News of Tuesday, 4th March 2025
હૃદય બેસી જવાને લીધે મવડીના મુકેશભાઇ, રૈયાધારના જેશાભાઇ અને ગોડાઉનના કર્મચારી સુરેન્દ્રભાઇના મૃત્યુ
ત્રણેયને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ દમ તોડયોઃ પરિવારજનોમાં અરેરાટીઃ જેશાભાઇ આવતી કાલે દ્વારકા જનારા સંઘમાં સેવામાં સામેલ થવાના હતાં

રાજકોટ તા. ૪: હાર્ટએટેકથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ ત્રણ લોકોના હૃદય બંધ પડી ગયા હતાં. જેમાં એક પ્રોૈઢ, એક આધેડ અને એક યુવાનનો સમાવેશ થાય છે.
જાણવા મળ્યા મુજબ મવડી ગામ કેકે રેસીડેન્સી-૧માં રહેતાં મુકેશભાઇ ગોકળભાઇ પીપળવા (ઉ.વ.૫૨) સવારે ઘરે એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ત્રણ ભાઇમાં નાના હતાં.
બીજા બનાવમાં રૈયાધાર શાંતિધામના ગેઇટ નજીક બંસીધર સોસાયટી-૨માં રહેતાં જેશાભાઇ વીહાભાઇ કીહલા (ઉ.વ.૪૭) નામના યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને સ્કૂલવેન હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેઓ વીસ વર્ષથી દ્વારકા સંઘમાં સેવા આપવા જતાં હતાં. આવતી કાલે જ ચારસો જેટલા યાત્રાળુ સંઘમાં દ્વારકા રવાના થવાના હોઇ તેમાં જેશાભાઇ પણ સામેલ થયાના હતાં. ત્યાં આજે તેમનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું.
ત્રીજા બનાવમાં માધાપર ચોકડીથે બેડી ચોકડી તરફ એડીબી હોટલ પાછળ આસ્થા સાંગ્રીલા રોડ પર આવેલા સિધ્ધી વિનાયક મંડપ સર્વિસ-ડેકોરેશનના ગોડાઉનમાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં મુળ બિહારના સુરેન્દ્રભાઇ મુરારીભાઇ યાદવ (ઉ.વ.૪૨) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તે પાંચ ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દસ વર્ષથી તે અહિ કામ કરતાં હતાં. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે તાલુકા, યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. (૧૪.૯)
(3:25 PM IST)










