<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રાતના સમયે મહિલાઓને નિશાન બનાવતી ચીલઝડપકાર બેલડી ઝડપાઇઃ ૮ ગુના ઉકેલાયા

લોહાનગરમાં રહેતાં સુનિલ ઉર્ફ આર્યન અને જીતેશ ઉર્ફ જીનીને ક્રાઇમ બ્રાંચે ઝડપી ૪ાા લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો :સુનિલની અગાઉ ચોરી-લૂંટના ૭ ગુનામાં અને જીતેશની એક ગુનામાં સંડોવણીઃ પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોરની ટીમની કામગીરીઃ જલદિપસિંહ વાઘેલા, રાજેશભાઇ જળુ, ગોપાલભાઇ પાટીલ અને તુલસીભાઇ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૪: શહેરમાં છેલ્લા એક મહિનામાં આઠ ચિલઝડપના ગુનાને અંજામ આપનાર ચિલઝડપકાર બેલડીને ક્રાઇમ  બ્રાંચે ઝડપી લઇ સોનાના એક માળ, ત્રણ  ચેઇન, એક કટકો, બાઇક, મોબાઇલ ફોન મળી રૂા. ૪,૫૨,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. લોહાનગરના આ બંને શખ્‍સો રાત પડતાં જ શિકાર શોધવા નીકળી જતાં હતાં. મોટે ભાગે વૃધ્‍ધાઓને જ નિશાન બનાવતાં હતાં. આ બે પૈકી એક શખ્‍સ ચોરી, લૂંટના સાત ગુનામાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સાંજના કે રાતના સમયે એકલ દોકલ વૃધ્‍ધા, મહિલાઓને નિશાન બનાવી સોનાના ચેઇનની ચિલઝડપ કરવાના બનાવ વધી ગયા હોઇ આવા ગુના આચરતા શખ્‍સોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી એ દરમિયાન એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, કોન્‍સ. ગોપાલભાઇ પાટીલ અને તુલસીભાઇ ચુડાસમાને બાતમી મળતાં સુનિલ ઉર્ફ આર્યન ભાવેશભાઇ શિયાળ (ઉ.વ.૨૧-રહે. લોહાનગર, રામાપીરના મંદિર પાસે ગોંડલ રોડ) અને જીતેશ ઉર્ફ જીની નરેશભાઇ દુધરેજીયા (ઉ.વ.૧૯-રહે. લોહાનગર પૂલ નીચે, તેમજ રૈયાધાર)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૮૮ હજારની સોનાની માળા, ૧,૦૧,૦૦૦નો એક ચેઇન, ૪૮૫૦૦નો બીજો ચેઇન, ૧,૦૪,૦૦૦નો ત્રીજો ચેઇન તથા રૂા. ૬ હજારનો ચેઇનનો ટૂકડો તેમજ જીજે૦૩કેઆર-૪૩૬૮ રૂા. ૭૦ હજારનું તથા એપલ મોબાઇલ રૂા. ૩૫૦૦૦નો મળી કુલ સાડા ચાર લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

આ બંનેએ છેલ્લા એક મહિનામાં તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં બે, યુનિવર્સિટી હેઠળના વિસ્‍તારોમાં ત્રણ, એ-ડિવીઝનમાં એક, ગાંધીગ્રામ હેઠળના વિસ્‍તારમાં બે મળી આઠ ચિલઝડપ કરી હતી. આરોપી સુનિલ ઉર્ફ આર્યન અગાઉ કુવાડવા રોડ, આજીડેમ, માલવીયાનગર, જામનગર, રાજકોટ એ-ડિવીઝનમાં ચોરી, લૂંટના છએક ગુનામાં સંડોવાયો હતો અને એક વાર પાસામાં પણ જઇ આવ્‍યો હતો. બંને મોજશોખ પુરા કરવા માટે ચિલઝડપના રવાડે ચડયા હતાં. સાંજના સાતથી રાતના દસ સુધી તે બાઇક લઇને નીકળી જતાં અને એકલ દોકલ વૃધ્‍ધા, મહિલા, યુવતિઓને નિશાન બનાવી ચેઇન, માળા ખેંચી ભાગી જતાં હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુરભાઇ સબાડ, રાજેશભાઇ જળુ, દિપકભાઇ ચોૈહાણ, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, યુવરાજસિંહ ઝાલા, તુલસીભાઇ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલ, મોહીલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઇ ડવ અને વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી.

(3:58 PM IST)