તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 6th March 2025
કાલાવડ રોડ પર સીટી બસની ઠોકરે ચડેલા સાઇકલસવાર દુર્ગેશ મીણાનું મોત
મુળ રાજસ્થાનનો યુવાન નોકરી પર જતો હતો ત્યારે બનાવ બન્યો હતો

રાજકોટ તા. ૬: સીટી બસને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ કણસાગરા કોલેજ નજીક સીટી બસની ઠોકરે સાઇકલ ચડી જતાં સાઇકલ સવાર મુળ રાજસ્થાનના યુવાનને ઇજાઓ થતાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ કેકેવી ચોક નજીક કેબલની ઓફિસમાં નોકરી કરતો મુળ રાજસ્થાનનો દુર્ગેશ હેમરાજભાઇ મીણા (ઉ.વ.૧૯) ગઇકાલે સવારે સાઇકલ હંકારીને જતો હતો ત્યારે કાલાવડ રોડ કણસાગરા કોલેજ નજીક સીટી બસના ચાલકે ઉલાળી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન સાંજે તેનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર દુર્ગેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા હોટલમાં કામ કરે છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ માલવીયાનગર પોલીસમાં કરતાં પીએસઆઇ આર. આર. કોઠીયાએ મૃતકના પિતા હેમરાજભાઇ નારાયણભાઇ મીણા (ઉ.વ.૪૦-રહે. હાલ નંદનવન સોસાયટી, કાલાવડ રોડ, મુળ બામણીયા ચલુમ્બર રાજસ્થાન)ની ફરિયાદ પરથી સીટી બસ જીજે૦૩બીઝેડ-૫૯૭૦ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(11:25 AM IST)










