તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
૧૩-વિદ્યાશાખાના ૧૧૧ છાત્રોને સૂવર્ણચંદ્રક - ૨૨૧ પ્રાઈઝ અર્પણ શિક્ષણમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ૪૨૬૭૭ દિક્ષાર્થીઓને પદવી એનાયત

રાજકોટ, તા.૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારંભ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, ઈસરોના ડાયરેકટર નીલેષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે યોજાએલ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૨૬૭૭ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી.
ઈસરો-સેકના ડાયરેકટરશ્રી નીલેષભાઈ દેસાઈએ આ તકે જણાવ્યું હતું કે, શિક્ષણ હંમેશા માતળભાષામાં જ લેવું જોઈએ. હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી એ આવશ્યક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મને આમંત્રીત કર્યો એ બદલ હું આભાર વ્યકત કરું છે. જે વિદ્યાર્થીઓએ આજે સુવર્ણચંદકો અને પદવીઓ પ્રાપ્ત કરી છે એ સૌને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. ડીગ્રી મળવી એ આપની શરૂઆત છે. આજે તમારો સુવર્ણ દિવસ છે. આજની પેઢી એ ખુબ નસીબદાર છે. આજે સંશાધનો અને વ્યવસ્થા સારી રીતે ઉપલબ્ધ છે. તમે આ દેશનું ભવિષ્ય છો.
(ડો.) સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ પ૯મા પદવીદાન સમારોહમાં આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતુ કે, સળષ્ટિમાં કોઈ વસ્તુનો વીનાસ નથી, જે વીનાસ છે એ હંમેશ નવસર્જનનું પ્રતીક છે. કોવીડમાં આપણને ખુબ તકલીફ પડી પણ આપણો એપ્રોચ, શિક્ષણનું માળખું, આપણા જીવનની દ્રષ્ટિ બધું જ બદલાઈ ગયું છે. હવે શિક્ષણની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. હવે તમારા જીવનની નવી શરૂઆત છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થાઓ આદી અનાદી કાળથી વૈશ્વિક ધરોહર ધરાવે છે. ઓપ જે ભણ્યા હોય તે વિષયમાં તજજ્ઞ બનો તો તમે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો. તમારા વિષયને પ્રેમ કરો, તમે ખૂબ આગળ વધી શકશો. IIM માં પણ બધાને હાઈએસ્ટ પેકેજ નથી મળતું. જ્ઞાન એ તમારી શકિત છે. તમારું જ્ઞાન અને સ્કિલ થકી તમે સારી નોકરી મેળવી શકશો. આજની સદી એ જ્ઞાનની સદી છે.
રાજયના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવીદાન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૫૯મા વાર્ષિક પદવીદાન સમારોહમાં ૧૪ જેટલી વિવિધ વિદ્યાશાખાના ૪૨૬૭૭ દીક્ષાર્થીઓ તથા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને હું અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મંત્રીશ્રીએ યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજે આપ આ યુનિવર્સિટીમાંથી જ્ઞાનનું ભવ્ય ભાથું લઈને સમાજ જીવનમાં નવી શરૂઆત કરી રહ્યા છો ત્યારે આપની આ સિધ્ધિ સમાજ, રાજય અને રાષ્ટ્રના નિર્માણ માટે આપના પ્રયાસો અને પ્રમાણિકતા ખૂબ આવશ્યક છે. તમે તમારા માતા પિતાએ સેવેલા સ્વપ્નોને પૂર્ણ કરો એ જ સાચી સેવા ગણાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે ગુજરાત રાજયમાં શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે પણ રાષ્ટ્રીયકક્ષાએ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે એ વિદ્યાર્થીઓને પણ હું અભિનંદન પાઠવું છું. ભારત દેશ આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ પદવીદાન સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સુવિદ્યાથી માનવનાં જીવન મૂલ્યો વિકસે છે અને આવી સુવિધા મેળવવા માટે વિદ્યાર્થી, શિક્ષક, વાલી, સારી શિક્ષણ સંસ્થાઓ વગેરેનું હોવું અતિઆવશ્યક છે. દીક્ષાંત સમારોહ એ ભારતીય સંસ્કળતીની ઋષિ પરંપરા છે - આપણી વૈદિક પરંપરા છે. જેમ વિદ્યા પ્રારંભ એક સંસ્કાર છે, એમ વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં દીક્ષાંત સમારોહ એ પણ એક સંસ્કાર છે.
પદવીદાન સમારોહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તથા મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું. પદવીદાન સમારોહમાં સ્વાગત પ્રવચન કુલસચિવશ્રી ડો. રમેશભાઈ પરમાર, આભારવિધિ પરીક્ષા નિયામકશ્રી ડો. મનીષભાઈ શાહ તથા કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. ભરતભાઈ ખેર તથા ડો. ધારાબેન દોશીએ કર્યુ.
પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે કુલપ્રતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી તથા કુલસચિવશ્રી ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા ડીગ્રી વિભાગના વિભાગીય અધિકારીશ્રી રણજીતસિંહ ચાવડા, જયેશભાઈ ગોસાઈ તથા તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
(2:57 PM IST)










