટકે કટકે ચુકવ્‍યા હતાં. બાદમાં તેણે અમને બે ચેક આપ્‍યા હતાં. પરંતુ ચેક બેંકમાંથી રીટર્ન થયા હતાં. તેની અમે તેને જાણ કરતાં તેણે બાકી નીકળતાં રૂા. ૨૦,૬૭,૧૯૫ ધીમે ધીમે ચુકવી દેશે તેવી ખાત્રી આપી હતી. આ પછી અમે તેને માલ આપવાનું બંધ કરી દીધુ હતું અને અમારા રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી. પરંતુ તે સતત નવા નવા બહાના આગળ ધરી દેતો હતો અને કહેતો હતો કે મારા ઉપર ભરોસો રાખો તમારા રૂપિયા દુધે ધોઇને પાછા આપીશ. પણ છેલ્લે તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધુ હતું અને તેના ફોન પણ બંધ કરી દીધા હતાં.  અમે જુનાગઢ તેણે આપેલા ઓફિસના સરનામે તપાસ કરવ ાજતાં ત્‍યાં ઓફિસ બંધ હતી. સુરતની ઓફિસે જતાં તે પણ બંધ હતી. અમારી પાસેથી સોપારી, ઘરધંટી ખરીદી શરૂઆતમાં અમુક રકમ ચુકવી વિશ્વાસ જીત બાદમાં ૨૦,૬૭,૧૯૫ નહિ ચુકવી ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં પિયુષભાઇએ કહેતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. આર એમ. ગઢવીએ ગુનો દાખલ કરતાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ તપાસ શરૂ કરી છે.

(12:16 PM IST)