<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

૮૬ વર્ષના યુવાન મનસુખદાદા દ્વારિકા પદયાત્રાએ

તુમ રક્ષક કાહેકુ ડરના.. હનુમાનજીના ભક્‍તની પ્રેરક કહાની :મનસુખભાઇ વ્‍યાસનો ગજબ શ્રધ્‍ધાઃ દશ વર્ષથી ચાલીને દ્વારિકા જાય છેઃ એકલા જ હોયઃ સાત વર્ષ પૂર્વે હ્રદયની ત્રણ નસો બ્‍લોકેજનું નિદાન, દવા-સર્જરી કંઇ કર્યુ નથી, દોડતા જ રહે છેઃ આત્‍મબળ પાવરફૂલઃ મંત્રજાપ સતત ચાલે છેઃ એકલા જ રહે છે, બધું કામ જાતે જ કરે છેઃ સદુગુરૂ રણછોડદાસ બાપુએ મંત્ર આપ્‍યો હતોઃ નિર્દોષ-નિસ્‍વાર્થ-નિરંતર ભક્‍તિ

રાજકોટ,તા.૪: || ૐ શ્રી કૃષ્‍ણ શરણં મમઃ||

|| ૐ શ્રી કૃષ્‍ણ શરણં મમઃ || આ મંત્રના નિરંતર જાપ સાથે ૮૬ વર્ષની વયના યુવાન મનસુખદાદા વ્‍યાસ ગઇકાલે રાત્રે રાજકોટથી શ્રી કૃષ્‍ણની નગરી દ્વારિકા જવા પદયાત્રાએ નીકળી પડયા છે. શરીર થોડું નબળું પડયું છે, પણ આત્‍મબળ, ઉત્‍સાહ અને ભક્‍તિનો દરિયો ધુધવી રહ્યો છે. ચાલવાની સ્‍પીડ પણ યુવાવર્ગને શરમાવે તેવી છે. સરળ-સામાન્‍ય-નિર્દોષ વ્‍યક્‍તિત્‍વ ધરાવતા મનસુખદાદાની ભક્‍તિનો પાવર અલૌકિક છે.

ભક્‍તિમાર્ગીય લોકોને પ્રેરણા આપતા મનસુખભાઇ વ્‍યાસ ‘‘અકિલા''ના આંગણે પધાર્યા હતા. તેઓનું પુરૂ નામ મનસુખલાલ દયારામભાઇ વ્‍યાસ છે. તેઓ ૮૬ વર્ષની વયના છે. છેલ્લા દશ વર્ષથી ચાલીને દ્વારિકા ચાલીને જાય છે. તેઓ કોઇ પદયાત્રી સંઘ સાથે જોડાતા નથી. એકલા જ જાય છે. અને માર્ગમાં સતત મંત્રજાપ કરતા રહે છે.

‘‘અકિલા''સાથેની વાત-ચીતમાં મનસુખદાદાએ જણાવ્‍યું હતું કે, હોળી-ધૂળેટી પહેલા દ્વારિકા પહોંચી જઇશ. ત્‍યાંના ઉત્‍સવમાં સામેલ થઇશ. મનસુખભાઇ વર્ષોથી ભક્‍તિમાં ઓતપ્રોત છે. તેઓ કહે છે કે, મારા ગુરૂ પૂ.વસંતદાસજી કેશવદાસજી છે. રાજકોટ પાસેના ત્રંબા ગામમાં બિરાજતા ઘનટેશ્વર મહાદેવની પૂજામેં ૧૭ વર્ષ સુધી કરી છે.

મનસુખદાદા કહે છે કે ત્રંબા સામાન્‍ય ભૂમિ નથી. એ પ્રાચિન તીર્થધામ છે. પ્રાચિન સમયમાં હાલનું ત્રંબા ત્રંબાવટીનગરી  હતું. ત્રંબામાં બિરાજતા ઘનટેશ્વર મહાદેવ પણ અસામાન્‍ય સ્‍થાન છે. અહીં શિવલીંગની સ્‍થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. આ સ્‍થાને મેં ૧૭ વર્ષ પુજા કરી છે. દાદા આગળ કહે છે કે, ઘણી વખત રાત્રે હું આ મંદિરના ઓટલે સૂઇ જતો. સિંહ ગર્જના સહિતના અવાજો મેં સાંભળ્‍યા છે. આ સ્‍થાન સામાન્‍ય નથી જ.

સદ્‌ગુરૂ દેવ પૂ.રણછોડદાસજી મહારાજને મનસુખદાદા ઘણી વખત મળ્‍યા છે. તેઓ કહે છે કે, પૂ.રણછોડદાસજીબાપુએ મને મંત્ર આપ્‍યો હતો, તે મંત્રનો જાપ હું અચૂક કરતો રહું છું. રણછોડદાસબાપુએ કહયું હતું કે, સદકાર્યો કરો, ભક્‍તિ કરો પણ તેનું અભિમાન ક્‍યારેય ન કરો. પૂ.બાપુના આ વચનને હું અનુસરી રહ્યો છું.

