<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

પૈસાના ડખ્‍ખામાં આંબેડકરનગરના રોહિત રાઠોડને માલિયાસણ પાસે મિત્ર પ્રકાશે છરીના ૧૧ ઘા ઝીંક્‍યા

જાહેરાતના બોર્ડ ફિટીંગનું કામ કરતાં રોહિતે મિત્ર પ્રકાશને કટકે કટે રકમ ઉછીની આપી હતી તેની ઉઘરાણી કરતાં માથાકુટ રાત્રે દેવપરાથી રોહિત એક્‍ટીવામાં પ્રકાશ રાઠોડને બેસાડી માલિયાસણ જવા નીકળ્‍યો ત્‍યારે નવા રોડ પર પહોંચતા બંને વાત કરવા ઉભા રહ્યા બાદ અચાનક છરીના ઘા ઝીંકવાનું ચાલુ કર્યુઃ વચ્‍ચે પડનારા રાહદારીને પણ ઘાયલ કરી પ્રકાશ ભાગી ગયો'તોઃ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમારની ટીમના એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, ગોપાલ પાટીલ, મોહિલરાજસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૭: શહેરના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં અને જાહેરાતના બોર્ડ ફિટીંગનું કામ કરતો બાવીસ વર્ષનો યુવાન રાતે જંગલેશ્વર દેવપરા વિસ્‍તારમાં રહેતાં તેના જ મિત્રને એક્‍ટીવામાં બેસાડી માલિયાસણ તરફ જતો હતો ત્‍યારે માલિયાસણ નજીક નવા રોડ પર પાછળ બેઠેલા મિત્રએ ચાલુ વાહને છરીના ઘા ઝીંકી દેતાં યુવાને વાહન ઉભુ રાખી દીધુ હતું. તે પડી ગયા પછી પણ હુમલો ચાલુ રખાયો હતો. આ વખતે એક રાહદારી વચ્‍ચે પડતાં હુમલાખોરે તેને પણ ઇજા પહોંચાડી હતી અને ભાગી ગયો હતો. વાંસા, પડખા, ગળા પર કુલ ૧૧ ઘા ઝીંકાયા હતાં. કુવાડવા પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીને ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકમાં દબોચી લીધો હતો. પૈસાની માથાકુટમાં આ બનાવ બન્‍યો હોવાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં કુવાડવા પોલીસે હુમલામાં ગંભીર ઇજા પામનાર ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર મેઇન રોડ પર રહેતાં અને જાહેરાતના બોર્ડ લગાડવાનું કામ કરતાં રોહિત પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૨૨)ના નાના ભાઇ ઋત્‍વીક પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી જંગલેશ્વર  વિસ્‍તારના પ્રકાશ પરમાર વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની શોધખોળ  હાથ ધરી છે.

ઋત્‍વીક રાઠોડે જણાવ્‍યું હતું કે અમે ત્રણ ભાઇઓ અને એક બહેન છીએ. જેમાં સોૈથી મોટો રોહિત છે. ગુરૂવારે સાંજે હું અટલ સરોવર નજીક જાહેરાતના બોર્ડ લગાવડવાનું કામ કરતો હતો ત્‍યારે મારી સાથે સાહિલ વાળા પણ હતો. રાતે સાડા નવેક વાગ્‍યે સાહિલે મને વાત કરી હતી કે તારા ભાઇ રોહિતને પ્રકાશ નામના શખ્‍સે છરીના ઘા માર્યા છે, તેની જાણ મારા ભાઇ રણજીતે મને કરી છે. આથી મેં તુરત જ મારા ભાઇ રોહિતને ફોન જોડતાં આ ફોન ૧૦૮ના સ્‍ટાફે ઉપાડયો હતો અને કહ્યું હતું કે તમે સિવિલ હોસ્‍પિટલે આવો. આ પછી હું, મારા માતા-પિતા, રણજીતભાઇ સહિતના હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. અહિ મારા મોટા ભાઇ રોહિતને ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરાયો હતો. તેને ગળા પર બે ઘા, વાંસાના ભાગે સાત આઠ ઘા, પડખામાં એક અને સાથળમાં એક ઘા જોવા મળ્‍યો હતો.

રોહિતને ગંભીર ઇજાઓ થઇ હતી. અમે તેને બોલાવતા તે કંઇ બોલતો નહોતો. બાદમાં મેં રણજીત સોમાભાઇ વાળાને આ બાબતે પુછતાં રણજીતે કહેલું કે હું રાતે સરધાર પાસે હતો ત્‍યારે સાડા નવેક વાગ્‍યે તારા ભાઇ રોહિતે ફોન કરી કહેલુ કે હું અને પ્રકાશ પરમાર બંને એકટીવામાં દેવપરાથી માલિયાસણ જતાં હતાં  અને હું એક્‍ટીવા ચલાવતો હતો ત્‍યારે માલિયાસણ નજીક નવા રીંગ રોડ પર પહોંચતા પ્રકાશે ચાલુ વાહને મને પાછળથી છરીના ઘા માર્યા છે. જેથી મેં તમારી સાથે કામ કરતાં મારા ભાઇ સાહિલને આની વાત કરી હતી.  જો કે પ્રકાશે મારા ભાઇને શું કામ છરીના ઘા માર્યા તે અંગે રોહિતે રણજીતને કહ્યું નહોતું.

રોહિત પર તેનો મિત્ર પ્રકાશ છરીથી હુમલો કરતો હતો ત્‍યારે એક ભરવાડ સમાજના ભાઇ વચ્‍ચે પડતાં  તેણે પણ પ્રકાશે છરીથી ઇજા કરતાં એ ભાઇએ ગોકુલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી.   મારા ભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ અમે તેને સિવિલ હોસ્‍પિટલમાંથી ખાનગી હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. મારા ભાઇને મારાી નાખવાના ઇરાદે પ્રકાશે છરીના આડેધડ ઘા મારી તેની હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં ઋત્‍વીક રાઠોડે જણાવતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જી. સોલંકી અને સ્‍ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપીને શોધવા કામે લાગી હતી. એ દરમિયાન પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમારની ટીમના એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, કોન્‍સ. ગોપાલ પાટીલ, મોહિલરાજસિંહ ગોહિલની બાતમી પરથી આરોપી પ્રકાશ ઉર્ફ કાળુ જીતેશભાઇ પરમાર (ઉ.વ.૧૯-રહે. મુળ ગામ પારેવાડા તા. જસદણ, હાલ જંગલેશ્વર-૨૫/૨૬, ભાડેથી)ને દબોચી લઇ કુવાડવા પોલીસને સોંપ્‍યો હતો.

પ્રાથમિક પુછતાછમાં પ્રકાશે કહ્યું હતું કે તેણે મિત્ર રોહિત પાસે કટકે કટકે અમુક રકમ લીધી હતી. ગત રાતે બંને ભેગા થઇ આટો મારવા નીકળ્‍યા ત્‍યારે રોહિતે પૈસાની ઉઘરાણી કરતાં પોતાની પાસે હાલમાં નથી તેમ કહેતાં બોલાચાલી થતાં રોહિતે વાહન ઉભુ રાખી દીધુ હતું અને બાદમાં ઝઘડો વધી જતાં તેણે છરીના ઘા મારી દીધા હતાં.

પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામરો, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, મહાવીરસિંહ ચુડાસમા, મોહિલરાજસિંહ ગોહિલ, ગોપાલ પાટીલ, અર્જુનભાઇ ડવ સહિતે આ કામગીરી કરી હતી.

(3:08 PM IST)