તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
આલાપગ્રીન પાસેના પટમાં સુકુ ઘાંસ સળગાવાતાં બાજુના કોમ્પલેક્ષના પાંચમા-છઠ્ઠા માળે આગ લાગીઃ લાખોનું નુકસાન
દિપક પટેલ અને હસમુખ લાઠીયાએ લોકોની જિંદગી જોખમમાં મુકી બેદરકારી આચર્યાનો ગુનો : શ્રીહરિ એમ્પયાર કોમ્લપેક્ષમાં પાંચમા માળે આવેલા પ્રિયાંશુભાઇ શાહના વર્ધમાન સેલ્સમાં બારીએથી આગળ વધી આગ અંદર સુધી પ્રસરી જતાં કર્મચારીઓમાં નાસભાગઃ છઠ્ઠા માળે વિશાલભાઇ ટાટમીયાની ઓફિસના બધા કાચ ફુટી ગયા, સોલારમાં નુકસાનીઃ એન્જિનીયરને કાચ લાગતાં પગમાં ઇજાઃ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ દાખલ કરી

પડતર મેદાનમાં ઘાંસ સળગાવવાને કારણે તણખાથી બાજુના કોમ્પલેક્ષમાં પાંચમા અને છઠ્ઠા માળે આગ ભભૂકતાં દસેક લાખની નુકસાની થઇ હતી. તસ્વીરમાં જ્યાં આગ લાગી હતી તે કોમ્પલેક્ષના દ્રશ્ય જોઇ શકાય છે.
રાજકોટ તા. ૬: રૈયા રોડ તુલસી સુપર માર્કેટની સામે આલાપ ગ્રીન સીટીની બાજુમાં આવેલા વિશાળ ખરાબાની જગ્યામાં મોટા સુકા ઘાંસનો જથ્થો હોઇ તે નજીકમાં જ રહેતાં બે શખ્સોએ સળાગવતાં તેમાંથી તણખા ઉડી આ ખરાબાને અડીને જ આવેલા શ્રી હરિ એમ્પાયર કોમ્પલેક્ષના પાંચમા માળે આવેલા શો રૂમના પાછળના ભાગે આગ ભભુકતાં અને શો રૂમ અંદર પણ આગ પ્રસરી જતાં તેમજ છઠ્ઠા માળે એક ઓફિસના તમામ કાચ આગને લીધે ફુટી જતાં તથા ઉપર સોલારને પણ નુકસાન થતાં બેદરકારી દાખવી માનવ જિંદગી પર જોખમ ઉભુ કરનારા બંને શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આગને કારણે ૧૦ લાખ જેવી નુકસાની થઇ હતી. આ બંને આલાપગ્રીન સીટીમાં જ રહેતાં હોવાનું જણાવાયું હતું.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ જુની આમ્રપાલી સિનેમા નજીક સદ્દગુરૂ તિર્થધામ એ-૩૦૪ ખાતે રહેતાં અને રૈયા રોડ તુલસી સુપર માર્કેટ સામે શ્રી હરિ એમ્પાયરમાં પાંચમા માળે વર્ધમાન સેલ્સ નામે ઇલેક્ટ્રીક સામાનનો શો રૂમ ધરાવતાં પ્રિયાંશુભાઇ જયેશભાઇ શાહ (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી દિપક પટેલ અને હસમુખ લાઠીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રિયાંશુભાઇ શાહે જણાવ્યું છે કે મારો શો રૂમ ૧૧૦૦ સ્ક્વેર ફુટની જગ્યામાં છે. આ શો રૂમમાં ૧૨ કર્મચારીઓ કામ કરે છે. શો રૂમની ડાબી બાજુએ રોડની પાસે આલાપગ્રીન સીટીની બાજુનો ખુલ્લો પડતર પ્લોટ છે. તા.