મનસુખદાદાનું શરીર ખુદ ચમત્‍કાર જેવું છે. સાત વર્ષ પહેલા તેઓના હ્રયનું નિદાન થયું હતું. ત્રણ નસો બ્‍લોક હતી. તબીબોએ તાત્‍કાલીક સર્જરીની સલાહ આપી હતી. મનસુખદાદા કહે છે કે, જીવન અને મોત પરમાત્‍માના હાથમાં હોય છે. મેં ઓપરેશન કરવાની કે દવા લેવાની ના પાડી દીધી. આ નિદાન બાદ સાત વખત ચાલીને દ્વારિકા જઇ આવ્‍યો છું! આ રોગનો રિપોર્ટ છેલ્લે કરાવ્‍યો તે પ્રમાણે મનસુખદાદાના ફેફસા ખલાસ થઇ ગયા છે. મનસુખદાદા કહે છે કે, મને કોઇ વિશેષ તકલીફ થતી નથી. તાજેતરમાં પ્રયાગરાજમાં એકલો ગયો હતો. અને ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી હતી.

મનસુખદાદાને દિવ્‍ય અનુભૂતિ પણ થઇ ચુકી છે. તેઓ કહે છે કે, હું ચાલીને યાત્રાધામ જતો હતો. ઉનાળાનો સમય હતો. ખરો બપોર હતો, સખત તાપમાં પાણીની તીવ્ર તરસ લાગી હતી. પીવાનું પાણી પણ સાથે ન હતું આસપાસ કોઇ સ્‍થાન કે હોટલ ન હતા. માર્ગ વેરાન હતો. તરસના કારણે અશક્‍તિ આવી ગઇ. આંખે અંધારા આવવા લાગ્‍યા. છાતીમાં પણ ખુબ દુઃખવા લાગ્‍યું.

એક લીમડાના વૃક્ષ નીચે માંડ પહોંચાયું. શ્‍વાસ ફૂલવા લાગ્‍યો. હું ત્‍યાં સૂતા-સૂતા તરફડીયા મારતો હતો. હ્રદય રોગના હુમલા જેવો અનુભવ થતો હતો. જીવનની છેલ્લી ઘડી દેખાવા લાગી. આંખો વહેતી હતી. મોતને આવકારવા તૈયાર હતો. આ સમયે એક યુવાન અચાનક આવ્‍યો. મારો હાથ પકડીને મને ઉભો કર્યો. તેમની પાસે એલ્‍યુમિનિયમનું બોઘરણું હતું. મને આપીને કહ્યું, દૂધ છે, પી જાવ...

દોઢેક લીટર દૂધ દાદા પી ગયા. મનસુખદાદા કહે છે કે, મેં તેમને ઓળખ-નામ પુછ્‍યું, પણ તેમણે વિશેષ કંઇ ન કહ્યું. મને પૈસા આપીને ભરવાડ જેવો લાગતો એ યુવાન નીકળી ગયો...

મનસુખદાદા કહે છે કે, મારો દ્વારકાધીશ હું પાણી માંગુ ને દુધ હાજર કરે છે, મારે મોતથી ડરવાનું ન હોય. મનસુખદાદા વ્‍યવસાયે શિક્ષક હતા. પ્રિન્‍સિપાલ-પદેથી નિવૃત થયા છે. તેઓ કહે છે કે, અમારો મોટો પરિવાર છે. મારા ભાઇઓ મગનભાઇ વામજા તથા ચંદુભાઇ બંને પ્રતિષ્‍ઠિત પદ પર હતા. તેમનો પરિવાર પણ સારી સ્‍થિતીમાં છે. મનસુખદાદાના પુત્રો સંજયભાઇ અને જીતુભાઇ વ્‍યાસ બંને શિક્ષક છે. દાદા કહે છે કે, પરિવાર મારા પ્રત્‍યે ખૂબ લાગણી ધરાવે છે, પણ મને એકલું રહેવું જ પસંદ છે. મારું સાધુ જીવન છે. સાધુએ બધું કામ જાતે કરવાનું હોય છે. રસોઇ-સફાઇ, સેવા-પૂજન વગેરે કામો મનસુખદાદા જાતે જ કરે છે. જીવનસાથી ચંપાબેન ૧૫ વર્ષ પૂર્વે વિદાય થઇ ગયા છે.

મનસુખદાદા દર વર્ષે શંખલપુર ખાતે બિરાજતા કુળદેવી શ્રી બહુચર માતાજીના દર્શને પણ ચાલીને જાય છે. ૨૦૦ કિલોમિટરની આ યાત્રા છે. ભત્રીજા પ્રવિણભાઇ વ્‍યાસ આ યાત્રામાં સાથે આવતા હતા. દાદા ૨૦ વર્ષથી પદયાત્રા દ્વારા કુળદેવીના દર્શન કરે છે.

