<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સ્‍માર્ટ સીટીના સ્‍ટોર રૂમમાંથી ૪.૬૧ લાખના કેબલ અને ભંગારની ચોરીઃ બે પુર્વ સિક્‍યુરીટી ગાર્ડ સહિત ૪ પકડાયા

રૈયા વિસ્‍તારમાં જોકીયા હનુમાન પાસે આવેલા કોન્‍ટ્રાક્‍ટ ધરાવતી કંપની એલએન્‍ડટીના સ્‍ટોર રૂમમાં બનાવઃ મેનેજર રાકેશ નંદાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીઃ એલસીબી ઝોન-૨ ટીમે ભેદ ઉકેલ્‍યો

રાજકોટ તા. ૬: રૈયા ગામ વિસ્‍તારમાં સ્‍માર્ટ સીટી અંતર્ગત પ્રોજેક્‍ટ ચાલુ હોઇ આ કામનો કોન્‍ટ્રાક્‍ટ ધરાવતી એલ એન્‍ડ ટી કંપનીના અટલ સરોવર નજીક આવેલા સ્‍ટોર રૂમ ખાતેથી ઉઠાવગીરો કેબલ, ભંગાર મળી રૂા. ૪,૬૧,૨૫૦નો માલસામાન ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન આ ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી આ સ્‍ટોર રૂમના બે પુર્વ સિક્‍યુરીટી ગાર્ડ સહિત ચારને પકડી લઇ મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે વર્ધમાન સીટી નજીક ક્રિસ્‍ટલ સીટી એપાર્ટમેન્‍ટ બલોક નં. ૬, સી-વિંગમાં રહેતાં અને એલ એન્‍ડ ટી કંપનીમાં સ્‍ટોર મેનેજર તરીકે નોકરી કરતાં મુળ ઓડીસ્‍સાના સંભલપુર તાબેના નટવરનગરના રાકેશભાઇ અક્ષયકુમાર નંદા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાકેશભાઇ નંદાએ જણાવ્‍યું હતું કે હું રાજકોટમાં સ્‍માર્ટ સીટી બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ ધરાવતી એલ એન્‍ડ ટી કંપનીમાં સ્‍ટોર મેનેજર તરીકે નોકરી કરુ છું. અમારી કંપનીનો સ્‍ટોર રૂમ રાજકોટ સ્‍માર્ટ સટીમાં જોકીયા હનુમાનજી મંદિર પાસે છે. જ્‍યાં સ્‍ટોર રૂમની સાથે ઓફિસ પણ છે. આ સ્‍ટોર રૂમમાં રાખવામાં આવતાં માલસામાનનું મેનેજમેન્‍ટ હું સંભાળુ છું. અહિ કેબલના ડ્રમ, લોખંડનો સ્‍ક્રેપ, અન્‍ય મશીનરી સહિતનો સામાન રાખવામાં આવે છે. સ્‍ટોર રૂમ ખુલ્લી જગ્‍યામાં આશરે ૨૪૦ મીટરની લંબાઇ પહોળાઇમાં છે. ગત ૧૭/૧૨/૨૪ના બપોરે સાઇટ પર કેબલની જરૂરીયાત ઉભી થતાં કંપનીના માણસો સ્‍ટોર રૂમે લેવા આવતાં હું ત્‍યાં જતાં કેબલ  વાયરનું ડ્રમ ખાલી જોવા મળ્‍યું હતું. તેમાંથી આશરે ૭૫૦ મીટર વાયર ગાયબ હતો.

રજીસ્‍ટરમાં સ્‍ટોક ચેક કરતાં હાજર સ્‍ટોકમાં તે કેબલ બતાવતો હતો. જેથી કંપનીમાં કામ કરતાં માસણોની પુછતાછ કરી હતી પરંતુ કોઇપણ આ કેબલ લઇ નહિ ગયાનું જણાયુ હતું. વધુ તપાસ કરતાં આ કેબલ ઉપરાંત સ્‍ટોર રૂમમાં રાખેલો ૪૫૦ કિલો ભંગાર પણ ગાયબ હતો. કેબલ વાયર ચોરાઇ ગયો તેની કિમત રૂા. ૪,૫૦,૦૦૦ અને ભંગારની કિમત રૂા. ૧૧૨૫૦ મળી કુલ રૂા. ૪,૬૧,૨૫૦ની માલમત્તા કોઇ ચોરી ગયું હોઇ તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.

યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમ પણ તપાસમાં સામેલ થઇ હતી. પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે સ્‍ટોર રૂમના બે પુર્વ સિક્‍યુરીટી ગાર્ડ અશ્વિનીકુમાર બલરામ કશ્‍યપ (ઉ.વ.૨૧-રહે. ન્‍યુ રેસકોર્ષ એલએન્‍ડટી ઓફિસ), કુંદનકુમાર પ્રેમકુમાર પાંડે (ઉ.વ.૨૭-રહે. શેઠનગર પાછળ) તથા અગાઉ અહિ કામ કરી ચુકેલા વિક્રમ મણીલાલ સોલંકી (ઉ.વ.૩૦-રહે. રૈયાધાર શાંતિનગર), સંજય દુદાભાઇ રાઠોડ (ઉ.વ.૨૭-રહે. રૈયાધાર પાણીના ટાંકા પાછળ)ને પકડી લઇ રૂા. ૧,૦૫,૦૦૦નો ૧૫૦ કિલો કોપર વાયર, રૂા. ૧૧૨૫૦નો ૪૫૦ કિલો ભંગાર કબ્‍જે કર્યો છે. ચારેયએ ચોરી કરી ભંગાર, કેબલ વેંચી પૈસા કમાવવા પ્‍લાન ઘડયો હતો. પગાર ઓછો પડતો હોઇ સિક્‍યુરીટીની નોકરી મુકી દીધાનું બંનેએ રટણ કર્યુ હતું. અમુક કેબલ વેંચી રોકડી કરી લીધી હતી.

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં એલસીબીના એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કુલદિપસિંહ રાણા તથા યુનિવર્સિટીના વી. જી. ડોડીયા, જે. એન. ખટાણા, મહિપાલસિંહ, પ્રતાપસિંહ, ક્રિપાલસિંહ, વિજુભા, જીજ્ઞેશભાઇ, વનરાજભાઇ, ગોપાલસિંહ, દિવ્‍યરાજસિંહ, મૈસુરભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

 

રિવોલ્‍વરમાંથી ફાયરીંગ થતાં વોર્ડ નં. ૧૭ના ભાજપ કોર્પોરેટર અનિતાબેન ગોસ્‍વામીને પગમાં ગોળી લાગી

કબાટમાંથી ઘરેણા કાઢતી વખતે પતિની લાયસન્‍સવાળી રિવોલ્‍વર નીચે પડતાં અકસ્‍માતે ગોળી છુટી ગયાનું કથનઃ પોલીસે તપાસ યથાવત રાખી

રાજકોટ તા. ૬: ઢેબર રોડ નારાયણનગરમાં રહેતાં વોર્ડ નં. ૧૭ના ભાજપના મહિલા નગરસેવક અનિતાબેન ગોૈતમભાઇ ગોસ્‍વામીને પોતાના ઘરે હતાં ત્‍યારે પગમાં પતિની લાયસન્‍સવાળી રિવોલ્‍વરમાંથી ગોળી લાગી જતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. જો કે ગોળી અકસ્‍માતે લાગી ગયાનું હાલ બહાર આવ્‍યું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ કોર્પોરેટર અનિતાબેન ગોસ્‍વામી પોતાના ઘરે હતાં ત્‍યારે પોતાના પતિની લાઇસન્‍સવાળી રિવોલ્‍વર અચાનક નીચે પડી જતાં ગોળી વાગી હતી. ત્રણ દિવસ પહેલાં રાજકોટમાં ભાજપ મહિલા કોર્પોરેટરને પોતાના જ ઘરમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્‍ત થયા હતાં. અનિતાબેન ગોસ્‍વામીને પ્રથમ મધુરમ અને બાદમાં અન્‍ય ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અનિતાબેન લગ્ન પ્રસંગ માટે પહેરવાના ઘરેણાં કાઢી રહ્યાં હતાં. આ દરમિયાન તે જગ્‍યાએ પડેલી પોતાના પતિ ગૌતમ ગોસ્‍વામીની લાયસન્‍સવાળી રિવોલ્‍વર નીચે પડી અને અચાનક તેમાંથી ગોળી છૂટી જતાં તે ઈજાગ્રસ્‍ત થયા હતાં. હાલ સારવાર હેઠળ છે.

આ બનાવની જાણ હોસ્‍પિટલ મારફત પોલીસને થતાં ભક્‍તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં જરૂરી કાર્યવાહી કરી નિવેદન નોંધાયુ હતું. જેમાં અનિતાબેને રિવોલ્‍વર અકસ્‍માતે નીચે પડતાં ગોળી છુટી ગયાનું જણાવ્‍યું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. ખરેખર આ રીતે ગોળી વછુટે કે કેમ? તે સહિતની તપાસ થઇ રહી છે.

 

(2:59 PM IST)