૫/૩/૨૫ના બુધવારે હું બપોરે અઢી વાગ્યે મારી ઓફિસે આવ્યો હતો. અહિ મારા કુટુંબી ભાઇ જયદિપભાઇ હરકાંતભાઇ કામદાર તેમજ સ્ટાફના ભવદીપ ભટ્ટી, ચંદ્રકાંત જોલાપરા, ધારાબેન, જ્યોતિબેન, દિપકભાઇ, આશિષભાઇ, કરણભાઇ, નિકીતાબેન સહિતના પણ હાજર હતાં. મેં ઉપર જઇ જોતાંઅમારા શો રૂમની પાછળ આલાપ ગ્રીનસીટીની બાજુનો ખુલ્લો પડતર પ્લોટ હોઇ તેમાં મોટુ સુકુ ઘાંસ હોઇ તે બાળવાની કામગીરી બે જણા કરતાં હતાં. આ બંનેએ કોઇપણ જાતની તકેદારી વગર આ મોટુ સુકુ ઘાંસ બાળવાનું ચાલુ રાખતાં થોડીવાર બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
જેમાંથી તણખા ઉડી અમારા શો રૂમની બારીના ફલેક્સ બેનરને અડી જતાં આગ લાગી હતી. આ કારણે અમારા શો રૂમના રોડ સાઇડના કાચને આગ અડી જતાં ત્યાં રાખેલા એસીના અનેક પાર્ટસ, બોક્સ સહિત સળગવા માંડયા હતાં. આ ઉપરાંત આગ વધુ આગળ વધી જતાં શો રૂમની તમામ બારીઓના કાચ ફુટવા માંડયા હતાં અને આગ અંદર સુધી પ્રસરી ગઇ હતી. અમે તથા સ્ટાફના લોકોએ અમારી પાસેના અગ્નિશમનના સાધનોથી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. કોમ્પલેક્ષમાં રહેલી પાણીની ફાયર સેફટીની પાઇપનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ આગળ વધુ આગળ વધી ગઇ હતી.
આ પછી દૂકાન-શો રૂમમાં રહેલા એસી, ચાર કોમ્પ્યુટર, ડીસ્પ્લે બોર્ડ, ફર્નીચર, પંખો સહિત સળગી ગયા હતાં. ફાયર બ્રિગેડની ટફીમ આવી જતાં આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી આગ આગળ બીજી દૂકાનમાં વધતી અટકી હતી. આગ ભભુકી ત્યારે તણખા અમારી ઉપરના કોમ્પલેક્ષના છઠ્ઠા માળે આવેલી વિશાલભાઇ કાનજીભાઇ ટાટમીયાની ઓફિસમાં પણ જતાં તેમની ઓફિસના તમામ કાચ ફુટી ગયા હતાં. અંદર રહેલા એન્જીનીયર ભાવેશભાઇ વશરામભાઇ વધેરાને કાચ પગના તળીયામાં લાગી જતાં ઇજા પણ થઇ હતી. આ ઉપરાંત વિશાલભાઇની દુકાન ઉપર રહેલી સોલાર પેનલમાં પણ આગ પહોંચી જતાંનુકસાન થયું હતું. લોકોએ આગ બુઝાવી હતી. અમે તપાસ કરતાં જે લોકો પાછળ મેદાનમાં સુકુ ઘાંસ સળગાવતાં હતાં તેના નામ દિપકભાઇ પટેલ અને હસમુખભાઇ લાઠીયા હોવાની ખબર પડી હતી.
આ બંનેએ ખુલ્લા પડતર પ્લોટનું ઘાંસ સળગાવતી વખતે બેદરકારી દાખવી મનુષ્યની જિંદગી જોખમાય તેવું જાણવા છતાં ઘાંસ સળગાવ્યું હોઇ તેના કારણે આગ વિકરાળ બની જતાં અમારા શો રૂમમાં સામાન બળી જતાં તેમજ ઉપરના છઠ્ઠા માળે પણ ઓફિસમાં અને ઉપર સોલારમાં નુકસાન થયું હોઇ તેમજ કાચ ફુટવાથી એન્જિનીયરને ઇજા થઇ હોઇ ફરિયાદ નોંધાવી હતી. આગને કારણે અમારે ૧૦ લાખથી વધુનું નુકસાન થયું છે. તેમ વધુમાં પ્રિયાંશુભાઇ શાહે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૮)
(2:55 PM IST)