મનસુખદાદા દરરોજ સવારે ૪:૩૦ વાગ્‍યે જાગી જાય છે. કસરત, યોગ તથા સૂર્યનમસ્‍કાર કરે છે. તેઓ કહે છે કે, હું મારા પ્રિય સ્‍વયંસેવક સંઘમાં સક્રિય હતો. વ્‍યાયામ-સૂર્ય નમસ્‍કારની ટેવ ત્‍યારથી પડી છે. દરરોજ સવારે ૧ કલાક હનુમાનજી, શ્રી કરૂણ અને કુળદેવીની પૂજા કરે છે. મંત્ર જાપ ૨૪ કલાક ચાલું હોય છે.

નિર્દોષ - નિસ્‍વાર્થ - નિરંતર ભક્‍તિમય જીવન વિતાવતા મનસુખદાદા દ્વારિકા પદયાત્રા દરમિયાન ગળામાં તુલસીનું કુંડું લટકાવી રાખે છે. મંદિરના ગુગળી ભૂદેવોએ દાદાને બાવન ગજની ધજા અર્પણ કરીને કહ્યું હતું કે, દાદા હવે શરીરને કષ્‍ટ ન આપો. ચાલીને ન આવતા. મનસુખદાદા આ વર્ષે પણ ચાલીને નીકળી ગયા છે.

દ્વારિકાના માર્ગે મનસુખદાદા વ્‍યાસનો ભેટો થાય તો પ્રણામ કરીને પ્રેરણા લેવા જેવું તેઓનું ભક્‍તિ જીવન છે.(૪૦.૧૫)

ભાવૂક બનીને ‘અકિલા' સાથેના સ્‍મરણો તાજા કર્યા

મનસુખદાદા વ્‍યાસ કહે છે કે, સ્‍વ ગુણવંતભાઇ ગણાત્રા દિલેર હતા, હું અચુક પ્રેસે આવું ત્‍યારે અચૂક ગાંઠિયા-ચાની મોજ કરાવતાઃ વર્ષો બાદ ફરી ‘અકિલા' કાર્યાલયે મનસુખદાદાએ સ્‍વાદની મોજ માણી

દ્વારિકા પદયાત્રાએ રવાના થયેલાં ૮૬ વર્ષના યુવાન મનસુખદાદા વ્‍યાસ યાત્રા પૂર્વે ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્‍યા હતા. લાંબી મુલાકાત દરમિયાન તેઓએ ભાવુક બનીને ‘અકિલા' સાથેના સ્‍મરણો તાજા કર્યા હતા. ‘અકિલા'ના સ્‍વપ્‍ન દ્વારા આદર્શ સ્‍વ.શ્રી ગુણવંતભાઇ ગણાત્રા (બાબુભાઇ) સાથે મનસુખદાદાને સંબંધ હતો. મનસુખભાઇ કહે છે કે, ‘જય સૌરાષ્‍ટ્ર' પ્રેસ ચલાવતા ગુણવંતભાઇ ગણાત્રા દિલદાર માણસ હતા. પોતાની સ્‍થિતી ગમે તેવી હોય, પરંતુ અન્‍યને મદદ કરવામાં પાછા પડતા ન હતાં.

મનસુખદાદાએ આગળ જણાવ્‍યું હતું કે, હું જ્‍યારે પ્રેસે આવું ત્‍યારે ગુણવંતભાઇ પડકારા સાથેઆવકારતા હતા. ‘‘આવ મનસુખ આવ...'' કહીને અચુક પણે ગરમા-ગરમ ગાંઠિયા-ચાની મોજ કરાવતા હતા.

મનસુખદાદાએ સ્‍મરણો ખૂબ વાગોળ્‍યા હતા. વર્ષો બાદ ‘‘અકિલા'' કાર્યાલયે તેઓએ ચા - ગાંઠિયાના સ્‍વાદની મોજ પણ માણી હતી. ઉલ્લેખનીય છે કે, સ્‍વ.શ્રી ગુણવંતભાઇ ગણાત્રા ‘જય સૌરાષ્‍ટ્ર' પ્રિન્‍ટિંગ પ્રેસ ચલાવતા હતા. અનેક મેગેઝિનો તથા અન્‍ય સાહિત્‍ય આ પ્રેસમાં પ્રકાશિત થતું હતું.

શ્રી ગુણવંતભાઇનું સ્‍વપ્‍ન હતું કે, આપણું એક સાંધ્‍ય દૈનિક હોવું જોઇએ. શ્રી ગુણવંતભાઇના પુત્રો શ્રી કિરીટભાઇ ગણાત્રા શ્રી અજીતભાઇ ગણાત્રા અને સ્‍વ.શ્રી રાજુભાઇ ગણાત્રાએ સાંધ્‍ય દૈનિક ‘અકિલા' શરૂ કર્યુ હતું. અને અકલ્‍પનીય સંઘર્ષ કરીને ‘અકિલા'ને દેશ-દુનિયામાં લોકપ્રિય કર્યુ છે. શ્રી ગુણવંતભાઇ ગણાત્રાનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. હાલ શ્રી નિમિષભાઇ ગણાત્રા પરંપરાના આદર્શો જાળવીને ‘અકિલા'ને અત્‍યાધુનિક ટેકનોલોજી સાથે નવી ટોંચે પહોંચાડી રહ્યાં છે.

(3:25 PM IST)