News of Tuesday, 4th March 2025
ચેઇન ચોરીનો ગુનો ઉકેલાયોઃ ચોરી-જૂગારના ૯ ગુનામાં સામેલ નિકીતા ઉર્ફ નીરૂ સાવલીયા ઝડપાઇ
ધરમનગર શાકમાર્કેટમાં ગિરદીનો લાભ લઇ કટરથી ચેઇન કાપી લીધો હતો :ગોવિંદપરાની મહિલા એકલી રહે છે, પૈસાની જરૂર હોઇ ચોરી કર્યાનું રટણઃ તાલુકા પીઆઇ હરિપરાની ટીમની કાર્યવાહીઃ હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, સાથેના મયુરસિંહ, નિકુંજભાઇ, ઉગાભાઇની બાતમી

રાજકોટ તા. ૪: શહેરના ઓમનગર સર્કલ પાસે ધરમનગર ૪૦ ફુટ રોડ પર આવેલી શાકમાર્કેટમાં ખરીદી કરવા ગયેલા ગીરનાર સોસાયટીના લાભુબેન છગનભાઇ પાણખાણીયા નામના પચાસ વર્ષના મહિલાના ગળામાંથી રૂપિયા ત્રીસ હજારનો ચેઇન ચોરાઇ ગયો હતો. આ ગુનો તાલુકા પોલીસની ટીમે ઉકેલી કાઢી અગાઉ પણ ચોરીઓ, જુગારના નવ ગુનામાં સંડોવાઇ ચુકેલી લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતી મહિલાની ધરપકડ કરી ચેઇન કબ્જે લીધો છે. એકલી રહેતી આ મહિલા પાસે આવક માટે બીજો રસ્તો ન હોઇ શાકમાર્કેટમાં કટર સાથે પહોંચી ગિરદીનો લાભ લઇ કટરથી લાભુબેનનો ચેઇન કાપીને ચોરી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગીરનાર સોસાયટીના લાભુબેન પાણખાણીયા ઓમનગર સર્કલ નજીક ૪૦ ફુટ ધરમનગર રોડ પર આવેલી શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા ત્યારે કોઇ નજર ચુકવી તેમના ગળામાંથી રૂા. ૩૦ હજારનો સોનાનો એકાદ તોલાનો ચેસન સેરવી ગયું હતું. તેઓ ઘરે આવ્યા ત્યારે ગળામાં ચેઇન ન દેખાતાં તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જી. કે. પરમારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસ મથકના ડી. સ્ટાફ હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. મયુરસિંહ જાડેજા અને નિકુંજભાઇ મારવીયા તથા ઉગાભાઇ બાળાની બાતમી પરથી ઉકેલાયો છે.
પોલીસે આ ગુનામાં સામેલ નિકીતા ઉર્ફ નીરૂ અલ્પેશભાઇ સાવલીયા (ઉ.વ.૪૨-રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા સોસાયટી-૧ પૂજારા પ્લોટ સામે)ને મોટા મવા ધરમશી કોરાટ ચોક પાસેથી પકડી લઇ સોનાનો ચેઇન કબ્જે કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નિકીતા ઉર્ફ નીરૂ એકલી રહે છે. હાલમાં આવકનું સાધન ન હોઇ આ ચેઇનની ચોરી કરી હતી. તેણે કટરથી ચેઇન કાપીને બઠ્ઠાવી લીધો હતો. નિકીતા ઉર્ફ નિરૂ વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ, ભક્તિનગર, બી-ડિવીઝન, ડીસીબીમાં અને લોધીકા પોલીસના જૂગારધારના પાંચ ગુના તથા માલવીયાનગર, ઉના તથા ખટોદરા સુરતમાં બે મળી ચોરીઓના ચાર ગુના નોંધાઇ ચુક્યા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.જે. ચોૈધરીની સુચના અનુસાર તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. એચ. મહારાજ, હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ. મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઇ મારવીયા, શિવભદ્રસિંહ ગોહિલ, મહાવીરસિંહ જાડેજા, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી અને તંજુમબેને આ કામગીરી કરી હતી.
(4:15 PM IST)










